ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ ।
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ॥ ૧૭॥
ઉત્તમ:—શ્રેષ્ઠ; પુરુષ:—દિવ્ય વ્યક્તિ; તુ—પરંતુ; અન્ય:—અન્ય; પરમ-આત્મા—પરમાત્મા; ઈતિ—એ રીતે; ઉદાહ્રત:—કહેવાય છે; ય:—જે; લોક ત્રયમ્—ત્રણ લોક; આવિશ્ય—પ્રવેશીને; બિભાર્તિ—પાલન કરે છે; અવ્યય:—અવિનાશી; ઈશ્વર:—ભગવાન.
Translation
BG 15.17: તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.
Commentary
સંસાર તથા આત્માનું નિરૂપણ કરીને હવે શ્રીકૃષ્ણ, ભગવાન વિષે વર્ણન કરે છે કે જેઓ બંને લોકોથી અને નશ્વર તથા અવિનાશી જીવોથી અનુભવાતીત છે. શાસ્ત્રોમાં, તેઓ પરમાત્મા અર્થાત્ પરમ આત્મા સ્વરૂપે પ્રતિષ્ઠાપિત છે. આ ‘પરમ’ ગુણવાચક ઉપાધિ એ વિષય પર પ્રકાશ ફેંકે છે કે પરમાત્મા એ આત્મા અથવા તો જીવાત્માથી ભિન્ન છે. આ શ્લોક અદ્વૈતવાદી દાર્શનિકોના દાવાનું સ્પષ્ટપણે ખંડન કરે છે કે જેઓ કહે છે કે જીવાત્મા પોતે જ પરમ આત્મા છે.
જીવાત્મા અતિ સૂક્ષ્મ હોય છે અને તે જેમાં નિવાસ કરે છે તે શરીરમાં જ વ્યાપ્ત રહી શકે છે. જયારે પરમાત્મા સર્વ જીવોનાં અંત:કરણમાં નિવાસ કરે છે. તેઓ તેમના કર્મોની નોંધ રાખે છે, તેનો હિસાબ રાખે છે તથા ઉચિત સમયે તેનું ફળ પ્રદાન કરે છે. તેઓ જન્મ-જન્માંતર સુધી જીવાત્મા જે શરીર ધારણ કરે છે ,તેમાં તેને સાથ આપે છે. જો આત્માને અમુક ચોક્કસ જન્મમાં શ્વાનની યોનિ પ્રાપ્ત થાય છે, તો પરમાત્મા તેમાં પણ તેની સાથે રહે છે અને પૂર્વ કર્મો અનુસાર ફળ પ્રદાન કરે છે. તેથી જ કૂતરાઓના ભાગ્યમાં પણ આટલી વિષમતા જોવા મળે છે. કેટલાક કૂતરાઓ ભારતની શેરીઓમાં કંગાળ હાલતમાં જીવતા હોય છે, જયારે અમેરિકામાં કેટલાક પાળતુ કૂતરાઓ વિલાસી સુખ-સુવિધાઓ ભોગવે છે. આ તીવ્ર વિષમતા તેમનાં સંચિત કર્મોના પરિણામસ્વરૂપે જોવા મળે છે અને પ્રત્યેક જન્મમાં આત્મા જે યોનિમાં જાય, તેમાં તેની સાથે રહીને, પરમાત્મા જ કર્મોનાં ફળ પ્રદાન કરે છે.
પરમાત્મા કે જેઓ સર્વ પ્રાણીઓનાં અંત:કરણમાં નિવાસ કરે છે, તેઓ સાકાર સ્વરૂપે ચતુર્ભુજ ક્ષીરોદક્ષાયી વિષ્ણુ (સામાન્યત: વિષ્ણુ તરીકે ઓળખાય છે) સ્વરૂપે પણ વિદ્યમાન છે. હિન્દીમાં એક પ્રચલિત ઉક્તિ છે: મારને વાલે કે દો હાથ, બચાને વાલે કે ચાર હાથ. “જે વ્યક્તિ મારવા આવે છે, તેને બે હાથ હોય છે, પરંતુ તેની અંદર વિદ્યમાન રક્ષકના ચાર હાથ હોય છે.” આ ચતુર્ભુજ-ધારી સ્વરૂપના પરમાત્માના સંદર્ભમાં ઉલ્લેખ થયો છે.