અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ ।
સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૬॥
અનપેક્ષ:—સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન; શુચિ:—શુદ્ધ; દક્ષ:—કૌશલ્યપૂર્ણ; ઉદાસીન:—ચિંતારહિત; ગત-વ્યથ:—કષ્ટોથી મુક્ત; સર્વ-આરંભ—સર્વ પ્રયત્નોનો; પરિત્યાગી—ત્યાગી; ય:—જે; મત્-ભક્ત:—મારો ભક્ત; સ:—તે; મે—મને;પ્રિય:—અતિ પ્રિય.
Translation
BG 12.16: જેઓ સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થરહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે.
Commentary
સાંસારિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન. એક નિર્ધન વ્યક્તિ માટે એક લાખ રૂપિયાની પ્રાપ્તિ કે નુકસાન મહત્ત્વનો વિષય હોઈ શકે પરંતુ એક કરોડોપતિ તેને બિનમહત્ત્વનું ગણીને તેના અંગે બીજો વિચાર પણ નહિ કરે. ભક્તો દિવ્ય પ્રેમથી સમૃદ્ધ હોય છે અને તેની પ્રાપ્તિને ઉચિત સર્વોત્કૃષ્ટ ખજાનો માને છે. તેઓ ભગવાનની પ્રેમયુક્ત સેવાને સર્વપ્રથમ અગ્રતા પણ આપે છે. તેથી, તેઓ સાંસારિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન રહે છે.
બાહ્ય તથા આંતરિક રૂપે શુદ્ધ. તેમનું મન નિરંતર પરમ પવિત્ર ભગવાનમાં પરાયણ રહેતું હોવાથી ભક્તો આંતરિક રીતે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહંકાર, વગેરે વિકારોથી શુદ્ધ થઈ જાય છે. આ માનસિક અવસ્થામાં, તેઓ સ્વાભાવિક રીતે બાહ્ય શરીર તથા વાતાવરણની શુદ્ધિને પણ પ્રાધાન્ય આપે છે. આમ, જૂની કહેવત અનુસાર, “સ્વચ્છતા એ ભગવદ્દતા પછી બીજા ક્રમાંક પર છે.” તેઓ બાહ્ય રીતે પણ શુદ્ધ હોય છે.
કાર્ય-કૌશલ્ય. ભક્તો તેમના પ્રત્યેક કાર્યને ભગવદ્દ-સેવાના અવસર સ્વરૂપે જોવે છે. તેથી, તેઓ પ્રત્યેક કાર્ય અતિ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક કરે છે. પરિણામે, સ્વાભાવિક રીતે તેઓ કુશળતાથી તેમનું કાર્ય સંપન્ન કરે છે.
ચિંતારહિત. તેમની શરણાગતિ અનુસાર ભગવાન સદૈવ તેમની રક્ષા કરે છે, તે શ્રદ્ધા હોવાના કારણે તેઓ ચિંતારહિત બની જાય છે.
કષ્ટમુક્ત. ભક્તો ભગવાનની ઈચ્છાને શરણાગત હોવાથી તેઓ કેવળ શ્રેષ્ઠતમ પ્રયાસોથી તેમનું કાર્ય સંપન્ન કરે છે, પરંતુ ફળ ભગવાનના હાથમાં સોંપી દે છે. આમ, જે કંઈ પણ પરિણામ પ્રાપ્ત થાય, તેઓ તેમની કામનાને દિવ્ય કામનાને આધીન રાખીને અવ્યથિત જ રહે છે.
સર્વ કાર્યોમાં સ્વાર્થ રહિતતા. તેમની સેવા ભાવના તેમને તુચ્છ સ્વાર્થ પરાયણતાથી ઉપર ઊઠાવે છે.