શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્ ।
કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ ॥૨૩॥
શક્નોતિ—સમર્થ છે; ઇહ એવ—વર્તમાન શરીરમાં; ય:—જે; સોઢુમ્—સહન કરવું; પ્રાક્—પૂર્વ; શરીર—શરીર; વિમોક્ષણાત્—ત્યાગ કરતા; કામ—કામના; ક્રોધ—ક્રોધ; ઉદ્ભવમ્—થી ઉત્પન્ન; વેગમ્—આવેગો; સ:—તે; યુક્ત:—યોગી; સ:—તે ; સુખી—સુખી; નર:—મનુષ્ય.
Translation
BG 5.23: તે મનુષ્ય યોગી છે, જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે, અને કેવળ તે સુખી છે.
Commentary
માનવ શરીર આત્માને ભગવદ્-પ્રાપ્તિના સર્વોચ્ચ સોપાન સુધી પહોંચવા માટે સુવર્ણ અવસર પ્રદાન કરે છે. આ શરીરમાં આપણે વિવેકબુદ્ધિ ધારણ કરીએ છીએ, જયારે પશુઓ તેમની પ્રકૃતિને આધીન હોય છે. શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે આ વિવેકબુદ્ધિની શક્તિનો ઉપયોગ કામનાઓ તથા ક્રોધના આવેગોને નિયંત્રિત કરવા માટે કરવો જોઈએ.
કામ નો એક અર્થ વાસના થાય છે પરંતુ આ શ્લોકમાં કામ શબ્દનો ઉપયોગ શરીર અને મનની માયિક સુખો માટે સર્વ પ્રકારની કામનાઓ માટે કરવામાં આવ્યો છે. જયારે મનને તેની કામના અનુસાર વિષયની પ્રાપ્તિ થતી નથી ત્યારે તે ક્રોધની અભિવ્યક્તિ કરવાની અવસ્થામાં પરિવર્તન પામે છે. કામના તથા ક્રોધના આવેગો નદીના ધસમસતા પ્રવાહની સમાન અતિ બળવાન હોય છે. પશુઓ પણ આ આવેગોને આધીન હોય છે પરંતુ મનુષ્યોની સમાન તેઓ તેને નિયંત્રિત કરવાની વિવેકબુદ્ધિ ધરાવતા હોતા નથી. મનુષ્યની બુદ્ધિ વિવેકશક્તિથી સંપન્ન છે. સોઢુમ્ શબ્દનો અર્થ છે, ‘સહન કરવું’. આ શ્લોક આપણને કામનાઓ અને ક્રોધના આવેગોને સહન કરવાનો ઉપદેશ આપે છે. ક્યારેક વ્યક્તિ મનના આવેગોને લજ્જાવશ નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ માણસ એરપોર્ટ પર બેઠો છે. એક સુંદર સ્ત્રી આવીને તેની બાજુમાં બેસી જાય છે. પેલા માણસનું મન તેને બાહુપાશમાં પકડી લેવાના સુખની કામના કરે છે પરંતુ બુદ્ધિ એ વિચાર સાથે પ્રતિકાર કરે છે કે, “આ અનુચિત આચરણ છે. તે સ્ત્રી આવું કરવા માટે તેને કદાચ તમાચો પણ મારી દે.” નિંદાનું નિવારણ કરવા તે પોતાને અટકાવે છે. અહીં શ્રીકૃષ્ણ અર્જુનને લજ્જાવશ, ભયવશ કે આશંકાવશ નહીં પરંતુ જ્ઞાન આધારિત વિવેક દ્વારા તેના મનને નિયંત્રિત કરવાનો ઉપદેશ આપે છે.
દૃઢ બુદ્ધિનો ઉપયોગ મનને ચકાસવા માટે કરવો જોઈએ. જેવો માયિક સુખના આસ્વાદનનો વિચાર મનમાં ઉદ્ભવે કે તુરંત વ્યક્તિએ આ જ્ઞાનને બુદ્ધિમાં લઈ આવવું જોઈએ કે આ વિચાર દુઃખનો સ્ત્રોત છે. શ્રીમદ્ ભાગવતમ્ કહે છે;
નાયં દેહો દેહભાજાં નૃલોકે
કષ્ટાન્ કામાનર્હતે વિડ્ભુજાં યે
તપો દિવ્યં પુત્રકા યેન સત્ત્વં
શુદ્ધ્યેદ્યયસ્માદ્ બ્રહ્મસૌખ્યં ત્વનન્તમ્ (૫.૫.૧)
“માનવ જન્મમાં વ્યક્તિએ ઇન્દ્રિય સુખ પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો જોઈએ નહિ, કારણ કે આવું સુખ તો જે વિષ્ટાનું ભક્ષણ કરે છે તેવા પ્રાણીઓ (ભૂંડ)ને પણ પ્રાપ્ય છે. તેના બદલે, મનુષ્યે સ્વયંના અંત:કરણને પવિત્ર કરવા તપશ્ચર્યા અને સાધના કરવા જોઈએ અને ભગવાનના અસીમિત આનંદને માણવો જોઈએ.” આ વિવેકનો અભ્યાસ કરવાનો અવસર કેવળ માનવદેહ દરમ્યાન જ પ્રાપ્ત થાય છે. જીવન દરમ્યાન કામ અને ક્રોધના આવેગો પર સંયમ રાખવાની સમર્થતાને કારણે વ્યક્તિ યોગી બની જાય છે. કેવળ આવો મનુષ્ય તેની અંદર દિવ્ય આનંદનું આસ્વાદન કરી શકે છે અને પરમસુખી થાય છે.