Bhagavad Gita: Chapter 5, Verse 18

વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ॥૧૮॥

વિદ્યા—દિવ્ય જ્ઞાન; વિનય—વિનમ્રતા; સંપન્ને—સંપન્ન; બ્રાહ્મણે—બ્રાહ્મણ; ગવિ—ગાય; હસ્તિનિ—હાથી; શુનિ—કૂતરો; ચ—અને; એવ—નિશ્ચિત; શ્વ-પાકે—શ્વાનભક્ષી; ચ—અને; પણ્ડિતાઃ —પંડિતો; સમ-દર્શિન:—સમાન દૃષ્ટિથી જોનારા.

Translation

BG 5.18: વાસ્તવિક જ્ઞાની, દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાનભક્ષી (ચંડાળ)ને સમાન દૃષ્ટિથી જુએ છે.

Commentary

જયારે આપણે કોઈપણ વસ્તુને જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ તો તેને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે, જેનો અર્થ છે, “જ્ઞાનના ચક્ષુ દ્વારા”. શ્રીકૃષ્ણ વિદ્યા સંપન્ને  શબ્દનો ઉપયોગ આ જ સંદર્ભમાં કરે છે પરંતુ તેઓ તેમાં વિનય અર્થાત્ વિનમ્રતાનો પણ ઉમેરો કરે છે. દિવ્ય જ્ઞાનનું એ લક્ષણ છે કે તે વિનમ્રતાના ભાવથી યુક્ત હોય છે, જયારે પુસ્તકિયું જ્ઞાન વિદ્વત્તાના અહંકારથી યુક્ત હોય છે.

શ્રીકૃષ્ણ આ શ્લોકમાં પ્રગટ કરે છે કે દિવ્ય જ્ઞાન શારીરિક દૃષ્ટિ કરતાં કેવી રીતે ભિન્ન દર્શન પ્રદાન કરે છે. દિવ્યજ્ઞાનથી સંપન્ન ભક્ત સર્વ પ્રાણીઓને આત્મારૂપે, ભગવાનના અંશ તરીકે જુએ છે કે જેમની પ્રકૃતિ દિવ્ય છે. શ્રીકૃષ્ણ દ્વારા પૂર્ણત: વિરોધાભાસી પ્રાણીઓની જાતિ અને જીવન સ્વરૂપના દૃષ્ટાંતો આપવામાં આવ્યા છે. એક વૈદિક બ્રાહ્મણ કે જે કર્મકાંડ અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવે છે, તે આદરણીય છે; જયારે શ્વાનભક્ષી ચંડાળને જાતિભ્રષ્ટ ગણીને પતિત ગણવામાં આવે છે; ગાય મનુષ્ય જાતિનાં ઉપયોગ માટે દૂધ આપે છે પરંતુ શ્વાન નહીં; હાથીનો ઉપયોગ શોભાયાત્રામાં કરવામાં આવે છે જયારે ગાય કે શ્વાનનો નહીં. ભૌતિક પરિપ્રેક્ષ્યથી જોતાં આપણા લોકમાં આ સર્વ જાતિઓ જીવનનાં વર્ણપટ પર તીવ્ર વિષમતા ધરાવે છે. પરંતુ, વાસ્તવિક જ્ઞાની આધ્યાત્મિક જ્ઞાનથી સંપન્ન હોવાના કારણે તે સર્વને શાશ્વત આત્માનાં રૂપે જુએ છે અને તેથી તેમને સમાન દૃષ્ટિથી જુએ છે.

વેદો એ મતનું સમર્થન કરતા નથી કે બ્રાહ્મણ (પૂજારી વર્ગ) એ ઉચ્ચતર વર્ણ છે જયારે શુદ્ર (શ્રમિક વર્ગ) એ નિમ્નતર વર્ણ છે. જ્ઞાનના પરિપ્રેક્ષ્ય પ્રમાણે યદ્યપિ બ્રાહ્મણ ધાર્મિક વિધિઓનું સંચાલન કરે છે, ક્ષત્રિયો સમાજનું સંચાલન કરે છે, વૈશ્યો વ્યવસાયનું સંચાલન કરે છે અને શુદ્રો શ્રમમાં વ્યસ્ત રહે છે, છતાં તેઓ સર્વ શાશ્વત આત્મા છે, જે ભગવાનના સૂક્ષ્મ અંશ હોવાના કારણે એકસમાન છે.