ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ । નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥૧૯॥
ઇહ એવ—આ જન્મમાં જ; તૈ:—તેમના દ્વારા; જિત:—જિતાયો; સર્ગ:—સૃષ્ટિ; યેષામ્—જેમના; સામ્યે—સમતામાં; સ્થિતમ્—સ્થિત; મન:—મન; નિર્દોષમ્—દોષરહિત; હિ—નિશ્ચિત; સમમ્—સમતામાં; બ્રહ્મ—ભગવાન; તસ્માત્—તેથી; બ્રહ્મણિ—પરમ સત્યમાં; તે—તેઓ; સ્થિતા:—સ્થિત છે.
Translation
BG 5.19: જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે, તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રનાં બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેઓ ભગવાનના દોષરહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે.
Commentary
શ્રીકૃષ્ણ સામ્યે શબ્દનો ઉપયોગ કરે છે, અર્થાત્ અગાઉનાં શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે, જે મનુષ્ય સર્વ પ્રાણીઓ પ્રત્યે સમદર્શી છે. તેનાથી આગળ વધીને, સમદર્શી અર્થાત્ ગમા-અણગમા, સુખ-દુઃખ, ભોગ-પીડા, આ બધાથી ઉપર ઊઠવું. શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યો આ પ્રમાણે સમતા ધરાવે છે તે સંસાર અથવા તો જન્મ-મૃત્યુના અવિરત ચક્રને પાર કરી જાય છે.
જ્યાં સુધી આપણે પોતાને શરીર માનીએ છીએ ત્યાં સુધી આવી સમદર્શિતા પ્રાપ્ત થતી નથી, કારણ કે આપણે શારીરિક સુખ પ્રત્યે લાલસા તથા કષ્ટ પ્રત્યે ઘૃણાની લાગણી નિરંતર અનુભવતાં રહીએ છીએ. સંતો દૈહિક ચેતનાથી ઉપર ઉઠી જાય છે અને સર્વ સાંસારિક આસક્તિઓનો પરિત્યાગ કરીને તેમના મનને ભગવાનમાં તલ્લીન કરી દે છે. રામાયણ કહે છે:
સેવહિં લખનુ સીય રઘુબીરહિ, જિમિ અબિબેકી પુરુષ સરીરહિ
“જેમ અજ્ઞાની મનુષ્ય તેના શરીરની સેવા કરે છે, તેમ લક્ષ્મણે ભગવાન રામ અને સીતાની સેવા કરી.”
જયારે મનુષ્યનું મન આ દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જાય છે ત્યારે તે શારીરિક સુખ અને દુ:ખની આસક્તિને પાર કરી જાય છે અને તે સમભાવની અવસ્થાએ પહોંચી જાય છે. સ્વાર્થી શારીરિક કામનાઓના પરિત્યાગથી પ્રાપ્ત થયેલું આ સંતુલન મનુષ્યને આચરણમાં ભગવાન સમાન બનાવી દે છે. મહાભારત કહે છે: યો ન કામયતે કિઞ્ચિત્ બ્રહ્મ ભૂયાય કલ્પતે “જે કામનાઓનો ત્યાગ કરે છે, તે ભગવાન સમાન બની જાય છે.”