સાઙ્ખ્યયોગૌ પૃથગ્બાલાઃ પ્રવદન્તિ ન પણ્ડિતાઃ ।
એકમપ્યાસ્થિતઃ સમ્યગુભયોર્વિન્દતે ફલમ્ ॥૪॥
સાંખ્ય—કર્મોનો ત્યાગ; યોગૌ—કર્મયોગ; પૃથક્—ભિન્ન; બાલા:—અજ્ઞાની; પ્રવદન્તિ—કહે છે; ન—કદી નહીં; પણ્ડિતાઃ —વિદ્વાન; એકમ્—એકમાં; અપિ—પણ; આસ્થિત:—સ્થિત; સમ્યક્—પૂર્ણપણે; ઉભયો:—બંનેનું; વિન્દતે—ભોગવે છે; ફલમ્—ફળ.
Translation
BG 5.4: કેવળ અજ્ઞાની જ સાંખ્ય (કર્મોનો ત્યાગ અથવા કર્મ સંન્યાસ) તથા કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)ને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે, આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ.
Commentary
અહીં શ્રીકૃષ્ણ જ્ઞાનના સંવર્ધનથી કર્મ સંન્યાસ અથવા તો કર્મોનો ત્યાગ દર્શાવવા સાંખ્ય શબ્દનો ઉપયોગ કરે છે. અહીં એ સમજવું આવશ્યક છે કે પરિત્યાગ બે પ્રકારના હોય છે: ૧. ફલ્ગુ વૈરાગ્ય અને ૨. યુક્ત વૈરાગ્ય. ફલ્ગુ વૈરાગ્યમાં વ્યક્તિ સંસારને બોજારૂપ માને છે અને ઉત્તરદાયિત્ત્વો અને મુશ્કેલીઓમાંથી છૂટવાની ઈચ્છા સાથે તેનો ત્યાગ કરે છે. આવો ફલ્ગુ વૈરાગ્ય પલાયનવાદી મનોવૃત્તિ છે અને તે અસ્થિર હોય છે. આવી વ્યક્તિઓનો વૈરાગ્ય સંઘર્ષોથી ભાગવાની વૃત્તિથી પ્રેરિત હોય છે. જયારે આવી વ્યક્તિઓ આધ્યાત્મિક માર્ગમાં વિપત્તિઓનો સામનો કરે છે ત્યારે તેઓ તેના પ્રત્યે પણ વિરક્ત થઈ જાય છે અને લૌકિક જીવન તરફ પાછા ફરવાની કામના સેવે છે. યુક્ત વૈરાગ્યમાં વ્યક્તિ સમગ્ર સંસારને ભગવાનની શક્તિરૂપે જોવે છે. તેઓ જે કોઈનું સ્વામિત્વ ધરાવતા હોય છે તેનાં પ્રત્યે આધિપત્યની ભાવના રાખતા નથી અને તેને સ્વ-સુખ માટે ભોગવવાની કામના ધરાવતા નથી. તેનાથી વિપરીત, તેઓ ભગવાને તેમને જે કંઈ આપ્યું છે તેનાથી ભગવાનની સેવા કરવાની કામનાથી પ્રેરિત હોય છે. યુક્ત વૈરાગ્ય સ્થાયી હોય છે તેમજ વિપત્તિઓથી નિર્ભિક હોય છે.
કર્મયોગીઓ તેમનાં રોજબરોજના કર્તવ્યોનું પાલન કરતાં-કરતાં યુકત વૈરાગ્યના અથવા તો સ્થાયી પરિત્યાગના ભાવનો વિકાસ કરે છે. તેઓ સ્વયંને ભગવાનના દાસ તરીકે અને ભગવાનને ભોક્તા તરીકે જોવે છે. તેથી, તેઓ ભગવાનના સુખ અર્થે સર્વ કાંઈ કરવાની ચેતનામાં સ્થિર થઈ જાય છે. આમ, તેમની આંતરિક અવસ્થા કર્મ-સંન્યાસી સમાન જ થઈ જાય છે, જેઓ સંપૂર્ણ રીતે દિવ્ય ચેતનામાં લીન હોય છે. બાહ્ય રીતે તેઓ સંસારી વ્યક્તિ જેવા પ્રતીત થતા હોય પણ આંતરિક રીતે તેઓ કર્મ-સંન્યાસીથી જરા પણ ઉતરતા નથી.
પુરાણોમાં તથા ઈતિહાસમાં ભારતીય ઇતિહાસના મહાન રાજાઓના અનેક દૃષ્ટાંતો મળી આવે છે, જેમણે બાહ્ય દૃષ્ટિએ તેમનાં રાજકીય ઉત્તરદાયિત્ત્વનું કર્તવ્યપરાયણ થઈને પાલન કર્યું અને રાજવી ઐશ્વર્યમાં રહીને પણ માનસિક રીતે સંપૂર્ણત: ભગવદ્-ચેતનામાં તલ્લીન રહ્યા. પ્રહલાદ્દ, ધ્રુવ, અંબરીષ, પૃથુ, વિભીષણ, યુધિષ્ઠિર, વગેરે...આ સર્વ અનુકરણીય કર્મયોગીઓ છે. શ્રીમદ્ ભાગવતમ્ કહે છે:
ગૃહીત્વાપીન્દ્રિયૈર્થાન્ યો ન દ્વેષ્ટિ ન હૃષ્યતિ
વિષ્ણોર્માયામિદં પશ્યન્ સ વૈ ભાગવતોત્તમઃ (૧૧.૨.૪૮)
“જે ઇન્દ્રિયના વિષયોને, તેમના પ્રત્યે ન તો લાલાયિત થઈને કે ન તો તેનાથી દૂર ભાગીને પરંતુ સર્વ ભગવાનની જ શક્તિ છે અને ભગવદ્-સેવામાં જ તેનો ઉપયોગ થવો જોઈએ એમ સમજીને ગ્રહણ કરે છે, તેવો મનુષ્ય પરમ ભક્ત છે.” આમ, વાસ્તવિક વિદ્વાન કર્મયોગ અને કર્મ સંન્યાસ વચ્ચે કોઈ ભેદ-દર્શન કરતો નથી. તેમાંથી કોઈપણ એકનું અનુકરણ કરીને બંનેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.