યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્ ।
અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે ॥૧૨॥
યુક્ત:—જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો છે; કર્મ-ફલમ્—સર્વ કર્મનાં ફળ; ત્યકત્વા—ત્યાગ કરીને; શાન્તિમ્—શાંતિ; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; નૈષ્ઠિકીમ્ —અનંતકાળ સુધી; અયુક્ત:—જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી; કામ-કારેણ—કામનાઓથી પ્રેરિત થઈને; ફલે—ફળમાં; સકત:—આસક્ત; નિબધ્યતે—બદ્ધ થાય છે.
Translation
BG 5.12: કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જયારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થનાં ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે.
Commentary
સમાન પ્રકારના કર્મો કરવા છતાં કેટલાક લોકો માયિક બંધનોમાં ફસાઈ જાય છે, જયારે કેટલાક લોકો માયિક બંધનોથી મુક્ત થઈ જાય છે—આ વિષય કેવી રીતે સમજવો? શ્રીકૃષ્ણ આ શ્લોકમાં તેનો ઉત્તર આપે છે. જેઓ ભૌતિક પદાર્થો પ્રત્યે અનાસક્ત તેમજ નિષ્કામ હોય છે, તેઓ કદાપિ કર્મના બંધનમાં બંધાતાં નથી. પરંતુ જે લોકોને ફળની ભૂખ હોય છે અને ભૌતિક સુખો માણવાની ઈચ્છાથી પ્રભાવિત થયેલા હોય છે, તેઓ કર્મફળના બંધનમાં બંધાઈ જાય છે.
યુક્ત અર્થાત્, “ભગવદ્ ચેતનાથી યુક્ત”. તેનો અર્થ એ પણ કરી શકાય કે, “અંત:કરણની શુદ્ધિ સિવાય અન્ય કોઈ ફળની અપેક્ષા ન હોવી.” જે મનુષ્ય યુક્ત હોય છે તેઓ તેમનાં કર્મોના ફળોની કામનાઓનો ત્યાગ કરી દે છે અને તેના બદલે આત્મ-શુદ્ધિના ઉદ્દેશ્યથી કાર્યો કરે છે. પરિણામે, તેઓ શીઘ્રતાથી દિવ્ય ચેતના અને દિવ્યાનંદ પ્રાપ્ત કરે છે.
બીજી બાજુ, અયુક્ત અર્થાત્ “જે ભગવદ્ ચેતના સાથે જોડાયેલો નથી.” આને એ રીતે પણ અભિવ્યક્ત કરી શકાય કે “લૌકિક સુખોની કામના કરવી જે આત્મા માટે લાભદાયક નથી.” આવા મનુષ્યો તૃષ્ણાઓથી ઉત્તેજિત થઈને વાસનાપૂર્વક કર્મફળની ઈચ્છા સેવે છે. આવી ચેતનાથી યુક્ત થઈને કરેલા કર્મોના ફળ આવા અયુક્ત મનુષ્યોને સંસાર અથવા જન્મ અને મરણનાં ચક્રમાં બાંધી દે છે.