Bhagavad Gita: Chapter 12, Verse 13-14

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।
નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥ ૧૩॥
સન્તુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૪॥

અદ્વેષ્ટા—દ્વેષરહિત; સર્વ-ભૂતાનામ્—જીવમાત્ર પ્રતિ; મૈત્ર:—મૈત્રીભાવયુક્ત; કરુણ:—કરુણાવાન; એવ—ખરેખર, ચ—અને; નિર્મમ:—સ્વામિત્વની આસક્તિથી મુક્ત; નિરહંકાર:—મિથ્યાભિમાનથી રહિત; સમ—સમાન; દુ:ખ—દુ:ખ; સુખ—સુખ; ક્ષમી—ક્ષમાવાન; સંતુષ્ટ:—સંતોષી; સતતમ્—સદા; યોગી—ભક્તિ પરાયણ; યત-આત્મા—આત્મસંયમી; દૃઢ-નિશ્ચય:—કૃત નિશ્ચયી; મયિ—મારામાં; અર્પિત—સમર્પિત; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; ય:—જે; મત્-ભક્ત:—મારો ભક્ત; સ:—તે; મે—મારો; પ્રિય:--પ્રિય.

Translation

BG 12.13-14: એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામીત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ-સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે ઐક્ય સાધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે.

Commentary

સાકાર સ્વરૂપની ભક્તિ શ્રેષ્ઠ છે, એમ જણાવ્યા પશ્ચાત્ હવે શ્રીકૃષ્ણ શ્લોક સં. ૧૩ અને ૧૪માં તેમના પ્રિય ભક્તોના ગુણો સ્પષ્ટ કરે છે.

સર્વ જીવો પ્રતિ દ્વેષભાવથી મુક્ત: ભક્ત અનુભવે છે કે સર્વ જીવો ભગવાનનો સૂક્ષ્મ અંશ છે. જો તેઓ અન્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખશે, તો તે સ્વયં ભગવાન પ્રત્યે ઈર્ષ્યા રાખવા સમાન છે. તેથી ભક્તો તેમની પ્રત્યે શત્રુતા ધરાવતા લોકો પ્રત્યે પણ દ્વેષભાવથી મુક્ત રહે છે.

મૈત્રીપૂર્ણ તથા કરુણાવાન: સર્વ જીવો ભગવાનના સંતાનો છે, એ ગુણ દ્વારા થતી ભક્તિ સર્વ જીવો પ્રત્યે એકતાની ભાવના ઉત્પન્ન કરે છે. અન્યને અજાણી વ્યક્તિ તરીકે જોવાનું વલણ નાશ પામે છે. તેને પરિણામે ભક્તોમાં સૌજન્યતાનો અને અન્યના કષ્ટો પ્રત્યે સહાનુભૂતિનો વિકાસ થાય છે.

સ્વામીત્વની આસક્તિ તથા મિથ્યાભિમાનથી મુક્ત: ભક્તિનો સૌથી મહાન શત્રુ અહંકાર છે. પોતાની અંદર રહેલા અહંકારના વિલોપનનો અભ્યાસ કરીને જ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરી શકે છે. મહાન ભક્ત પ્રાકૃતિક રીતે વિનમ્ર બને છે અને અહંકાર અને સ્વામીત્વની ભાવનાને તથા શરીર હોવાની મિથ્યા તાદાત્મ્યતાને પોતાના વ્યક્તિત્વમાંથી નાબૂદ કરી દે છે.

સુખ અને દુઃખમાં સમાનતા: ભક્તોમાં શ્રદ્ધા હોય છે કે તેમના હાથમાં કેવળ પ્રયાસો કરવાનું છે, જયારે પરિણામ કે ફળ ભગવાનના હાથમાં છે. તેથી, તેમના માર્ગમાં જે કોઈ ફળો મળે, તેને તેઓ ભગવાનની ઈચ્છા માનીને સમભાવથી સ્વીકારે છે.

સદૈવ ક્ષમાશીલ: ભક્તો કદાપિ પોતાની ભાવનાત્મક સંતુષ્ટિ માટે અનુચિત વર્તન કરનારને દંડ આપવાનું વિચારતા નથી. અન્ય લોકો પ્રત્યે આવા નકારાત્મક વિચારો મનમાં રાખવાથી પોતાની ભક્તિ નષ્ટ થાય છે. આથી સિદ્ધ ભક્તો સર્વ પરિસ્થિતિઓમાં અક્ષમ્ય વિચારોને સંઘરવાનો અસ્વીકાર કરે છે તથા દુષ્કર્મ કરનારને દંડ દેવાનું કાર્ય ભગવાન પર છોડી દે છે.

સદૈવ સંતુષ્ટ: સંતોષ આપણી માલિકીની સંપત્તિમાં વૃદ્ધિ કરવાથી પ્રાપ્ત થતો નથી, પરંતુ આપણી માંગણીઓને ઘટાડવાથી પ્રાપ્ત થાય છે. ભક્તો માયિક વિષયોને સુખના સ્રોત તરીકે સ્વીકારતા નથી અને એ પ્રમાણે તેમને જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે.

મારી ભક્તિમાં દૃઢપણે એકીકૃત: અગાઉ સ્પષ્ટ કર્યા પ્રમાણે, ‘યોગ’ અર્થાત્ જોડાણ. ભક્તો યોગી છે કારણ કે તેમની ચેતના ભગવાનમાં લીન થઇ ગઈ હોય છે. આ પરાયણતા પ્રસંગોપાત કે અટકી અટકીને થતી નથી, પરંતુ દૃઢપણે તથા નિરંતર રહે છે કારણ કે તેઓ ભગવાન સાથેનાં સંબંધમાં સ્થિત થઇ ગયા હોય છે.

આત્મસંયમી: ભક્તો તેમના મનને પ્રેમ ભક્તિથી ભગવાનમાં અનુરક્ત કરે છે. આથી તેઓ સંસારથી વિરક્ત થઈ જાય છે, જે તેમને મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરાવે છે.

પ્રતીતિમાં દૃઢ: નિર્ણયશક્તિનો ગુણ દૃઢ બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. ભક્તો તેમની બુદ્ધિને શાસ્ત્રોનાં જ્ઞાન તથા ગુરુના ઉપદેશો સાથે જોડી દે છે, તેથી તે એટલી માત્રામાં દૃઢ થઇ જાય છે કે સમગ્ર વિશ્વ તેમને વિપરીત પરામર્શ આપે, તો પણ તેઓ તેમનાં સ્થાનેથી રતીભર પણ હલતા નથી.

મન અને બુદ્ધિથી મને સમર્પિત: આત્મા તેની અંતર્ગત પ્રકૃતિથી ભગવાનનો દાસ છે અને જેમ જેમ આપણે જ્ઞાનથી પ્રબુદ્ધ થઈએ છીએ, તેમ તેમ સ્વાભાવિક રીતે આપણે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરીએ છીએ. શરણાગતિમાં મન તથા બુદ્ધિ પ્રાથમિક અગત્યતા ધરાવે છે. જયારે તેઓ ભગવાનને સમર્પિત થઇ જાય છે ત્યારે શેષ વ્યક્તિત્ત્વ—શરીર, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, સંસારી સ્વામીત્વ તથા આત્મા—સ્વાભાવિક રીતે તેમની સેવામાં સમર્પિત થઇ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે ભક્તોમાં આ ગુણો પ્રદર્શિત થાય છે તેઓ મને અત્યંત પ્રિય છે.