નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ ।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ ॥૧૫॥
ન—કદી નહીં; આદત્તે—સ્વીકાર કરે છે; કસ્યચિત્—કોઈનું; પાપમ્—પાપ; ન—નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; સુ-કૃતમ્—પુણ્ય; વિભુ:—સર્વવ્યાપક ભગવાન; અજ્ઞાનેન—અજ્ઞાન દ્વારા; આવૃતમ્—ઢંકાયેલું; જ્ઞાનમ્—જ્ઞાન; તેન—તેના વડે; મુહ્યન્તિ—મોહગ્રસ્ત થાય છે; જન્તવ:—જીવો.
Translation
BG 5.15: સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સમ્મિલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત્ત હોય છે.
Commentary
ભગવાન કોઈના પણ પાપમય કે પુણ્યશાળી કર્મો માટે ઉત્તરદાયી હોતા નથી. આ સંદર્ભમાં ભગવાનનું કાર્ય ત્રિવિધ પ્રકારનું છે:
૧) તેઓ જીવાત્માને કર્મ કરવાની શક્તિ પ્રદાન કરે છે.
૨) એકવાર શક્તિ પ્રદાન થયા પશ્ચાત્ જયારે આપણે કર્મો કરીએ છીએ, ત્યારે તેઓ આપણા કર્મોની નોંધ કરે છે.
૩) તેઓ આપણા કર્મો પ્રમાણે ફળ પ્રદાન કરે છે.
પ્રત્યેક જીવાત્મા તેના ઈચ્છા-સ્વાતંત્ર્યની કવાયતને આધારે સત્કર્મ કે દુષ્કર્મ કરવા સ્વતંત્ર હોય છે. આ ઈચ્છા-સ્વાતંત્ર્ય સૃષ્ટિના નાટકનો આધાર છે અને તે અસ્તિત્વમાં રહેલા જીવાત્માઓની ચેતનાના વૈવિધ્ય માટે ઉત્તરદાયી છે. ભગવાનનું કાર્ય ક્રિકેટ મેચનાં નિર્ણાયક (એમ્પાયર) સમાન છે. તે તેનો નિર્ણય ઘોષિત કરતા રહે છે, “ચાર રન!”, “છ રન!”, “રમતમાંથી બહાર (આઉટ) છે!” એમ્પાયરને તેના નિર્ણય આપવા માટે દોષી ગણવામાં આવતો નથી, કારણ કે તેના નિર્ણયનો આધાર રમતવીરનાં કૌશલ્ય-પ્રદર્શન પર રહેલો હોય છે.
કોઈ એવો પ્રશ્ન કરી શકે કે ભગવાને જીવાત્માને ઈચ્છા-સ્વાતંત્ર્ય શા માટે આપ્યું? તેનું કારણ છે કે આત્મા એ ભગવાનનો સૂક્ષ્મ અંશ છે અને તે ભગવાનના સર્વ ગુણો અતિ સીમિત માત્રામાં ધારણ કરે છે. ભગવાન અભિજ્ઞ સ્વરાત (પરમ સ્વતંત્ર) છે અને તેથી આત્મા પણ તેની ઈચ્છા પ્રમાણે તેના ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો ઉપયોગ કરવા સીમિત માત્રામાં સ્વતંત્રતા ધરાવે છે.
વળી, ઈચ્છા-સ્વાતંત્ર્ય વિના પ્રેમ થઈ શકતો નથી. એક યંત્ર ક્યારેય પ્રેમ કરી શકતું નથી કારણ કે તેને પસંદગીની સ્વતંત્રતા હોતી નથી. કેવળ જે વ્યક્તિ પસંદગીની ક્ષમતા ધરાવે છે તેને જ પ્રેમ કરવાનો વિકલ્પ પ્રાપ્ય હોય છે. ભગવાને આપણું સર્જન તેમને પ્રેમ કરવા માટે કર્યું છે, તેથી તેમણે આપણને ઈચ્છા-સ્વાતંત્ર્ય પ્રદાન કર્યું છે. આપણી ઈચ્છાઓના સ્વાતંત્ર્યની કવાયત સત્કર્મ અથવા દુષ્કર્મમાં પરિણમે છે, તેથી આપણે તેના માટે ભગવાન પર દોષારોપણ કરવું જોઈએ નહીં.
અજ્ઞાન વશ કેટલાક જીવાત્માઓને એ પણ અનુભૂતિ હોતી નથી કે તેઓ તેમના કર્મની પસંદગી કરવા સ્વતંત્રતા ધરાવે છે અને પરિણામે પોતાની ભૂલો માટે ભગવાનને ઉત્તરદાયી ગણે છે. અન્ય કેટલાક એ તો જાણે છે કે તેઓ ઈચ્છા-સ્વાતંત્ર્ય ધરાવે છે, પરંતુ પોતે શરીર હોવાની અહંકારયુક્ત ભાવનાને કારણે કર્તૃત્વાભિમાનથી યુક્ત હોય છે. આ પણ અજ્ઞાનની નિશાની છે. શ્રીકૃષ્ણ આગલા શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે કેવી રીતે આ અજ્ઞાનને દૂર કરી શકાય?