Introduction
પ્રાસ્તાવિક
પ્રથમં સદ્ગુરું વન્દે શ્રી કૃષ્ણ તદનન્તરમ્
ગુરુઃ પાપાત્મનાં ત્રાતા શ્રી કૃષ્ણસ્ત્વમલાત્મનામ્
મુકુન્દાનન્દ પ્રપન્નોહં ગુરુ પાદારવિન્દયોઃ
તસ્ય પ્રેરણયા તસ્ય દિવ્યાદેશં વદામ્યહમ્
“હું પ્રથમ મારા ગુરુદેવ જગદ્દગુરુ શ્રીકૃપાળુજી મહારાજને તથા પશ્ચાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને મારા સાદર પ્રણામ સમર્પિત કરું છું. શ્રીકૃષ્ણ શુદ્ધ હૃદય ધરાવતા લોકોને આલિંગન પ્રદાન કરે છે, જયારે મારા ગુરુદેવ એટલા કૃપાળુ છે કે તેઓ આધ્યાત્મિક દૃષ્ટિએ નિરાધારને પણ આશ્રય પ્રદાન કરે છે. વિશ્વમાં મુકુન્દાનંદના નામથી ઓળખાતો આ કુપાત્ર નગણ્ય આત્મા તેમના આધ્યાત્મિક ગુરુના ચરણ-કમળોમાં શરણાગત છે. તેમના ગુરુની અનુમતિ, પ્રેરણા અને કૃપા સાથે તે વિનમ્રતાપૂર્વક આધ્યાત્મિક વિષયોને પ્રકાશિત કરવા જઈ રહ્યા છે.”
વન્દે વૃન્દાવનાનન્દાં રાધિકાં પરમેશ્વરીમ્
ગોપિકાં પરમાં શૂદ્ધાં હ્લાદિનીં શક્તિ રૂપિણીમ્
“હું પરમેશ્વરી તથા ભગવાનની લ્હાદિની શક્તિ રાધારાણીને મારા સાદર પ્રણામ અર્પણ કરું છું. તેઓ સર્વ ગોપીઓમાં શુદ્ધતમ છે તથા વૃંદાવનના રસાનંદનું મૂર્તિમાન સ્વરૂપ છે.”
કદા દ્રક્ષ્યામિ નન્દસ્ય બાલકં નીપમાલકમ્
પાલકં સર્વ સત્ત્વાનાં લસત્તિલક ભાલકમ્
“શું મારા નયનો ક્યારેય પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના સ્વરૂપના દર્શન કરશે કે જેઓ આ પૃથ્વી પર નંદના પુત્ર સ્વરૂપે અવતરિત થયા? તેઓ ગળામાં પુષ્પોની હારમાળાથી તથા ભાલ પર પવિત્ર તિલકથી શૃંગારિત છે; તેઓ સાત્ત્વિક જનોનાં રક્ષક છે.”
અજાત પક્ષા ઇવ માતરં ખગાઃ સતન્યં યથા વત્સતરાઃ ક્ષુધાર્તાઃ
પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા મનોરવિન્દાક્ષ દિદૃક્ષતે ત્વામ્
“હે ભગવાન! જેમ પક્ષીનું બચ્ચું તેની માતાની ઝંખના કરે, જેમ ભૂખ્યું નવજાત શિશુ તેની માતાનું સ્તનપાન કરવા ઝંખે છે અને જે રીતે પ્રેમી તેના પ્રેમાસ્પદ માટે તરસે છે, તે જ રીતે મારું મન સદૈવ આપનાં દિવ્ય દર્શન માટે તીવ્ર ઉત્કંઠા ધરાવે.”
જ્ઞાનની પ્રક્રિયા
જ્ઞાન પ્રાપ્તિના બે માર્ગો છે. પ્રથમ વ્યવહારિક પ્રક્રિયા છે જેમાં આપણે સત્યની પ્રકૃતિના અન્વેષણ, સંશોધન અને નિષ્કર્ષ માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. દ્વિતીય માર્ગ પરંપરાગત પ્રક્રિયા છે, જેમાં આપણે કેવળ ઉચિત સ્રોત દ્વારા જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિની વ્યાવહારિક પ્રક્રિયા સ્વાભાવિક રીતે ત્રુટિયુક્ત હોય છે. આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ માયિક શક્તિથી બનેલ હોવાથી અપૂર્ણ અને સીમિત છે. પરિણામે, તેના દ્વારા પ્રાપ્ત જ્ઞાનની ચોકસાઈ તથા વિશ્વસનીયતા અંગે આપણે કદાપિ પૂર્ણપણે સુનિશ્ચિત હોતાં નથી.
ભૌતિક વિજ્ઞાનનો વ્યાસંગ વ્યાવહારિક પ્રક્રિયા ઉપર આધારિત હોવાથી ભૂતકાળના અતિ પ્રસિદ્ધ અને નિર્વિવાદિત વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ નવીન સિદ્ધાંતો દ્વારા બહિષ્કૃત થઈને ફેંકાઈ જાય છે. ઉદાહરણ તરીકે, ધાતુ એ અવિભાજ્ય અણુઓથી નિર્મિત છે તેવી ગ્રીક વિભાવના રુથરફોર્ડ દ્વારા ત્યારે અયથાર્થ સિદ્ધ થઇ જયારે તેણે એ પ્રદર્શિત કર્યું કે અણુઓમાં વિજાણુઓ (electrons), પરમાણુઓ (protons), neutrons તેમજ અવકાશનો વિશાળ પ્રદેશ સમાવિષ્ટ છે. પરિમાણના (quantum theory) સિદ્ધાંતે રુથર ફોર્ડના સિદ્ધાંતને ઉથલાવી દીધો, જેમાં જણાવ્યું હતું કે, electrons અને protons ઘન કણો નથી પરંતુ દ્વિ-અણુ-તરંગી-પ્રકૃતિ સહિત શક્તિની સ્પંદન ભાત છે. તેનાથી આપણને આશ્ચર્ય થાય છે કે આજે આપણે જેને સત્ય માનીએ છીએ, તે પણ અમુક સદીઓ પશ્ચાત્ પૂર્ણત: ખોટું સિદ્ધ થઇ જશે.
બીજી બાજુ, જ્ઞાનની અન્ય પ્રક્રિયા, પરંપરાગત પ્રક્રિયા, આવી ત્રુટિઓથી પૂર્ણત: રહિત છે. જયારે આપણે ઉત્તમ સ્રોત પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને ખાતરી હોય છે કે તે દોષરહિત છે. ઉદાહરણ તરીકે, આપણા પિતા કોણ છે, તો તે માટે આપણે કોઈ પ્રયોગો કરતાં નથી. આપણે કેવળ આપણી માતાને પૂછીએ છીએ અને તે માહિતીના આ અંશ માટેની સત્તા ધરાવે છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક વિષયોમાં પણ, પરંપરાગત પ્રક્રિયા આપણને શીઘ્રતાથી જ્ઞાનની વિશાળ નિધિમાં પ્રવેશ આપે છે, જેનું સ્વ-પ્રયાસો દ્વારા અનાવરણ કરતાં યુગો લાગી શકે છે. અહીં એકમાત્ર માપદંડ એ છે કે જે સ્રોત દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તે અમોઘ અને વિશ્વનીય હોવો આવશ્યક છે. વેદો જ્ઞાનનો એક આવો સ્રોત છે.
વેદો એ કોઈ પુસ્તકનું નામ નથી. તેઓ ભગવાનના શાશ્વત જ્ઞાનનો સંદર્ભ આપે છે, જેને તેમણે વિશ્વના સર્જન સમયે પ્રગટ કર્યાં. સર્જનના આ ચક્રમાં, તેમણે પ્રથમ-જન્મેલા બ્રહ્માના હૃદયમાં તેમને સર્વ પ્રથમ પ્રગટ કર્યાં. હજારો વર્ષો સુધી, ગુરુથી શિષ્ય સુધી આ વેદોને મૌખિક પરંપરા દ્વારા પ્રવાહિત કરવામાં આવ્યાં, તેથી, તેમનું અન્ય નામ શ્રુતિ (શ્રવણ દ્વારા ગ્રહણ કરેલી જ્ઞાન) પણ છે. તેમને અપૌરુષેય (જે માનવ દ્વારા સર્જિત નથી) પણ કહેવામાં આવે છે. આ કારણથી, ભારતીય તત્ત્વદર્શનમાં વેદોને, કોઈપણ આધ્યાત્મિક સિદ્ધાંતની યથાર્થતા સિદ્ધ કરવાની અંતિમ સત્તા માનવામાં આવે છે. કોઈપણ આધ્યાત્મિક સિદ્ધાંતની યથાર્થતા, ભલે તે ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યનાં સંદર્ભમાં હોય, વેદોના આધારે પ્રસ્થાપિત થવી આવશ્યક છે. તેમનાં અર્થનું વિસ્તૃત વર્ણન કરવા માટે અનેક શાસ્ત્રોની રચના થઈ છે. આ શાસ્ત્રો વેદોના અધિકારથી પૃથક્ નથી. બલ્કે, તેઓ તેમાં નિહિત જ્ઞાનને વિસ્તૃત અને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. તે સર્વને સામૂહિક રીતે, “વૈદિક ગ્રંથો” એવાં નામથી ઓળખવામાં આવે છે.
વૈદિક ગ્રંથો અપાર છે પરંતુ તેમાંનાં ત્રણને પરંપરાગત રીતે પ્રસ્થાન ત્રયી (વૈદિક વિચારોની સમજ માટેના પ્રારંભિક ત્રણ વિષયો) કહેવામાં આવે છે. તે છે — ઉપનિષદ્દ, બ્રહ્મ સૂત્ર અને ભગવદ્દ ગીતા.
ઉપનિષદો વેદોનો એ વિભાગ છે, જે તત્ત્વદર્શીય જ્ઞાન સાથે સંબધ ધરાવે છે તથા તેને વેદોનું નવનીત માનવામાં આવે છે. તેનું વાંચન કરીને જર્મન તત્ત્વદર્શી આર્થર શોપનહાવરએ (૧૭૮૮–૧૮૬૦) કહ્યું: “વિશ્વમાં ઉપનિષદ્દ સમાન ઉન્ન્તકર્તા અન્ય કોઈપણ તત્ત્વદર્શન નથી. તે મારા જીવન માટેનું આશ્વાસન છે અને તે મારા મૃત્યુ માટે પણ આશ્વાસન હશે.” અન્ય જર્મન તત્ત્વદર્શી પૌલ ડયુસેન (૧૮૪૫–૧૯૧૯)આ પ્રમાણે અભિવ્યક્તિ કરે છે: “શાશ્વત દાર્શનિક સત્યની પ્રભાવશાળી તથા નિર્ણાયક અભિવ્યક્તિ ઉપનિષદોનાં તત્ત્વદર્શનના મુક્તિકારક જ્ઞાનથી અધિક ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે.” પરંતુ, સાધારણ મનુષ્ય માટે ઉપનિષદોનું આકલન કરવું કઠિન છે.
બ્રહ્મસૂત્ર એ ઉપનિષદોનો સારાંશ છે. વેદ વ્યાસ દ્વારા વૈદિક જ્ઞાનનો દાર્શનિક નિષ્કર્ષ પ્રદાન કરવા તેની રચના કરવામાં આવી હતી. આમ, તેને “વેદાંત” અર્થાત્ “વૈદિક વિચારોની પરાકાષ્ઠા” પણ કહેવામાં આવે છે. ઉપનિષદોની સમાન બ્રહ્મસૂત્ર પણ સમજવામાં કઠિન છે અને તેની સંક્ષિપ્તતા પ્રાય: સંદિગ્ધતા અને વ્યક્તિલક્ષી અર્થઘટન તરફ દોરી જાય છે.
ભગવદ્દ ગીતા ઉપરોક્ત બંને ગ્રંથોની તુલનામાં અધિક સુગમ્ય છે. તે વૈદિક દર્શનનો સર્વગ્રાહી અને સમજવામાં સુગમ સારાંશ પ્રદાન કરે છે. ભગવદ્દ અર્થાત્ “ભગવાનનું” તથા ગીતા અર્થાત્ “ગીત”. તેથી, ભગવદ્દ ગીતાનો શાબ્દિક અર્થ “ભગવાનનું ગીત” થાય છે. તે મહાભારતના યુદ્ધના પ્રારંભે પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અને તેમનાં ભક્ત અર્જુન વચ્ચે થતો સંવાદ છે.
ઈતિહાસના પ્રવાહમાં, સોથી અધિક અર્થશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક, સામાજિક, તત્ત્વદર્શી સિદ્ધાંતો પ્રથમ પ્રસ્તાવિત થયા અને પશ્ચાત્ ક્ષતિયુક્ત અને અપૂર્ણ ગણીને રદ્દ કરી દેવામાં આવ્યા. આ સર્વ વ્યવહારિક જ્ઞાનની ઉપજ હતી અને તેથી અપૂર્ણ અને ક્ષતિને આધીન હતા. જો ભગવદ્દ ગીતા પણ નશ્વર અને સીમિત બુદ્ધિનું સર્જન હોત તો પચાસમી સદીના ગાળામાં જ તે જૂની અને અપ્રાસંગિક થઇ જાત. પરંતુ, ભગવદ્દ ગીતાનું સર્વકાલીન જ્ઞાન મહાત્મા ગાંધી, રોબર્ટ ઓપ્પેન્હીમર, કાર્લ યુંગ, હર્મન હેસ્સ, આલ્ડસ હગ્ઝ્લી જેવા આધુનિક સમયનાં પ્રસિદ્ધ દાર્શનિકોને પણ નિરંતર પ્રેરણા આપતું રહ્યું છે, જે તેની દિવ્ય ઉત્પત્તિનું સૂચન કરે છે.
મહાભારતમાં સમાવિષ્ટ
વેદ વ્યાસે ભગવદ્દ ગીતાને મૂળ એક ભિન્ન પાઠ તરીકે સંકલિત કરી હતી. પશ્ચાત્, જયારે તેમણે મહાભારતની રચના કરી ત્યારે તેમણે ભગવદ્દ ગીતાને તેમાં સમાવિષ્ટ કરી. મહાભારતમાં એક લાખ શ્લોકો નિહિત છે અને તેથી, તે વિશ્વનું સૌથી અધિક દીર્ઘ કાવ્ય છે. તે ઈલિયાદ અને ઓડીસ્સીને સાથે મૂકીએ તો તેનાં કરતાં સાત ગણું અને બાઈબલ કરતાં ત્રણ ગણું મોટું છે. રામાયણની સાથે, તેને ઇતિહાસનો ભારતની ઐતિહાસિક હસ્તપ્રતનો દરજ્જો પ્રાપ્ય છે. તેની કથાઓ અને નીતિયુક્ત ઉપદેશોએ હજારો વર્ષો સુધી ભારતીય સંસ્કૃતિની રચના પર પ્રભાવ પાડયો છે. મહાભારત અઢાર વિભાગોમાં વિભાજીત છે. ભગવદ્દ ગીતા છઠ્ઠા વિભાગમાં આવેલ છે, જેને ભીષ્મ પર્વ કહેવામાં આવે છે. તેમાં અઢાર અધ્યાયનો સમાવેશ થાય છે, જે પચીસમા પ્રકરણથી આરંભ થઈને બેતાળીસમાં પ્રકરણ પર સમાપ્ત થાય છે.
ભગવદ્દ ગીતામાં વેદોના જ્ઞાનના અધિકાંશ મહત્ત્વનાં વિષયોને સમાવિષ્ટ હોવાથી, તેને ગીતોપનિષદ્દ કે ગીતા ઉપનિષદ્દ પણ કહેવામાં આવે છે. તે નિમ્ન વર્ણિત બે ઉદ્દેશ્યોની પરિપૂર્તિ કરે છે.
તે બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે છે
જેમ જેમ માનવજાતિ તેના જ્ઞાનની સીમાઓ વિસ્તૃત કરવા હિંમતભેર આગળ કૂચ કરી રહી છે, તેમ તેમ તે અનુભૂતિ પ્રગટ થાય છે કે આપણે જેટલું અધિક સંશોધન કરીએ છીએ અને શીખીએ છીએ, તેટલું અધિક આપણે હજી પણ શીખવાનું બાકી છે. પ્રતિવર્ષ ઊભરી આવતા નવીન વિજ્ઞાનો એ અનિવાર્ય નિષ્કર્ષ તરફ અગ્રેસર કરે છે કે, સૃષ્ટિના પૂર્ણ સત્યને સમજવા માટેની શોધ એ અંતહીન પ્રયાસ છે. તેનાથી વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે શું કોઈ એવો સ્રોત છે કે જે અસ્તિત્ત્વમાં રહેલા પ્રત્યેક પદાર્થને સરળતાથી સમજાવી શકે. વેદો અનુસાર, જ્ઞાનની એવી એક શાખા છે અને તે છે પૂર્ણ સત્યના સાક્ષાત્કારનું વિજ્ઞાન. પૂર્ણ સત્ય એક જ છે, જે ઈશ્વર, ભગવાન, ગોડ, લોર્ડ, અલ્લાહ, ખુદા, યાહ્વેહ, અહુર મઝદા, અલખ નિરંજન, શૂન્ય, ઈક ઓમકાર વગેરે જેવાં અનેક નામો દ્વારા ઓળખાય છે. અન્ય સર્વ સત્યો તેનામાંથી પ્રગટ થયાં છે અને તેમની યોજનામાં સ્થાન પામ્યાં છે. તેથી, વેદો વર્ણન કરે છે: એકસ્મિન્ વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ “જે પરમ પૂર્ણ સત્યને જાણી શકે છે, તે સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.” પરમ સત્યને જાણવાના વિજ્ઞાનને “બ્રહ્મ વિદ્યા” કહે છે. ભગવદ્દ ગીતાનો પરમ ઉદ્દેશ્ય બ્રહ્મ વિદ્યા, ભગવદ્દ-સાક્ષાત્કારનું વિજ્ઞાન પ્રદાન કરવાનો છે.
જે વ્યક્તિને નિકટવર્તી સમસ્યાઓના નિવારણમાં સહાય કરે તે એક પ્રકારનું જ્ઞાન છે, જયારે એક જ પ્રહારમાં સર્વ સમસ્યાઓના નિવારણ માટે અજ્ઞાનનાં મૂળને નષ્ટ કરી દે તે અન્ય પ્રકારનું જ્ઞાન છે. ભગવદ્દ ગીતા અનંત જન્મોથી આત્મા પર આચ્છાદિત અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને દ્વિતીય પ્રકારની પ્રબુદ્ધતાનું લક્ષ્ય ધરાવે છે. નિકટવર્તી સમસ્યાઓનો સામનો કરવામાં અસમર્થ અર્જુને, તે જે વેદનાનો અનુભવ કરી રહ્યો છે, તેમાંથી બહાર નીકળવા શ્રીકૃષ્ણનો સંપર્ક કર્યો. શ્રીકૃષ્ણએ તેને તત્કાલીન સમસ્યાઓ માટે કેવળ શિખામણ જ આપી નહીં, પરંતુ વિષયાંતર દ્વારા જીવનદર્શન અંગે ગહન પ્રવચન આપ્યું.
તે યોગની સાધના શીખવે છે
કોઇપણ વિજ્ઞાને તેની ઉપયોગિતા માટે બે પાસાંઓને સંબોધિત કરવા જોઈએ—સિદ્ધાંત અને સાધના. સર્વશ્રેષ્ઠ સૈદ્ધાંતિક જ્ઞાન પણ જીવનની સમસ્યાઓના નિવારણ માટે અપર્યાપ્ત છે. જો જ્ઞાનનો વ્યાવહારિક અભ્યાસમાં સમાવેશ કરવામાં ન આવે તો તે કેવળ બૌદ્ધિક મનોરંજનના ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. ભગવદ્દ ગીતા ઉત્કૃષ્ટ દાર્શનિક સમજૂતીઓ પ્રદાન કરવા પૂરતી સીમિત નથી; તે તેનાં આધ્યાત્મિક ઉપદેશોનો પ્રતિદિન અમલ કરવા માટેની સ્પષ્ટ તકનિકોનું પણ વર્ણન કરે છે. રોજીંદા જીવનમાં લાગુ પડતી આ આધ્યાત્મિક વિજ્ઞાનની તકનિકોને “યોગ” નામથી ઓળખવામાં આવે છે. તેથી, ભગવદ્દ ગીતાને “યોગ શાસ્ત્ર” અર્થાત્ યોગની સાધના શીખવાડતું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે.
બિનઅનુભવી આધ્યાત્મિક સાધકો પ્રાય: આધ્યાત્મિકતાને દુન્યવી જીવનથી પૃથક્ માને છે; કેટલાક લોકો દિવ્યાનંદને ભવિષ્યમાં અથવા તો મૃત્યુ પશ્ચાત્ પ્રાપ્ત કરવાની કોઈ વસ્તુ તરીકે જુએ છે. પરંતુ ભગવદ્દ ગીતા આવો કોઈ તફાવત દર્શાવતી નથી; અને આ જ વિશ્વમાં માનવજીવનના પ્રત્યેક પાસાંને પ્રતિષ્ઠિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રમાણે, તેનાં અઢારેય અધ્યાયો વિભિન્ન પ્રકારના યોગ સ્વરૂપે નિયુક્ત થયા છે, કારણ કે તેઓ આધ્યાત્મિક જ્ઞાનને વ્યાવહારિક જીવનમાં ક્રિયાન્વિત કરવા માટેની કાર્ય પ્રણાલીઓ સાથે સંબંધ ધરાવે છે. આ અધ્યાયો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ જેવાં યોગનાં વિવિધ સૂત્રોનું પણ વર્ણન કરે છે.
ભગવદ્દ ગીતાની પૂર્વભૂમિકા
યદ્યપિ સત્ય એક જ અને સનાતન છે તથાપિ વિભિન્ન યુગોમાં તે પોતાને વિવિધ સ્થળોએ અભિવ્યક્ત કરે છે, જે તેમને તેની પ્રસ્તુતિનો અનુપમ રસ પ્રદાન કરે છે. તેથી, ભગવદ્દ ગીતાને કેવળ સામાન્યીકૃત દર્શનશાસ્ત્ર કે નીતિવિષયક સિદ્ધાંતના પ્રકાશ અંતર્ગત જોવું જોઈએ નહીં. તે માનવ જીવનની વિશિષ્ટ સંકટયુક્ત પરિસ્થિતિઓમાં નીતિઓનું વ્યાવહારિક અમલીકરણ છે જે તેના વિન્યાસની પૂર્તિ કરે છે. તેનો ઉપદેશ અત્યંત ગહન હોવાથી, ભગવદ્દ ગીતાને તેની પૂર્વભૂમિકા માટે સમકક્ષ સંદિગ્ધ તથા દુર્ગમ સંકટની આવશ્યકતા હતી. આ પ્રમાણે, તેનાં આદર્શોના મૂલ્યોની પૂર્ણ પ્રશંસા કરવાના ઉપક્રમે, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આ દિવ્ય ઉપદેશ કહેવા માટે કારણભૂત બનેલા ઐતિહાસિક પ્રવાહ અંગે જાણવું પણ આવશ્યક છે.
ભગવદ્દ ગીતાનું જે પરિસ્થિતિમાં ઉચ્ચારણ થયું, તે મહાભારતનો પ્રારંભ હતો, એ પ્રચંડ યુદ્ધ પિતરાઈ ભાઈઓનાં બે સમૂહો—કૌરવો અને પાંડવો— વચ્ચે થવાનું હતું. પાંડવો—યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ—પાંચ ઉમદા ભાઈઓ હતાં. તેમનાં પિતા, રાજા પાંડુનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું, ત્યારે તેમનાં પાંચ પુત્રો ઘણાં નાના હતાં. પાંડુનું સિંહાસન તેના સાવકા ભાઈ ધૃતરાષ્ટ્ર દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતું, જે જન્મથી જ અંધ હતા. ધૃતરાષ્ટ્રને સો પુત્રો હતા, જે કૌરવ તરીકે ઓળખાતા હતા, જેમાં જ્યેષ્ઠ દુર્યોધન હતો. વર્ષો સુધી, દુર્યોધનની આગેવાની હેઠળ કૌરવોએ તેમનાં પિતરાઈ ભાઈઓ, પાંડવો સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હસ્તિનાપુરના રાજ્ય પર શાસન કર્યું હતું, કે જે નૈતિક દૃષ્ટિએ તેમનું ન હતું.
કૌરવો ક્રૂરતા, અન્યાય, દૂષણો, જુલમ અને અધર્મના મૂર્તિમાન સ્વરૂપ હતા. બીજી બાજુ, પાંડવો પવિત્ર અને સદાચારી—નૈતિકતા, ત્યાગ, ભક્તિ અને કરુણાનું મૂર્ત સ્વરૂપ હતા. સૌથી અગત્યનું, તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્તો હતા. કૌરવો દ્વારા તેમના પર આચરવામાં આવતા જુલમને કારણે પાંડવોનું દુઃખ એટલું અસહ્ય થઇ ગયું હતું કે, બંને પક્ષો વચ્ચે યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. યુદ્ધની અનિવાર્યતા સમજીને, બંને પક્ષોએ તે સમયની ભારત-ભૂમિ પર પથરાયેલાં અનેક રાજ્યોમાં સમર્થન માટે પ્રચાર કર્યો હતો. પિતરાઈ ભાઈઓનાં બંને સમૂહો એટલાં શક્તિશાળી હતા કે, આ યુદ્ધનો સમગ્ર ભારતમાં પ્રભાવ પડયો. તેથી, ભારતના સર્વ રાજાઓ એક યા બીજા પક્ષનું સમર્થન કરવા માટે વિવશ હતા.
સૈન્યને એકત્રિત કરવાના જોશીલા પ્રયાસોના ભાગરૂપે, અર્જુન અને દુર્યોધન બંને શ્રીકૃષ્ણને વિંનતી કરવા દ્વારકા પહોંચ્યા. શ્રીકૃષ્ણ સર્વજ્ઞ હોવાના કારણે જાણતા હતા કે તેઓ તેમની સહાય માગવા માટે આવી રહ્યા છે. તેમણે એવી પરિસ્થિતિનું સર્જન કર્યું કે જે નિકટવર્તી યુદ્ધનો બોધાત્મક સૂર સ્થાપિત કરતી હતી. તેઓ ખંડમાં નિદ્રાધીન મુદ્રામાં સૂઈ ગયા. અર્જુન ખંડમાં પ્રવેશ્યો અને નમ્રતાના ભાવ સાથે શ્રીકૃષ્ણનાં ચરણો પાસે બેસીને, તેમની જાગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. દરમ્યાનમાં, દુર્યોધન પણ આવી પહોંચ્યો અને ઘમંડની તેની વિલક્ષણતા સાથે શ્રીકૃષ્ણનાં મસ્તકની પાછળના આસન પર બેઠો. જયારે શ્રીકૃષ્ણ જાગૃત થયા ત્યારે સ્વાભાવિક રીતે તેમની પ્રથમ દૃષ્ટિ અર્જુન પર પડી અને પશ્ચાત્ તેમને દુર્યોધનની ઉપસ્થિતિ અંગે પણ જાણ થઈ. બંને પક્ષોએ યુદ્ધ માટે તેમની સહાયની યાચના કરી. અર્જુન અને દુર્યોધન બંને શ્રીકૃષ્ણનાં પિતરાઈ ભાઈઓ હતા, તેથી તેઓ પક્ષપાતનો આરોપ માથે લેવા ઈચ્છતા ન હતા. તેથી તેમણે પ્રસ્તાવ મૂક્યો કે, એક પક્ષને તેઓ દ્વારકાનું વિશાળ સૈન્ય પ્રદાન કરશે અને અન્ય પક્ષે તેઓ સ્વયં રહેશે પરંતુ કોઈપણ શસ્ત્ર વિના. શ્રીકૃષ્ણે જાગતાંની સાથે અર્જુનને પ્રથમ જોયો હતો, તેથી તેમણે પસંદગીનો પ્રથમ અવસર અર્જુનને આપ્યો. અર્જુને તેના પક્ષે નિ:શસ્ત્ર હોવા છતાં પણ શ્રીકૃષ્ણને પસંદ કર્યા. તેને શ્રદ્ધા હતી કે જો ભગવાન તેની સાથે હશે તો તે કદાપિ હારશે નહીં. દુર્યોધનને અર્જુનની પસંદગીથી ખુશી થઇ, કારણ કે, તે તો પૂર્ણત: સૈન્યબળ પર આધારિત ભૌતિક શક્તિમાં જ વિશ્વાસ ધરાવતો હતો. એ રીતે શ્રીકૃષ્ણ યુદ્ધમાં અર્જુનના રથના સારથિ બન્યા.
યુદ્ધના આરંભે, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બંને બાજુએ વિશાળ સૈન્યો એકત્રિત થયાં હતાં. આ મહાભારતનું (ભારતનું મહાન યુદ્ધ) નિકટવર્તી યુદ્ધ હતું. પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, કારણ કે, એક યુગ આ પારસ્પરિક વિઘાતક યુદ્ધમાં સ્વ-વિનાશ નોતરવાનો હતો. યુદ્ધના સંગ્રામની થોડી જ ક્ષણો પૂર્વે, અર્જુને શ્રીકૃષ્ણને તેનો રથ બંને સૈન્યોની મધ્યે લઇ જવા માટે વિનંતી કરી. યુદ્ધ માટે પોતાને સજ્જ કરેલા યોદ્ધાઓને જોઇને, અર્જુન કિન્કર્તવ્યમૂઢ થઇ ગયો. નિરાશાની સ્થિતિને કારણે તેણે પોતાના ધનુષ્ય નીચે ફેંકી દીધું અને યુદ્ધ લડવાનો ઇનકાર કરી દીધો.
અર્જુન નૈતિક વિરોધાભાસનો શિકાર હતો. એક તરફ, તે તેના દાદા ભીષ્મ, શિક્ષક દ્રોણાચાર્ય વગેરે જેવાં વ્યક્તિઓનો સામનો કરી રહ્યો હતો કે જેઓ તેના આદર અને પૂજાને પાત્ર હતાં. તો બીજી તરફ, એક યોદ્ધા તરીકે ધર્મનું યુદ્ધ લડવાનું તેનું કર્તવ્ય હતું. છતાં પણ, વિજયનું કોઈપણ પરિણામ આવા અધમ કૃત્યને ન્યાયસંગત લાગતું ન હતું. તે નિવારણ વિનાનાં ધર્મસંકટ સમાન ભાસતું હતું. વિક્ષિપ્ત, હતોત્સાહ, જીવનથી નિરાશ અને પરિસ્થિતિઓથી ઉદ્વિગ્ન થયેલો અર્જુન પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પાસે આત્મસમર્પણ કરીને તેના માટે ઉચિત કર્મોની દિશા કઈ છે તેનું માર્ગદર્શન પ્રદાન કરવા માટે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. અર્જુનની આ મૂંઝવણભરી અવસ્થામાં, શ્રી કૃષ્ણે તેને પ્રબુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો.
પ્રસંગોની ઐતિહાસિકતા
મહાભારતમાં વર્ણિત પ્રસંગોની ઐતિહાસિક નિશ્ચિતતા અંગે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ જ પ્રમાણે, બાઈબલમાં વર્ણિત ક્રાઈસ્ટ અને તેમના જીવનના પ્રસંગોની ઐતિહાસિકતા અંગે યુરોપમાં વિવાદો ઉભા થયા હતા. આવા વિવાદો કદાચ ઈતિહાસકારો માટે મહત્ત્વ ધરાવતા હશે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી તેમનું કોઈ મહત્ત્વ નથી. જો આપણને ઈશુના ઉપદેશોથી લાભ થતો હોય અને આપણે તેમનાં આદેશો અનુરૂપ પવિત્ર જીવન જીવતાં હોઈએ, તો પછી તેઓ વાસ્તવમાં નેઝારેથમાં જન્મ્યા હતા કે બેથલેહેમમાં, તે શું કોઈ મહત્ત્વ ધરાવે છે? એ જ પ્રમાણે, ભગવદ્દ ગીતાની વિચારધારાનો મર્મ સમજવા આપણે તેની ઐતિહાસિક માહિતી જાણવા માટે ઊંડા ઉતરવાની આવશ્યકતા નથી, પરંતુ તે પ્રબુદ્ધતાના માર્ગે અગ્રેસર થવા માટે જે આધ્યાત્મિક સિદ્ધાંતો પ્રસ્તુત કરે છે અને તેની જે ઉપયોગીતા છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. જો આપણે પત્થરની મૂર્તિ પ્રત્યે પણ દિવ્ય ભાવનાઓ ધરાવીએ છીએ તો પણ આપણે પવિત્ર થઇ જઈએ છીએ. આપણી પોતાની દિવ્ય ભાવનાઓ આપણાં મનને વિશુદ્ધ કરે છે. તો પછી દિવ્ય ભાવનાઓ સાથે ભગવાનની દિવ્ય લીલાઓના ચિંતનના વિશુદ્ધ પ્રભાવ અંગે ક્યાં કોઈ શંકાને સ્થાન છે?
જયારે મેં ભક્તો સમક્ષ વિચાર વ્યક્ત કર્યો કે હું ભગવદ્દ ગીતા ઉપર ભાષ્ય લખવા ઈચ્છું છું, ત્યારે પશ્ચિમના કેટલાક લોકોએ સૂચન કર્યું કે મારે મહાભારતનું રૂપકાત્મક અર્થઘટન કરવું જોઈએ અને તદ્નુરૂપ ગીતાની વિવેચના કરવી જોઈએ. તેમણે મને પાશ્ચાત્ય દેશોમાં લોકપ્રિય થયેલાં અનેક ભાષ્યોનો સંદર્ભ આપ્યો, જેમાં સમગ્ર પરિસ્થતિનું રૂપાત્મક શૈલીમાં અર્થઘટન કરવામાં આવ્યું છે. આવું રૂપકાત્મક અર્થઘટન કરવું એ અતિ સરળ કાર્ય છે, પરંતુ આવા અભિગમથી એ સમસ્યા ઉદ્ભવે છે કે તે મહાભારત જે ભક્તિનાં સુંદર આધારને પ્રસ્તુત કરે છે, તેને નષ્ટ કરી દે છે અને તેને શુષ્ક બૌદ્ધિક વિશ્લેષણના નિમ્ન સ્તરે ખેંચી જાય છે. તે જે જમીન પર પહેલેથી જ અદ્ભુત પુષ્પોનું ઉદ્યાન ખીલી રહ્યું છે તેની જાણ વિના, કૃષિવિષયક સંવર્ધન માટે તે જમીન પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપવા સમાન છે. એ જ પ્રમાણે, વેદ વ્યાસજીનો આ શાસ્ત્રો પ્રગટ કરવા પાછળનો ઉદ્દેશ્ય કેવળ આપણને દિવ્ય ઉપદેશનો ખજાનો પ્રદાન કરવા પૂરતો ન હતો, પરંતુ વાચક સમક્ષ ભગવાનનાં ચિત્તાકર્ષક નામો, રૂપો, ગુણો, લીલાઓ, અને ધામો પ્રસ્તુત કરવાનો હતો, કે જે મનને પરમેશ્વર પ્રત્યે અનુરક્ત કરવાનો મધુર આધાર પ્રદાન કરે છે.
તેથી, ચાલો આપણે નિર્જીવ રૂપકાત્મક અર્થઘટન કરીને સર્વ વિષયોને ક્ષીણ કરવાના પ્રલોભનને વશ ન થઈએ. ભગવદ્દ ગીતાનાં મૂળ સ્વરૂપમાં, પહેલેથી જ બુદ્ધિને વિપુલ પ્રમાણમાં પોષણ આપવા માટે અગાધ જ્ઞાન નિહિત છે, તેનું શુષ્ક બૌદ્ધિકરણ કરવું એ ભાષ્યકાર માટે અનાવશ્યક પ્રયાસ છે. વેદ વ્યાસજી પણ સાહિત્યિક સાધન તરીકે રૂપકો અંગે સાવધાન હતા, તેમણે તેમનાં લખાણોમાં તેનો પ્રભાવશાળી શૈલીથી ઉપયોગ કર્યો છે. તેથી, ચાલો આપણે વેદ વ્યાસજીને જ્યાં આવશ્યક પ્રતીત થાય ત્યાં તેમની પોતાની કલ્પનાઓ પ્રગટ કરવા દઈએ, કારણ કે, તેઓ આપણને મસ્તિષ્ક અને હૃદય બંનેની યાત્રાએ લઇ જાય છે તથા ભગવાન જયારે પૃથ્વી પર માનવ સ્વરૂપમાં અવતરિત થયાં, ત્યારની તેમની લીલાઓ તથા ઉપદેશને પ્રસ્તુત કરે છે.
ગીતાની ભાષા
ભગવદ્દ ગીતાની નોંધ અને આપણી સમક્ષ તેની પ્રસ્તુતિ ભારતની ઐતિહાસિક ભાષા સંસ્કૃતમાં થઇ છે. આ નિશ્ચિતરૂપે યોગ્ય છે કારણ કે, આધ્યાત્મિક વિભાવનાઓની અભિવ્યક્તિ માટે સંસ્કૃત અતિ ઉચ્ચ અને ઉન્નત શબ્દાવલિ ધરાવે છે. વિશ્વની સર્વ ભાષાઓની તુલનામાં તે અત્યધિક સચોટ વ્યાકરણથી સંપન્ન છે; જે વ્યાકરણ હજારો વર્ષોથી યથાવત્ રહ્યું છે. વર્તમાનમાં, નાસાના (NASA) વૈજ્ઞાનિકો જે કૃત્રિમ બુદ્ધિ (********** intelligence) માટે ઉપયોગી કોમ્પ્યુટર ભાષાના વિકાસ પર કાર્ય કરતા હતા, તેઓ એ જાણીને આશ્ચર્ય ચકિત થઇ ગયા કે તેમના ઉદ્દેશ્ય માટે સંસ્કૃત કોમ્પ્યુટર પૂર્ણતયા સુસંગત વ્યાકરણ ધરાવે છે. NASAના એમ્સ રીસર્ચ સેન્ટર, CAના રીક બ્રીગ્ગ્સે તેમની કૃતિ “નોલેજ રીપ્રેઝંટેશન ઇન સંસ્કૃત એન્ડ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (ધ AI મેગેઝીન સ્પ્રિંગ, ૧૯૮૫ # ૩૯)” માં લખ્યું: “ઓછામાં ઓછી એક ભાષા છે — સંસ્કૃત, જે તેના સમૃદ્ધ સાહિત્ય સાથે લગભગ ૧૦૦૦ વર્ષો સુધી બોલાતી જીવંત ભાષા હતી. તેના શાબ્દિક મૂલ્યોનાં કાર્યો ઉપરાંત, તે દીર્ઘ દાર્શનિક અને વ્યાકરણીય પરંપરા હતી, જે વર્તમાન સદી સુધી અક્ષય ઓજસ સાથે નિરંતર વિદ્યમાન છે. વ્યાકરણશાસ્ત્રીઓની ઉપલબ્ધિઓમાં સંસ્કૃતનાં પુનર્લેખનની પદ્ધતિની એ શૈલી સમાવિષ્ટ થઈ શકે કે જે ન કેવળ તેના સારાંશમાં પરંતુ કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence)ના વર્તમાન કાર્ય સ્વરૂપ સાથે પણ સામ્ય ધરાવે છે.”
ભગવદ્દ ગીતાના માધ્યમ સ્વરૂપે, સંસ્કૃત ભાષા ગહનતા અને સુભદ્રતા બંને પ્રદાન કરે છે. સાથે-સાથે તેમ પ્રવાહિતા છે અને તે સર્વ પ્રણાલીઓને દિવ્ય ઉપદેશમાં સમાવિષ્ટ તેમનાં પરિપ્રેક્ષ્યને જોવાનો અવકાશ પૂરો પાડે છે.
ગીતાની વિશ્વવ્યાપી લોકપ્રિયતા
શંકરાચાર્યના સમયથી મહાન દાર્શનિકોએ ભગવદ્દ ગીતા પર પોતપોતાનાં પ્રથાગત ભાષ્યો લખ્યાં છે. તેનો સંસ્કૃતમાંથી ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વર દ્વારા મરાઠીમાં લિખિત જ્ઞાનેશ્વરી, જેવી અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.
બ્રિટીશ સામ્રાજ્ય દરમ્યાન ગીતાની લોકપ્રિયતા વિશ્વભરમાં પ્રસારિત થઈ. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના એક વેપારી ચાર્લ્સ વિલ્કીન્સે તેનું અંગ્રેજીમાં પ્રથમ ભાષાંતર કર્યું. તેની પરંપરાએ ન્યુ ઈંગલેન્ડના સ્વતંત્ર ચિંતકોના સમૂહ, અમેરિકન અંતર્જ્ઞાનવાદીઓ પર ઘેરો પ્રભાવ પાડયો. રાલ્ફ વેલ્ડો એમર્સને તેને તેની કવિતા “બ્રહ્મા”નો આધાર બનાવ્યો. ઈમર્સને તે સર્વ માટે ગીતાનું વાંચન આવશ્યક બનાવ્યું, જે લોકોએ પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મનો (evangelical Christianity) વિરોધ કર્યો. તેના મિત્ર, હેન્રી ડેવિડ થોરુ પણ ગીતા પ્રત્યે અસાધારણ ઉત્સાહી હતા અને તેમણે કર્મયોગના ઉપદેશને પોતાની જીવન શૈલી તથા તત્ત્વજ્ઞાનમાં સમાવિષ્ટ કર્યાં. અને તે રીતે, તે પ્રથમ વખત વિપરીત સંસ્કૃતિનો ભાગ બની. એક સદી પશ્ચાત્, ટીએસ એલિયટ ને ભારતીય તત્ત્વદર્શનમાં આજીવન રસ રહ્યો અને તેણે તેના કાવ્યમાં તેનો સમાવેશ કર્યો. ગીતાએ વિશેષ કરીને સ્ક્લેગલ, હંબોલ્ટ, અને ગોએથ જેવાં જર્મન શ્રુંગાર-રસિકોને પણ આકર્ષિત કર્યા.
ભારતમાં પણ,સ્વતંત્રતા આંદોલનના આગેવાનો, જેઓ સમગ્ર રાષ્ટ્રનો આદર પ્રાપ્ત કરી રહ્યા હતા, તેમણે તેમની પ્રેરણાના સ્રોત તરીકે ભગવદ્દ ગીતાને શ્રેય આપવાનો પ્રારંભ કર્યો. બાલગંગાધર તિળક, મહાત્મા ગાંધી પૂર્વેના સ્વતંત્રતાની લડાઈના આગેવાન તથા આદરણીય કર્મયોગીએ ગીતા પર વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ભાષ્ય લખ્યું. તેમનાં પછી, મહાત્મા ગાંધીએ જાહેર કર્યું કે તેઓને જયારે નિરાશાનો સામનો કરવો પડયો હતો ત્યારે તેઓ માર્ગદર્શન અને આશ્વાસન માટે ગીતા તરફ વળ્યા હતા. ગાંધીજીની વિચારસરણીએ વીસમી સદીમાં પશ્ચિમની બે મહાન વ્યક્તિઓ, માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલાને પ્રેરિત કર્યા. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વિચારોના આદાન પ્રદાને જે સ્થાન લીધું, તેણે ગીતાની લોકપ્રિયતામાં વૃદ્ધિ કરી. ૧૯૬૦માં વિપરીત સંસ્કૃતિના અન્ય એક પ્રવાહે અમેરિકાને આવરી લીધું. સ્વામી વિવેકાનંદ અને સ્વામી યોગાનંદની પરંપરાને નિરંતર ચાલુ રાખીને સ્વામી વિષ્ણુદેવાનંદ, સ્વામી સતચિતાનંદ અને સ્વામી પ્રભુપાદ જેવાં અનેક ભારતીય ગુરુઓએ અમેરિકા આવવાનો પ્રારંભ કર્યો. તે સર્વે પોતાના ઉપદેશના પ્રમાણિત અને અધિકૃત સંદર્ભ તરીકે ગીતાનો ઉલ્લેખ કર્યો. પરિણામે, ભગવદ્દ ગીતા શીઘ્રતાથી એ સ્થાને પહોંચી ગઈ, જ્યાં માનવજાતિના ઇતિહાસમાં જ્ઞાનની સૌથી અધિક લોકપ્રિય અને સૌથી અધિક વંચાતા પુસ્તકોમાંથી એક હોવાનું સ્થાન આજે તે ધરાવે છે.
તેનાં ઉપદેશો સંપ્રદાય અને પંથથી પરે છે
અમુક પ્રકારનાં ઉપદેશો સૈદ્ધાંતિક પદ્ધતિ, સંપ્રદાય અને પંથનો પ્રચાર કરે છે. જયારે અન્ય પ્રકારના ઉપદેશો આદર્શો અને જીવન-સંબંધી સિદ્ધાંતોનો પ્રચાર કરે છે, જે સર્વ સંપ્રદાયો અને પંથોથી શ્રેષ્ઠ છે. ગીતાને અમુક ચોક્કસ ધાર્મિક પ્રણાલીનું ફળ માનનારા વિદ્વાનો તેનાં ઉપદેશોની સાર્વભૌમિકતા પ્રત્યે અન્યાય કરે છે. તે જે આદર્શો પ્રસ્તુત કરે છે તે કોઈ દાર્શનિક બુદ્ધિનું અનુમાન નથી, પરંતુ તે આધ્યાત્મિક વાસ્તવિકતાનું સ્થાયી સત્ય છે. જે આપણા પોતાના અસ્તિત્ત્વમાં અને જીવન યાત્રા દરમ્યાન ચકાસી શકાય છે. આ પ્રમાણે, જયારે ગીતાની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ પ્રકાશિત થઇ ત્યારે વોરેન હસ્ટીંગ્સ, તત્કાલીન ભારતીય ગવર્નર જનરલે, તે પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું: “જયારે ભારતમાં બ્રિટીશ શાસન દીર્ઘ કાળ માટે સમાપ્ત થઇ જશે અને જ્યારે તેણે આધીન કરેલા સંપત્તિ અને સત્તાનાં સ્રોત સ્મૃતિમાં ખોવાઈ જશે ત્યારે આ (ભારતનાં નિવાસીઓના લખાણો) જીવિત રહેશે.”
તેથી, ભગવદ્દ ગીતાનું અધ્યયન કરવા પ્રત્યે આપણો અભિગમ તેનાં ઉપદેશોની વિદ્વત્તા કે તાત્ત્વિક ચકાસણી કરવાનો હોવો જોઈએ નહીં, કે ન તો તેનાં તત્ત્વદર્શનને પ્રતિદ્વંદ્વી વિચારધારાઓના સંદર્ભમાં સ્થાન આપવાના પ્રયાસરૂપે હોવો જોઈએ. તેનાં પાનાંઓમાંથી વિપુલ પ્રમાણમાં આધ્યાત્મિક આદર્શોનો ઉદય થતો હોવા છતાં પણ ગીતા એ કોઈ આધ્યાત્મિક તત્ત્વદર્શનનો ગ્રંથ નથી. પરંતુ, તે સર્વશ્રેષ્ઠ વ્યાવહારિક ઉપયોગીતા માટે સર્વોત્કૃષ્ટ સત્યને શોધે છે. જે કોઈ બૌદ્ધિક કે આધ્યાત્મિક સંતુષ્ટિ માટે પણ નથી, પરંતુ એક સત્ય સ્વરૂપે જે આપણી રક્ષા કરીને આપણા વર્તમાનની નશ્વર અપૂર્ણતાથી અવિનાશી પૂર્ણતા તરફ જવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેથી, આપણે તેનાં જીવંત ઉપદેશોનો ગ્રહણ કરવા માટે સહાય અને પ્રકાશ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તેનો સંપર્ક કરવો જોઈએ, જે મનુષ્યને સર્વોત્કૃષ્ટ કલ્યાણ અને આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવામાં લાભદાયક બની શકે છે.
ગીતા પરનાં ભાષ્યો
દિવ્ય જ્ઞાનનાં પુસ્તકો સ્વાભવિક રીતે તેમનાં પર ભાષ્યો લખવા માટે આમંત્રિત કરે છે. આ ભાષ્યો તે ગ્રંથોમાં નિહિત શાશ્વત સૂચનોના સ્પષ્ટીકરણની સેવા કરે છે. જે પ્રમાણે, રાષ્ટ્રો પોતપોતાનાં સંવિધાન જેવાં કાયદાકીય ગ્રંથો ધરાવે છે. તદુપરાંત, કાયદા શાસ્ત્રીઓ દ્વારા તેના પર ટીપ્પણીઓ પ્રકાશિત થાય છે, જે મુખ્ય પુસ્તકોનો અભ્યાસ કરવામાં સહાયરૂપ બને છે. એ જ પ્રમાણે, ગ્રંથો પરનાં ભાષ્યો આ પવિત્ર પુસ્તકોમાં જડિત રત્નોને બહાર લાવવામાં સહાય કરે છે. તેની વ્યાપક લોકપ્રિયતાને કારણે ભગવદ્દ ગીતા પર સેંકડો ભાષ્યોની રચના થઇ છે. ઇતિહાસના કેટલાક અગત્યનાં ભાષ્યકારોમાં જગદ્દગુરુ શંકરાચાર્ય, જગદ્દગુરુ રામાનુજાચાર્ય, જગદ્દગુરુ માધવાચાર્ય, જગદ્દગુરુ નિમ્બાર્કાચાર્ય અને મહાપ્રભુ વલ્લભાચાર્ય છે કે જેઓ મહત્ત્વની વેદાંતિક પ્રણાલીઓના સંસ્થાપક હતાં. શૈવ પરંપરામાં પ્રખ્યાત દાર્શનિક અભિનવગુપ્તે સહેજ ભિન્ન સમીક્ષા સાથે “ગીતાર્થ સંગ્રહ” નામનું ભાષ્ય લખ્યું છે.
દિવ્ય જ્ઞાનનું સૌંદર્ય એવું છે કે જેમ તેનું મંથન કરવામાં આવે તેમ તેમાંથી અધિક અમૃત ઉત્પન્ન થાય છે અને તેથી આ આંતરદૃષ્ટિથી યુક્ત ભાષ્યોથી આ વિશ્વ નિ:શંકપણે સમૃદ્ધ બન્યું છે. સાથોસાથ, આપણે એ પણ ધ્યાન રાખવું આવશ્યક છે કે મહાન ધર્મગુરુઓ દ્વારા રચિત ભાષ્યો તેમનાં જીવન-લક્ષ્યને અનુરૂપ હોય છે. આ મહાન આચાર્યોએ સદૈવ માનવજાતિના કલ્યાણના ઉદ્દેશ્યથી તેમનાં કાળ, સ્થાન અને પરિસ્થિતિને અનુસાર પરમ સત્યનો ઉપદેશ પ્રદાન કર્યો. આમ, તેમણે ભગવદ્દ ગીતાના સર્વ શ્લોકોમાં તેમનાં પ્રિય આદર્શોનો પ્રચાર કરવાના પરમ લક્ષ્યના ઉત્સાહને જાળવી રાખ્યો અને ભગવદ્દ ગીતાનાં સર્વ શ્લોકોમાં પોતપોતાનાં વિશિષ્ટ પરિપ્રેક્ષ્યનું આલેખન કર્યું. તેમનાં સિદ્ધ કાર્યો પ્રત્યેનાં સંપૂર્ણ આદર સહિત આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, શ્રીકૃષ્ણ અદ્વૈત-વાદી, વિશિષ્ટ અદ્વૈત વાદી, દ્વૈત વાદી કે દ્વૈત અદ્વૈત વાદી ન હતા. તેઓ દાર્શનિકોનાં વિવાદોથી પરે હતા અને તે જ તેમનો સંદેશ હતો. આમ, આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરવાદ, સંન્યાસવાદ, દ્વૈતવાદ, વાસ્તવવાદ, કર્મ, જ્ઞાન, ભક્તિ, હઠ, સાંખ્ય વગેરેનાં સિદ્ધાંતો કેવી રીતે તેમનાં ઉપદેશમાં એકસાથે વણી લેવામાં આવ્યા છે. તેથી, આપણે ભગવદ્દ ગીતાના અર્થને કોઈ એક દાર્શનિક પ્રણાલીના પરિપ્રેક્ષ્યમાં સીમિત કરતાં સાવચેત રહેવું જોઈએ અને તેના બદલે, તેનાં પ્રત્યે પૂર્ણ સત્યનું દર્શન કરાવતા ઝરોખા તરીકેની દૃષ્ટિ રાખવી જોઈએ.
આ જગદ્દગુરુ શ્રીકૃપાળુજી મહારાજની ચિંતન શૈલી છે, જેઓ કોઈ એક સંપ્રદાય (ધાર્મિક પ્રણાલી) કે પરંપરા (શિષ્ય ઉત્તરાધિકાર) ના કીચડમાં ફસાયા વિના, સર્વ પ્રસિદ્ધ ભારતીય સંતો અને પાશ્ચાત્ય દાર્શનિકોની પણ જ્ઞાન-રચનાઓમાંથી મુક્તપણે અવતરણો ટાંકતા. જયારે તેમને પૂછવામાં આવ્યું કે, ચાર વૈષ્ણવ સંપ્રદાયોમાંથી તમે કયા સંપ્રદાયનું અનુસરણ કરો છો, ત્યારે તેમણે અતિ વિનમ્રતાથી જણાવ્યું હતું કે, પૂર્ણ સત્ય તો એક જ છે અને તે પોતાને કોઈ એક વિશિષ્ટ સંપ્રદાય પૂરતું સીમિત કરતું નથી. સર્વ વાસ્તવિક સંપ્રદાયોનો એક ભગવાનમાંથી જ પ્રારંભ થયો છે. તેથી જો કેવળ એક જ સંપ્રદાય છે, જે ભગવાનનો સંપ્રદાય છે, તો પછી આપણે તેને ચાર સંપ્રદાયોમાં વિભાજિત શા માટે કરવો જોઈએ? અને જો આપણે આ પ્રમાણે, સત્યનું વિભાજન કરવાનું પસંદ કરીશું તો આ વિભાજનનો કેવળ ગુણાકાર જ થતો રહેશે. આવું જ પ્રત્યેક સંપ્રદાયમાં થતું રહ્યું છે, મૂળ ચારેય સંપ્રદાયો, શાખાઓ અને પેટા-શાખાઓમાં વિભાજિત થઇ ગયા અને તે સર્વ પૂર્ણ સત્યનાં સમગ્ર ક્ષેત્ર પર તેઓ એકમાત્ર સ્વામીત્ત્વ ધરાવવાનો દાવો કરી રહ્યા છે. આ વૃત્તિએ સનાતન ધર્મને અનેક સાંપ્રદાયિક અંશોમાં વિભાજિત કરી દીધો.
જેમ જેમ વિશ્વની સીમાઓ તૂટતી જાય છે તથા લોકોમાં માહિતીનો પ્રવાહ વધતો જાય છે, તેમ તેમ કોઈ એક પંથ, જાતિ, સંપ્રદાય, કે ધર્મ સાર્વભૌમિક સત્યનાં એકમાત્ર પ્રતિપાલક છે, તે વિચારને ઓછા ને ઓછા સમર્થકો પ્રાપ્ત થઇ રહ્યા છે. ચાલો, આપણે આપણી જાતને બુદ્ધિની મનો-વ્યાપકતાના ઊર્ધ્વગમન સાથે સુરેખિત કરીએ અને ભગવદ્દ ગીતાનાં જ્ઞાનના ઉજ્જવળ પ્રકાશને સમગ્ર, અવિભાજિત અને નિષ્કલંક સત્યને પ્રકાશિત કરવાની અનુમતિ પ્રદાન કરીએ. આખરે, કેવળ ભગવદ્દ ગીતાનો જ નહીં, પરંતુ સર્વ વૈદિક શાસ્ત્રોનો આ જ મૂળ પ્રાચીન ઉદ્દેશ્ય છે.
જગદ્દગુરુ શ્રીકૃપાળુજી મહારાજ વિષે
જગદ્દગુરુ શ્રીકૃપાળુજી મહારાજ અવતરિત સંત હતા, જેમણે પ્રાચીન વૈદિક જ્ઞાનને અર્વાચીન સમયમાં પુન:સ્થાપિત કર્યું. ૩૪ વર્ષની યુવાન વયે, તેમણે કાશી વિદ્વત પરિષદ, કે જે કાશીનાં ૫૦૦ વૈદિક વિદ્વાનોની સર્વોચ્ચ સંસ્થા છે, તેની સમક્ષ સર્વોકૃષ્ટ સંસ્કૃત ભાષામાં દસ દિવસ સુધી પ્રવચન આપ્યું, જેમાં તેમણે વર્તમાન સમયમાં ભગવદ્દ-પ્રાપ્તિ માટેનાં સરળ અને સીધા માર્ગને પ્રગટ કરવા, સેંકડો વૈદિક ગ્રંથોમાંથી નિપુણતાથી અવતરણો ટાંક્યા. જયારે વિદ્વાન પંડિતોની પ્રતિષ્ઠિત સંસ્થાને અનુભૂતિ થઇ કે કૃપાળુજી મહારાજનું જ્ઞાન તે સર્વનાં સામૂહિક સંયુક્ત જ્ઞાનથી અધિક ગહન છે, ત્યારે તેમણે તેમને “જગદ્દગુરુ” ના પદથી સન્માનિત કર્યાં. આમ, જગદ્દગુરુ શંકરાચાર્ય, જગદ્દગુરુ નિમ્બાર્કાચાર્ય, જગદ્દગુરુ રામાનુજાચાર્ય અને જગદ્દગુરુ માધવાચાર્ય પશ્ચાત્ ભારતના ઇતિહાસમાં મૂળ જગદ્દગુરુનું પદ પ્રાપ્ત કરનારા તેઓ પાંચમાં સંત બન્યા.
વિદ્વાનો તેમના પ્રાચીન વૈદિક વિષયો પરનાં પ્રભુત્વથી એટલા પ્રભાવિત થયા હતાં કે, તેમણે તેમના પર અનેક પ્રશસ્તિઓની વર્ષા કરી, જેમ કે:
જગદ્દગુરુત્તમ—ભારતીય ઈતિહાસના પરમ જગદ્દગુરુ.
વેદ માર્ગ પ્રતિષ્ઠાપનાચાર્ય—વેદો દ્વારા પ્રગટ સત્ય માર્ગનું પ્રતિષ્ઠાપન કરનાર.
નિખિલ દર્શન સમન્વયાચાર્ય—સર્વ શાસ્ત્રોનાં ભાવાર્થનો સમન્વય કરનાર.
સનાતન વૈદિક ધર્મપ્રતિષ્ઠાપનાચાર્ય—આ વિશ્વમાં સનાતન વૈદિક ધર્મનું પુન: પ્રતિષ્ઠાપન કરનાર.
સત્સમ્પ્રદાય પરમાચાર્ય—આધ્યાત્મિક જ્ઞાનની વાસ્તવિક પ્રણાલીના સંસ્થાપક.
ભગવદ્દ ગીતા પરનું આ ભાષ્ય તેનાં શ્લોકો અંગેની આંતરદૃષ્ટિથી યુક્ત જ્ઞાન પર આધારિત છે, જે જગદ્દગુરુ શ્રીકૃપાળુજી મહારાજ દ્વારા મારી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યું હતું. આ ભાષ્યનો ઉદ્દેશ્ય તેનું અર્થઘટન કરવાનો નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઉચ્ચારિત શ્લોકોના અર્થને કેવળ સ્પષ્ટ કરવાનો છે. આ ઉદ્દેશ્યથી, વિશ્વના જ્ઞાનલક્ષી પુસ્તકો અને સંતો, પવિત્ર વ્યક્તિઓ તથા નિષ્ણાતોનાં ઉપદેશોમાંથી અવતરણો ટાંકતાં હું અચકાયો નથી.
વાંચનને સરળ બનાવવા માટેનાં સહાયક મુદ્દાઓ
અમુક વિષયો અંગેની સમજૂતી આ ભાષ્યના વાંચનને સરળ બનાવશે. પ્રથમ, ગીતા એ વાર્તાલાપની અંતર્ગત - વાર્તાલાપની અંતર્ગત - નો વાર્તાલાપ છે. વૈશમ્પાયન ઋષિએ રાજા જન્મેજયને ભીષ્મ પર્વ અંગે કથા કહી, જેનો ભગવદ્દ ગીતા એક ભાગ છે. આમ, વૈશમ્પાયન એ વ્યક્તિ છે, જે જન્મેજયને કહે છે: સંજય ઉવાચ “સંજયે કહ્યું”, ધૃતરાષ્ટ્ર ઉવાચ “ધૃતરાષ્ટ્રે કહ્યું” વગેરે. પરંતુ, વૈશમ્પાયન અને જન્મેજય વક્તા તરીકે પ્રત્યક્ષ રીતે ભગતદ્દ ગીતામાં દેખાતા નથી.
ભગવદ્દ ગીતાનો પ્રારંભ રાજા ધૃતરાષ્ટ્ર અને તેના મંત્રી સંજય વચ્ચેના સંવાદથી થાય છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી, વ્યક્તિગત રીતે યુદ્ધભૂમિ પર ઉપસ્થિત રહી શકયા નથી. સંજયને યુદ્ધભૂમિ પરની કાર્યવાહી અંગે પ્રશ્ન કરીને ધૃતરાષ્ટ્ર વાર્તાલાપનો આરંભ કરે છે; તેઓ ગીતામાં પુન: ક્યાંય બોલતા નથી. સંજય તેનો પ્રત્યુત્તર આપે છે, જે ઘટનાઓનું વર્ણન કરે છે. સંજય વેદ વ્યાસના શિષ્ય હતા અને તેમનાં ગુરુની કૃપાથી તે દૂર-દર્શનની ગૂઢ ક્ષમતા ધરાવતા હતા. આમ, યુદ્ધસ્થળ પર ઘટિત સર્વ ઘટનાઓને તેઓ દૂરથી જોઈ શકતા હતા અને ધૃતરાષ્ટ્રને યુદ્ધભૂમિ પરની ઘટનાઓનો આંખે દેખ્યો અહેવાલ આપતા હતા. સંજય ધૃતરાષ્ટ્રને પોતે જે જુએ છે અને સાંભળે છે, તે અંગે વર્ણન કરતા હોવાથી સમગ્ર પુસ્તકમાં વારંવાર દેખા દે છે. આમ, તેઓ કહે છે: ભગવાન ઉવાચ “પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા”, અને અર્જુન ઉવાચ “ અર્જુને કહ્યું”, વગેરે.
સંવાદનો અધિકાંશ ભાગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીતનો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે અને શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે. આ વાર્તાલાપ સહેજ એક-પક્ષીય છે કારણ કે, મહદંશે શ્રીકૃષ્ણ વ્યાખ્યા કરે છે.
બીજું, તેમાં વિપુલ પ્રમાણમાં સંજ્ઞાઓ છે, જે ઉપનામ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે, શ્રીકૃષ્ણને હૃષીકેશ, કેશવ, ગોવિંદ, મધુસૂદન, અચ્યુત વગેરે નામોથી સંબોધવામાં આવ્યા છે. એ જ પ્રમાણે, અર્જુનને ધનંજય, ગુડાકેશ, કૌન્તેય, પરંતપ વગેરે નામોથી સંબોધવામાં આવ્યા છે. પ્રાય: આ નામો સંવાદનો ચોક્કસ અર્થ અને રસ સંપ્રેષિત કરવા માટે હેતુપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે. આવા શબ્દોને ભાષ્યમાં જ્યાં આવશ્યક હોય ત્યાં સમજાવવામાં આવ્યા છે.
ભગવદ્દ ગીતામાં પ્રયુક્ત મહત્ત્વનાં શબ્દો
સમગ્ર ભગવદ્દ ગીતાનો સારાંશ એ આ પ્રાસ્તાવિકના અવકાશની બહાર છે. તેનું એક કારણ એ છે કે, સૌ પ્રથમ તો એ તમને સ્વયં શોધ દ્વારા વાંચનનો આનંદ આપશે અને બીજું એ કે શ્રી કૃષ્ણે તેમાં જે કહ્યું છે તે સર્વને સંક્ષેપમાં મૂકવું અશક્ય છે. તેમ છતાં, ભગવદ્દ ગીતાના કેટલાક તથા શેષ વૈદિક સાહિત્યના શબ્દોને અહીં સમજાવવામાં આવ્યા છે, જેથી તેમાં પ્રસ્તુત વિભાવનાને વાચક સરળતાથી ગ્રહણ કરી શકે.
ભગવાન: ભગવદ્દ ગીતા સહિતના વૈદિક ગ્રંથોમાં, ભગવાન શબ્દ પરમ તત્ત્વનો નિર્દેશ કરે છે. તેઓ સર્વ-શક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપક છે. તેઓ આ સૃષ્ટિનાં સર્જક, પાલક અને સંહારક છે. તેઓ એક જ સમયે અસંખ્ય વિરોધાભાસી ગુણોનાં સ્વામી છે. આ પ્રમાણે, તેઓ સમીપ છે અને છતાં દૂર છે, વિભુ છે અને છતાં અણુ છે, નિરાકાર છે અને છતાં સ્વરૂપ ધારણ કરે છે, નિર્ગુણ છે અને છતાં અનંત ગુણોના સ્વામી છે.
લોકો આ પરમ તત્ત્વનો ત્રણ માર્ગથી સંપર્ક કરે છે. કેટલાક લોકો તેમના નિરાકાર સર્વ-વ્યાપક પાસાને સ્વીકારે છે, જેને બ્રહ્મ કહેવામાં છે. અન્ય લોકો તેમની પરમાત્મા સ્વરૂપે આરાધના કરે છે, જે સર્વ જીવોનાં અંત:કરણમાં સ્થિત છે. તે સિવાયના અન્ય લોકો તેમનાં સાકાર સ્વરૂપમાં ભગવાન તરીકે તેમની ભક્તિ કરે છે. આ ત્રણેય –બ્રહ્મ, પરમાત્મા, અને ભગવાન—એક જ સર્વોચ્ચ તત્ત્વનાં ત્રણ વિભિન્ન પાસાં છે.
પ્રસંગોપાત, તેમની અકારણ કરુણાવશ, ભગવાન આ પૃથ્વી પર અવતરિત થાય છે અને આત્માઓના ઉદ્ધાર માટે દિવ્ય લીલાઓમાં પરોવાય છે. તેમને અવતાર માનવામાં આવે છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણ આ બંને પરમ દિવ્ય વિભૂતિનાં અવતારો છે. ભગવાન સર્વ-શક્તિમાન હોવાથી, તેઓ એક જ સ્વરૂપમાં સીમિત નથી; તેઓ અસંખ્ય સ્વરૂપોમાં પ્રગટ થઇ શકે છે. પરંતુ આપણે એ યાદ રાખવું આવશ્યક છે કે આ સર્વ એક જ દિવ્ય ભગવાનનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો છે, અને ભિન્ન-ભિન્ન ભગવાનો નથી.
આત્મા: પ્રત્યેક આત્મા ભગવાનનો અતિ સૂક્ષ્મ આંશિક ભાગ છે. તે પ્રકૃતિથી આધ્યાત્મિક હોય છે અને તેથી, માયિક શરીરથી પૃથક્ છે. આત્માની ઉપસ્થિતિ શરીરને ચેતના પ્રદાન કરે છે, જે અચેતન પદાર્થમાંથી બનેલું હોય છે. જયારે આત્મા વિદાય લે છે ત્યારે શરીર પુન: અચેતન પદાર્થ બની જાય છે. શરીર નશ્વર છે, જયારે આત્મા શાશ્વત છે.
પૃથ્વી પર મનુષ્યના પ્રત્યેક જન્મ સાથે નવીન આત્માનું સર્જન થાય છે, એવી અબ્રહામિક કલ્પના કરતાં આ વિભાવના સહેજ અલગ છે. વૈદિક જ્ઞાન અનુસાર, આત્મા અનાદિ અને અનંત છે; તે ન તો જન્મ સમયે ઉત્પન્ન થાય છે કે ન તો શરીરના મૃત્યુ સમયે નષ્ટ થાય છે. આપણે દુન્યવી વાક્-વ્યવહારમાં જેને મૃત્યુ કહીએ છીએ તે કેવળ આત્માનું શરીર-પરિવર્તન છે. ભગવદ્દ ગીતા આને મનુષ્યની જૂનાં વસ્ત્રો બદલીને નવીન વસ્ત્રો ધારણ કરવાની ક્રિયા સાથે સરખાવે છે. આત્મા તેના પુનર્જન્મનું ચયન કરવા સ્વતંત્ર હોતો નથી, કર્મના સિદ્ધાંતને આધારે ભગવાન તેનો નિર્ણય કરે છે.
શા માટે માયિક શક્તિ આરંભિક અવસ્થામાં આપણને ઘેરી વળે છે? આનું કારણ એ છે કે આપણે ભગવાન તરફ પીઠ કરી દીધી હોય છે અર્થાત્ આપણે ભગવાનથી વિમુખ હોઈએ છીએ. ભગવાનની પ્રકૃતિ પ્રકાશ છે જયારે માયાની પ્રકૃતિ અંધકાર છે. જે પ્રકાશથી વિમુખ થાય છે, તેના પર સ્વાભાવિક રીતે અંધકાર હાવી થઇ જાય છે. એ જ પ્રમાણે, જે આત્માઓ ભગવાનથી વિમુખ થાય છે, તેઓ માયિક શક્તિથી આચ્છાદિત રહે છે.
આત્મા વિષેની વૈદિક પરિભાષા સમજવી અહીં સહાયક બનશે. જે આત્મા દેહધારી અવસ્થામાં હોય છે, તેને જીવાત્મા કહેવામાં આવે છે કારણ કે, તે શરીર (જીવ)ને જીવંત રાખે છે. માયિક ક્ષેત્રમાં આત્માનો નિર્દેશ કરવા માટે આત્મા અને જીવાત્મા આ બંને શબ્દોનો ઉપયોગ પરસ્પર બદલાતો રહે છે. જીવાત્માની સાથે ભગવાન પણ શરીરમાં સ્થિત હોય છે. તેમને પરમાત્મા કહેવામાં આવે છે. તેઓ પ્રત્યેક જન્મમાં જીવાત્મા જે કોઈ શારીરિક સ્વરૂપમાં જાય ત્યાં તેને સાથ આપે છે. પરમાત્મા જીવાત્માની કોઈપણ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ મૂક સાક્ષી સ્વરૂપે રહે છે. જીવાત્મા તેના આ શાશ્વત મિત્રને ભૂલીને માયિક શક્તિ માણવા માટે સંઘર્ષ કરે છે.
ભગવદ્દ ગીતામાં આત્મા શબ્દનો વિવિધ પ્રકારે નિયમિતપણે ઉપયોગ થયો છે. કેટલાક સ્થાનો પર, આત્મા, શરીર, મન અને બુદ્ધિને સામેલ કર્યા વિના (ઉ.દા. તરીકે શ્લોક સં. ૬.૨૦) જીવાત્માનો નિર્દેશ કરે છે. કોઈ સ્થાને, તે જીવંત પ્રાણીનાં શરીર, મન અને બુદ્ધિ સહિત (ઉ.દા. તરીકે શ્લોક સં. ૬.૨૦) સમગ્ર વ્યક્તિત્ત્વનો નિર્દેશ કરે છે. પ્રસંગોપાત, આત્મા (ઉ.દા. તરીકે શ્લોક સં. ૬.૫)મનનો નિર્દેશ કરે છે; અમુક સ્થાને, આત્મા શબ્દનો ઉપયોગ બુદ્ધિ માટે (ઉ.દા. તરીકે શ્લોક સં. ૫.૭) કરવામાં આવ્યો છે. તેમજ અમુક સ્થાને, તેનો ઉપયોગ પરમાત્મા માટે (ઉ.દા. તરીકે શ્લોક સં. ૬.૨૯) થયો છે.
માયિક પ્રકૃતિ (પ્રકૃતિ અથવા માયા): માયિક શક્તિ જેને પ્રકૃતિ કહેવામાં આવે છે, તે ભગવાનની વિરોધી નથી; બલ્કે, તે તેમની અસંખ્ય શક્તિઓમાંથી એક છે. વિલયના સમયે, પ્રકૃતિ ભગવાનની અંતર્ગત સુષુપ્ત રહે છે. જયારે તેઓ સૃષ્ટિનું સર્જન કરવા ઈચ્છે છે ત્યારે તેઓ તેની તરફ દૃષ્ટિપાત કરે છે અને તે તેની સુષુપ્ત અવસ્થામાંથી સક્રિય થવાનો પ્રારંભ કરે છે. પશ્ચાત્, તે સૃષ્ટિનાં વિવિધ સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વોને પ્રગટ કરે છે.
માયાનું એક પાસું જયારે સૃષ્ટિનું નિર્માણ કરવા માટે ઉત્તરદાયી છે ત્યારે તેનું બીજું પાસું, આત્માને જન્મ અને મૃત્યુના ચક્રના બંધનમાં પકડી રાખવાનાં માધ્યમ તરીકે કાર્ય કરે છે. માયા આપણી દિવ્ય આત્મા તરીકેની ઓળખનું વિસ્મરણ કરાવે છે અને આપણને ભૌતિક શરીર હોવાની ભ્રમણામાં રાખે છે. તેથી, આપણે સંસારમાં શારીરિક સુખોનો પીછો કરીએ છીએ. માયિક ક્ષેત્રમાં અસંખ્ય જન્મો સુધી પ્રયાસો કર્યા પશ્ચાત્ આત્માને એ અનુભૂતિ થાય છે કે જે અનંત દિવ્ય આનંદની એ શોધ કરે છે તે સંસારમાંથી નહીં પરંતુ ભગવાનમાંથી પ્રાપ્ત થશે. પશ્ચાત્, તેણે પૂર્ણતાની અવસ્થા સુધી પહોંચવા માટે યોગનાં માર્ગનું અનુસરણ કરે છે. જયારે આત્મા ભગવાન સાથે પૂર્ણ ઐક્ય પ્રાપ્ત કરે છે ત્યારે તે માયાની પકડમાંથી મુક્ત થઇ જાય છે.
માયાનાં ગુણો: માયા ત્રણ ગુણો ધરાવે છે: સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો આપણાં વ્યક્તિત્વમાં વિવિધ પ્રમાણમાં વિદ્યમાન હોય છે અને આપણને પ્રભાવિત કરે છે. તમોગુણ આળસ, મૂઢતા, અજ્ઞાન, ક્રોધ, હિંસા અને વ્યસનને પ્રેરિત કરે છે. તે રીતે, તે આત્માને માયિક ભ્રમના અંધકારની ગર્તામાં ધકેલી દે છે. રજોગુણ મન અને ઈન્દ્રિયોની કામનાઓને પ્રજ્વલિત કરે છે તથા વ્યક્તિને સાંસારિક મહત્ત્વાકાંક્ષાઓની પરિપૂર્તિ કરવા માટે તીવ્ર પ્રયાસો કરવા પ્રેરિત કરે છે. સત્ત્વગુણ વ્યક્તિને જ્ઞાનથી પ્રકાશિત કરે છે અને દયા, ધૈર્ય તથા સહિષ્ણુતા જેવાં સદ્દગુણોનું પોષણ કરે છે. તે મનને શાંત કરે છે તથા આધ્યાત્મિક સાધનાને અનુકૂળ બનાવે છે. સાધકે સત્ત્વગુણનું સંવર્ધન કરીને તમોગુણ અને રજોગુણને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ તથા પશ્ચાત્ તેણે સત્ત્વગુણથી પણ પરે જવાનું છે. ભગવાન ત્રણ ગુણોથી ઉપર છે; તેમની સાથે મનને જોડીને આપણે પણ અલૌકિક અવસ્થા તરફ ઉર્ધ્વગમન કરી શકીએ છીએ.
યજ્ઞ: સામાન્યત: યજ્ઞ શબ્દ હવનનો નિર્દેશ કરે છે. ભગવદ્દ ગીતામાં યજ્ઞ શબ્દમાં શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ તે સર્વ નિયત કર્મોનો સમાવેશ થાય છે, જે ભગવાનને સમર્પિત કરવાના ભાવથી કરવામાં આવે છે. પ્રકૃતિનાં તત્ત્વો ભગવાનની સૃષ્ટિની રચનાનાં અભિન્ન અંગ છે. આ વ્યવસ્થાના સર્વ અંગો સ્વાભાવિક રીતે પૂર્ણમાંથી લઈને પૂર્ણને પાછું અર્પણ કરે છે. સૂર્ય, પૃથ્વીને સ્થિરતા આપે છે અને જીવનનાં અસ્તિત્ત્વ માટે આવશ્યક ઉષ્મા અને પ્રકાશ પ્રદાન કરે છે. પૃથ્વી તેની માટીમાંથી આપણા પોષણ માટે અન્ન ઉત્પન્ન કરે છે અને સુસંસ્કૃત જીવનશૈલી માટે પોતાનાં ગર્ભમાં આવશ્યક ખનીજો ધારણ કરે છે. વાયુ આપણા શરીરમાં પ્રાણવાયુ ગતિમાન કરે છે અને ધ્વનિ-ઊર્જાના પ્રસારણને શક્ય બનાવે છે. આપણે મનુષ્યો પણ ભગવાનના સર્જનની સમગ્ર રચનાનું અભિન્ન અંગ છીએ. જે વાયુને શ્વાસમાં ભરીએ છીએ, જે પૃથ્વી પર આપણે ચાલીએ છીએ, જે પાણી આપણે પીએ છીએ અને જે પ્રકાશ આપણા દિવસને પ્રકાશિત કરે છે, તે સર્વ સૃષ્ટિની બક્ષિસ છે. જો આપણે આ સર્વ ઉપહારોને આપણા જીવનનિર્વાહ માટે ઉપયોગમાં લઈએ છીએ તો આ અભિન્ન વ્યવસ્થા પ્રત્યે આપણું પણ કંઈક કર્તવ્ય છે. ભગવદ્દ ગીતા વર્ણન કરે છે કે ભગવદ્દ-સેવામાં આપણા નિયત કર્મોનું પાલન કરીને પ્રકૃતિની સર્જનાત્મક શક્તિમાં આપણું યોગદાન કરવા આપણે ઉપકૃત છીએ. ભગવાન આપણી પાસે આ પ્રકારના યજ્ઞની અપેક્ષા રાખે છે.
હાથનાં દૃષ્ટાંતથી આ વાત સમજીએ. તે શરીરનું અભિન્ન અંગ છે. તે તેનું પોષણ—રક્ત, પ્રાણવાયુ, પોષક તત્ત્વો વગેરે—શરીરમાંથી પ્રાપ્ત કરે છે. તેના બદલામાં, તે શરીર માટે આવશ્યક કાર્યો કરે છે. જો હાથ પોતાની સેવાને બોજારૂપ માનવા લાગે અને શરીરથી કપાઈને અલગ થવાનો નિર્ણય લે તો તે થોડી ક્ષણો માટે પણ પોતાને ટકાવી શકાશે નહીં. શરીર પ્રત્યેના યજ્ઞ પાલનથી હાથના સ્વાર્થની પણ પરિપૂર્તિ થાય છે. એ જ પ્રમાણે, આપણે જીવાત્માઓ પરમેશ્વરનાં અતિ સૂક્ષ્મ અંશ છીએ અને તેમની ભવ્ય યોજનામાં આપણા સર્વની કોઈ વિશેષ ભૂમિકા છે. જયારે આપણે તેમના પ્રત્યેના યજ્ઞનું પાલન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણા સ્વ-હિતની પણ તુષ્ટિ થાય છે.
યજ્ઞનું પાલન ભગવાનને સમર્પણ કરવાના ભાવથી દિવ્ય ચેતના સાથે કરવું જોઈએ. પરંતુ લોકો વિભિન્ન સમજણો ધરાવતા હોય છે અને તેથી વિભિન્ન ચેતના સાથે વિભિન્ન શૈલીથી યજ્ઞ કરે છે. અલ્પ જ્ઞાન ધરાવતા લોકો અને લૌકિક ફળની અપેક્ષા ધરાવતા લોકો સ્વર્ગીય દેવો માટે સમર્પણ કરે છે.
દેવતા (સ્વર્ગીય દેવો): આ એ જીવો છે, જે માયિક વિશ્વની અંતર્ગત અસ્તિત્ત્વના એ ઉચ્ચતર લોકમાં નિવાસ કરે છે, જેને સ્વર્ગ કહેવામાં આવે છે. આ સ્વર્ગીય દેવતાઓ ભગવાન નથી. તેઓ આપણા સમાન આત્માઓ છે. તેઓ ભગવાનના પ્રશાસનની રચનામાં નિશ્ચિત સ્થાનો ધરાવે છે તથા માયિક જગતના વિશિષ્ટ પાસાંઓનું નિરીક્ષણ કરે છે.
રાષ્ટ્રની સરકારનું દૃષ્ટાંત લઈએ. તેમાં રાજ્ય મંત્રી, નાણાકીય મંત્રી, વાણિજ્ય મંત્રી, કૃષિ મંત્રી વગેરે હોય છે. આ બધાં હોદ્દાઓ છે અને ચુનંદા લોકો મર્યાદિત કાર્યકાળ માટે આ હોદ્દાઓ ગ્રહણ કરે છે. કાર્યકાળના અંતે સરકાર બદલાય છે અને સર્વ પદાધિકારીઓ પણ બદલાઈ જાય છે. હોદ્દો રહે છે પરંતુ તે પદ ગ્રહણ કરનારી વ્યક્તિ બદલાઈ જાય છે. એ જ પ્રમાણે, વિશ્વનાં કાર્યોનાં સંચાલનમાં અગ્નિદેવ, વાયુદેવ, વરુણદેવ, ઈન્દ્રદેવ વગેરે વિવિધ પદ-સ્થાનો છે. તેમનાં પૂર્વજન્મોનાં સંસ્કારો દ્વારા જે આત્માઓનું ચયન થાય છે, તેઓ નિશ્ચિત સમયગાળા માટે આ પદો ગ્રહણ કરે છે. પશ્ચાત્ તેમને આ સ્થાન દૂર કરવામાં આવે છે અને અન્ય આ સ્થાન ગ્રહણ કરે છે. આમ, આત્માઓ કેવળ અલ્પકાળ માટે સ્વર્ગીય દેવતા બને છે અને પરિણામે, તેમની તુલના ભગવાન સાથે કરી શકાય નહીં.
ઘણાં લોકો લૌકિક ફળ માટે સ્વર્ગીય દેવતાઓની આરાધના કરે છે. પરંતુ આપણે એ અવશ્ય યાદ રાખવું જોઈએ કે આ દેવતાઓ માયિક બંધનોથી મુક્તિ પ્રદાન કરી શકતા નથી અને ભગવદ્દ-પ્રાપ્તિ કરાવી શકતા નથી. તેઓ જો માયિક લાભો પ્રદાન પણ કરે છે, તો તે પણ ભગવાન પાસેથી શક્તિ મેળવીને કરી શકે છે. તેથી, ભગવદ્દ ગીતા વારંવાર લોકોને સ્વર્ગીય દેવતાઓની આરાધના કરવાની મનાઈ કરે છે અને કહે છે કે જે લોકો જ્ઞાનમાં સ્થિત છે, તેઓ ભગવાનની ભક્તિ કરે છે.
ભગવાનનું દિવ્ય ધામ: અસ્તિત્ત્વના સર્વ લોક- સ્વર્ગલોક, પૃથ્વી લોક, અને નર્કલોક સહિતનું આ માયિક ક્ષેત્ર ભગવાનનાં સમગ્ર સર્જનનો એક ચતુર્થાંશ ભાગ છે. તે એ લોકો માટે છે, જેમણે હજી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. અહીં આપણે જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે વિવિધ સ્વરૂપે દુઃખનો અનુભવ કરીએ છીએ. આ સમગ્ર માયિક ક્ષેત્રની ઉપર ભગવાનના સર્જનનો ત્રણ-ચતુર્થાંશ ભાગ આવરી લેતું આધ્યાત્મિક પરિમાણ છે. જેનો વૈદિક સાહિત્યમાં સાકેત-લોક (શ્રીરામનો લોક), ગોલોક (શ્રીકૃષ્ણનો લોક), વૈકુંઠલોક (શ્રી નારાયણનો લોક), શિવલોક (મહાદેવ શિવનો લોક), દેવીલોક (મા દુર્ગાનો લોક) વગેરે સ્વરૂપે ઉલ્લેખ છે, એવાં ભગવાનના અસંખ્ય ધામો તેમાં સમાવિષ્ટ છે. ભગવદ્દ ગીતા વારંવાર નિર્દેશ કરે છે કે જે ભગવદ્દ-પ્રાપ્તિ કરે છે તે દિવ્ય ધામ પ્રાપ્ત કરે છે અને માયિક જગતમાં જીવન-મૃત્યુના ચક્રમાં પુન: પાછો ફરતો નથી.
શરણાગતિ: ભગવાન દિવ્ય છે અને તેમને આપણી માયિક બુદ્ધિ દ્વારા સમજી શકાતા નથી. એ જ પ્રમાણે, તેમને આપણી માયિક ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાતા નથી—આંખો તેમને જોઈ શકતી નથી, કાન તેમને સાંભળી શકતા નથી, વગેરે. પરંતુ, જો તેઓ કોઈ જીવ પર કૃપા-વર્ષા કરવાનો નિશ્ચય કરે તો તેઓ તે ભાગ્યશાળી જીવને દિવ્ય શક્તિ પ્રદાન કરે છે. તેમની દિવ્ય કૃપા પ્રાપ્ત કરીને કોઈપણ વ્યક્તિ તેમને જોઈ શકે છે, જાણી શકે છે અને મેળવી શકે છે. ભગવાનની આ કૃપા તેમનાં પક્ષે કોઈ તરંગી કાર્ય નથી. તેઓ તેમના પર તેમની કૃપા વરસાવે છે, જે લોકો તેમની શરણાગતિ કરે છે. આમ, ભગવદ્દ ગીતા ભારપૂર્વક જણાવે છે કે આત્માએ ભગવાનની શરણાગતિનું રહસ્ય અવશ્ય જાણવું જોઈએ.
યોગ: ભગવદ્દ ગીતામાં યોગ શબ્દનો ઉપયોગ લગભગ એકસો પચાસ સ્થાનો પર બહુવિધ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. તેની ઉત્પત્તિ મૂળ શબ્દ યુજ પરથી થઇ છે. જેનો અર્થ છે, “એક થવું”. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, જીવાત્માના ભગવાન સાથેના જોડાણ યોગ (ઉ.દા. શ્લોક ૫.૨૧) કહે છે. જો કે, આ જોડાણની પૂર્ણતાને પણ યોગ (ઉ.દા. શ્લોક ૪.૧) કહે છે. પુન: જે પ્રક્રિયા દ્વારા પૂર્ણતાની અવસ્થા પ્રાપ્ત થાય છે, તેનો પણ યોગ (ઉ.દા. શ્લોક ૬.૧૮) તરીકે ઉલ્લેખ થયો છે. ભગવાન સાથેનું ઐક્ય સ્વાભાવિક રીતે વ્યક્તિને માયિક પ્રકૃતિનાં સંપર્કથી જન્મેલાં દુઃખોમાંથી મુક્ત કરે છે. તેથી, દુઃખમાંથી સ્વતંત્ર થવાની અવસ્થાનો પણ યોગ (ઉ.દા. શ્લોક ૬.૨૩) તરીકે ઉલ્લેખ થયો છે. પૂર્ણતા મનની સમતોલતાને કારણે સિદ્ધ થતી હોવાથી આવા સમભાવને પણ યોગ (ઉ.દા. શ્લોક ૨.૪૮) કહે છે. જે વ્યક્તિ યોગની અવસ્થામાં હોય છે, તે સર્વ કાર્યો ભગવદ્દ-ભક્તિના ભાવ સાથે ઉત્કૃષ્ટ રીતે કરે છે અને તેથી આ કાર્યદક્ષતાનો પણ યોગ (ઉ.દા. શ્લોક ૨.૫૦) તરીકે ઉલ્લેખ થયો છે.
કોઈ પ્રશ્ન કરી શકે કે યોગ શા માટે આવશ્યક છે? તેનો ઉત્તર એ છે કે, માયિક સંસારમાં સુખની શોધ કરવી એ રણમાં મૃગજળની પાછળ દોડવા સમાન છે. માયિક કામનાઓની પ્રકૃતિ એવી છે કે તેમની પરિપૂર્તિ કરવી એ આગમાં તેલ રેડીને આગને શાંત પાડવા સમાન છે. થોડી ક્ષણો માટે આગ નિયંત્રિત થઇ જાય છે પરંતુ પશ્ચાત્ તે અધિક તીવ્રતા સાથે ભડકી ઉઠે છે. એ જ પ્રમાણે, મન તથા ઈન્દ્રિયોની કામનાઓની પરિપૂર્તિ લોભ ઉત્પન્ન કરે છે. પરંતુ તેનું દમન કરવું પણ વિઘાતક છે, કારણ કે, તે ક્રોધ ઉત્પન્ન કરે છે. આથી, આપણે એ જાણવું જોઈએ કે કામનાનો ઉદય ક્યાંથી થાય છે અને પશ્ચાત્ તેનું નિવારણ કરવું જોઈએ. જયારે આપણે ચિંતન કરીએ છીએ કે કોઈ વ્યક્તિમાં કે વિષયમાં સુખ છે ત્યારે તેનો આરંભ થાય છે. આવું નિરંતર ચિંતન મનની આસક્તિમાં પરિણમે છે અને આસક્તિ કામનાને ઉત્પન્ન કરે છે. તેથી જો આપણે દૃઢ નિશ્ચય કરીએ કે આત્મા જે દિવ્યાનંદને શોધે છે, તે માયિક વિષયોમાં નથી; તો આ કામનાઓનો ઉદય થતો અટકી જશે. જો કે, આનંદની કામના એ આત્માની આંતરિક પ્રકૃતિ છે કારણ કે તે દિવ્યાનંદના અનંત સિંધુનો સૂક્ષ્મ અંશ છે. આ પ્રકૃતિને ત્યારે જ સંતૃપ્ત કરી શકાય છે, જયારે આત્મા ભગવાનનો અનંત આનંદ પ્રાપ્ત કરે છે. તેથી, જાણતાં કે અજાણતાં પ્રત્યેક આત્મા તે દિવ્ય ચેતનાની અથવા યોગની અવસ્થાએ પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ભગવાન સાથે જોડાવાના વિવિધ માર્ગોનો વિભિન્ન યોગ પ્રણાલી તરીકે ઉલ્લેખ થયો છે. જેમ કે, કર્મ યોગ, જ્ઞાન યોગ, અને ભક્તિ યોગ. આમ, આધ્યાત્મિક સાધકોને સામાન્યત: યોગી તરીકે ઓળખવામાં (ઉ.દા. શ્લોક ૪.૨૫) આવે છે. પ્રસંગોપાત, યોગ શબ્દ વિશેષ કરીને અષ્ટાંગ યોગની (ઉ.દા. શ્લોક ૪.૨૮) પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. આવા સ્થાને, યોગી શબ્દ વિશિષ્ટ રીતે અષ્ટાંગ યોગના સાધકનું સૂચન કરે છે.
જ્ઞાનયોગ: યોગની આ પદ્ધતિમાં આત્મ-જ્ઞાન પર ભાર મૂકવામાં આવે છે. ગીતા ક્યારેક તેનો ઉલ્લેખ સાંખ્ય યોગ તરીકે પણ કરે છે. બૌદ્ધિક ભેદભાવની સાધના દ્વારા યોગી આત્મ-અનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સર્વ શારીરિક અવસ્થાઓ અને અશુદ્ધિઓથી ભિન્ન હોય છે. આત્મ-અનુભૂતિને સિદ્ધિનું અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે. જ્ઞાનયોગની સાધના ભગવદ્દ-કૃપાના આશ્રય વિના, સ્વ-પ્રયાસો પર આધારિત છે. તેથી તે કઠિન માર્ગ છે અને તેનાં પ્રત્યેક પગલે પતન થવાનો ભય છે.
અષ્ટાંગ યોગ: તેમાં શુદ્ધિકરણની ક્રમિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં યાંત્રિકના અભ્યાસથી આરંભ કરીને મનને નિયંત્રિત કરવા તરફ પ્રગતિ કરવામાં આવે છે. તેમાં, પ્રાણવાયુનો સુષુમ્ણા નાડીમાંથી કરોડ રજ્જુમાં ઉદય કરવામાં આવે છે. તેને ભ્રમરોની મધ્યે લાવવામાં આવે છે, જે ત્રીજી આંખ (આંતરિક ચક્ષુ)નું ક્ષેત્ર છે. પશ્ચાત્, ત્યાં પૂર્ણ ભક્તિ સાથે ભગવાનનું ધ્યાન ધરવામાં આવે છે. મહર્ષિ પતંજલિ દ્વારા રચિત પ્રસિદ્ધ ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ અવસ્થાઓનો સમાવેશ કરતી સાધનાની માળખાગત પદ્ધતિ પ્રસ્તુત કરવામાં આવી છે. ત્યારથી, તે અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થઇ. તેનું એક વૈવિધ્ય હઠયોગ છે, જેમાં તપશ્ચર્યા પર ભાર મૂકવામાં આવે છે. હઠયોગી મનોબળની સાધના કરીને મન તથા ઈન્દ્રિયો પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
અનેક સ્થાનો પર વૈદિક સાહિત્ય વર્ણન કરે છે કે ભગવદ્દ-પ્રાપ્તિનાં કેવળ ત્રણ માર્ગો છે—કર્મયોગ, જ્ઞાનયોગ, અને ભક્તિયોગ. આવા વર્ગીકરણમાં, અષ્ટાંગ યોગને જ્ઞાનયોગમાં સમાવિષ્ટ કરવામાં આવે છે.
ભક્તિયોગ: આ માર્ગમાં મનને નિષ્કામ અને અનન્ય પ્રેમ દ્વારા ભગવાનનાં નામ, રૂપ, ગુણ અને લીલાઓ વગેરે સાથે અનુરક્ત કરવાનો સમાવેશ થાય છે. વ્યક્તિ ભગવાન સાથે તેમને પિતા, માતા, મિત્ર, સ્વામી અને પ્રિયતમ સ્વરૂપે જોઇને પ્રેમ સંબંધ વિકસિત કરે છે. તેમની શરણાગતિ કરીને અને વ્યક્તિગત ઈચ્છાનું દિવ્ય ઈચ્છા સાથે ઐક્ય સ્થાપીને ભક્ત ભગવાનની કૃપા આકર્ષિત કરે છે તથા આધ્યાત્મિક પૂર્ણતાનું ધ્યેય અન્ય માર્ગોની તુલનામાં અધિક સરળતાથી પ્રાપ્ત કરે છે. યદ્યપિ ભગવદ્દ ગીતા યોગની સર્વ પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તથાપિ તે યોગની શ્રેષ્ઠ પ્રણાલી તરીકે નિરંતર ભક્તિમાર્ગ પર ભાર મૂકે છે. ભક્તિ એ યોગની નિમ્નતર પદ્ધતિ છે, એવી કેટલાક લોકોમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવા માટે, શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવતી આ પુનરાવર્તિત ઘોષણા, કે તેઓને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે- તેનાં પર ભાષ્યમાં વિશેષ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
કર્મયોગ: કર્મ વ્યક્તિનાં કર્તવ્યો અને ઉત્તરદાયિત્ત્વોનો નિર્દેશ કરે છે, જયારે યોગ ભગવાન સાથેના જોડાણનો નિર્દેશ કરે છે. તેથી, સંસારમાં કર્તવ્યોનું પાલન કરતાં મનને ભગવાન સાથે જોડાવાની સાધના કર્મયોગ છે. તેના માટે, સર્વ કાર્યો એકમાત્ર ભગવાનના સુખ માટે જ છે, એવા દૃઢ સંકલ્પનો બુદ્ધિથી વિકાસ કરીને મનને કર્મનાં ફળ પ્રત્યે અનાસકત કરવું આવશ્યક છે. આમ, પ્રસંગોપાત ગીતામાં તેનો બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિનો યોગ તરીકે ઉલ્લેખ કરે છે. અધિકાંશ લોકો ગૃહસ્થાશ્રમમાં રહીને તથા તેમનાં સાંસારિક કર્તવ્યોનું પાલન કરવા સાથે આધ્યાત્મિક સાધના કરતા હોવાથી તેઓ યોગની અન્ય કોઈપણ પદ્ધતિનું અનુસરણ કરતા હોય તો તેની સાથે કર્મયોગ આવશ્યક બની જાય છે.
કેટલાક મહત્ત્વનાં શબ્દોની આ સંક્ષિપ્ત સમજૂતી સાથે, હું હવે “ભગવાનનું ગીત” વાંચીને ભગવદ્દ ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ દ્વારા પ્રસ્તુત અદ્ભુત દિવ્ય જ્ઞાન શોધવાનું હું વાચક પર છોડું છું.
આભારોક્તિ
હું મારા ગુરુદેવ જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ કે જેઓ દિવ્ય પ્રેમ અને દિવ્ય જ્ઞાનનાં સિંધુ છે, તેમનાં પ્રત્યે મારી ગહન અને હાર્દિક કૃતજ્ઞતા અર્પણ કરું છું. કેવળ તેમની કૃપા દ્વારા મારા જેવો અનધિકારી જીવ તેમનાં જ્ઞાનનાં અનંત સિંધુમાંથી જ્ઞાનનું એક બિંદુ પ્રાપ્ત કરવા સક્ષમ બન્યો છે. વૈદિક જ્ઞાનનો પ્રચાર કરવાનાં તેમના આદેશને અનુસરીને, માનવ સેવા માટેનો આ નમ્ર પ્રયાસ છે.
હું સમગ્ર માનવજાતિ તરફથી અતિ પરોપકારી અને ઉદાર સંત વેદ વ્યાસજીનો ઋણ-સ્વીકાર કરું છું, જેમણે આપણને આ “ભગવાનના ગીત”થી જડિત શુભ ગ્રંથ મહાભારત પ્રદાન કર્યો.
હું મારા સંપાદક રીચાર્ડ કજુથ (ભારતીય નામ—રામકૃષ્ણ)નાં ઉત્તમ પ્રયાસોનો નિષ્ઠાપૂર્વક સ્વીકાર કરું છે, જેમણે મારાં બબડાટ પર કષ્ટસાધ્ય ચિંતન કર્યું અને અનેક રચનાત્મક સૂચનો કર્યા આ ઉદ્દેશ્ય માટેના તેમના નિષ્કામ પ્રેમપૂર્ણ પરિશ્રમ, સમયનું યોગદાન અને પ્રયાસો મારા હ્રદયને સ્પર્શી ગયાં છે. આરતી મલિકનો હૃદયપૂર્વક આભાર જેણે ઝીણવટથી વિષયોનું નિરીક્ષણ કર્યું ને અમૂલ્ય સૂચનો પણ કર્યાં. તેઓ બંનેએ નિર્ધારિત સમયના દબાણ હેઠળ કાર્ય કરવાની સંમતિ આપીને તથા લગભગ છ મહિનાનાં ટૂંકાગાળામાં તેમનું કાર્ય પૂર્ણ કરીને તેમણે તેમનો શ્રેષ્ઠ સહકાર પ્રદાન કર્યો છે.
હું સંજય સરકારને આ પુસ્તકમાં સમાવિષ્ટ ચિત્રો બનાવવા માટે આભારી છું.
હું પ્રજ્ઞાન વૈદ્ય માટે મારી હાર્દિક કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવા ઈચ્છું છું, જેણે રચના શૈલી, ટાઈપ-સેટિંગ ને લેઆઉટ માટે દિવસ-રાત પરિશ્રમ કર્યો છે. હું શ્રેયા ભાટ, શૈલી અધિકારી, સંથના બાલાજી અને મારી ટીમના સર્વ સદસ્યોનો આ પુસ્તકનાં મુદ્રણ અને નિર્માણ માટે હાર્દિક આભાર વ્યક્ત કરું છું.
હું આશા રાખું છું કે, આ પુસ્તક તે નિષ્ઠાપૂર્ણ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરશે જેની સાથે તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે તથા સાધકોને પરમપૂર્ણ સત્યની તેમની શોધમાં અને ભગવદ્દ-પ્રાપ્તિની તેમની યાત્રામાં સહાયરૂપ થશે.
ભગવાનની સેવામાં,
સ્વામી મુકુન્દાનંદ
પ્રકાશકની નોંધ
ભગવદ્દ ગીતામાં અઢાર અધ્યાયો છે અને પ્રત્યેક અધ્યાયમાં અનેક શ્લોકો છે. પ્રત્યેક શ્લોક માટે એચ. એચ. સ્વામી મુકુન્દાનંદે વિષયસૂચીને નીચે પ્રમાણે સુવ્યવસ્થિત કરી છે:
૧. સંસ્કૃત શ્લોક. પ્રથમ, દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લોક પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
૨. લિપ્યંતરણ. શ્લોકનું ગુજરાતીમાં લિપ્યંતરણ આપવામાં આવ્યું છે.
૩. શબ્દાર્થ. પ્રત્યેક સંસ્કૃત શબ્દ અને શબ્દસમૂહોનો ગુજરાતી અર્થ આપવામાં આવ્યો છે.
૪. અનુવાદ. આગળ સંસ્કૃત શ્લોકનો ગુજરાતીમાં અર્થ આપવામાં આવ્યો છે.
૫. ભાષ્ય. અંતે, શ્લોકની સમજૂતી આપવામાં આવી છે.
૬. કડી. પ્રસંગોપાત, સમજૂતીના અંતે, એક કે બે વાક્યો italics માં મૂકવામાં આવ્યા છે. જ્યાં જ્યાં આવાં વાક્યો છે, તે વાચકને અનુગામી શ્લોકના વિષય સાથે સંકળાવવામાં સહાય કરે છે.
જે સંસ્કૃત શબ્દોનો સચોટ અર્થ પ્રસ્તુત કરતો ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ પ્રાપ્ય નથી, તેનો આદરણીય સ્વામીજીએ મૂળ સંસ્કૃત શબ્દ જાળવી રાખ્યો છે. આવા શબ્દોનો પુસ્તકના અંતે, તેમની વિસ્તૃત સમજૂતી સાથે સંસ્કૃત શબ્દોની શબ્દસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક સ્થાનો પર, વાંચનની સરળતા માટે શબ્દની સાથે જ કૌંસમાં તેનો અર્થ આપવામાં આવ્યો છે.
ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણ અને અર્જુન માટે વિવિધ ઉપનામોનો ઉપયોગ થયો હોવાથી, સરળ સંદર્ભના હેતુથી ઉપનામોની યાદી અને તેમનો અર્થ અંતે પરિશિષ્ટમાં આપવામાં આવ્યાં છે.
અઢાર અધ્યાયોનાં શીર્ષકો તેમાં નિહિત વિષય અને સ્વ-વિવરણ પ્રદર્શિત કરે છે.
જો તમે પુસ્તકમાં કોઈ ચોક્કસ વિષય શોધવા માંગતા હો તો પરિશિષ્ટમાં અનુક્રમણિકા જોઈ શકો છો.
તમને દરેક શ્લોક શોધવામાં સરળતા રહે તે માટે, બધા જ સાતસો શ્લોકોનાં પહેલા વાક્યની સૂચિને અનુશિષ્ટમાં પ્રદાન કરવામાં આવી છે. સ્વામી મુકુંદાનંદજી દ્વારા ઉપયોગમાં લેવાયેલ અન્ય શ્લોકોને પણ અનુશિષ્ટ રુપે રજૂ કરવામાં આવ્યા છે.