Bhagavad Gita: Chapter 15, Verse 20

ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ॥ ૨૦॥

ઈતિ—આ; ગુહ્ય-તમમ્—અતિ ગુહ્ય; શાસ્ત્રમ્—વૈદિક ગ્રંથો; ઈદમ્—આ; ઉક્તમ્—કહેવાયું; મયા—મારા દ્વારા; અનઘ—અર્જુન, જે નિષ્પાપ છે; એતદ્દ—આ; બુદ્ધવા—સમજ; બુદ્ધિ-માન્—પ્રબુદ્ધ; સ્યાત્—થાય છે; કૃત-કૃત્ય:—પોતાના પ્રયાસોમાં પરમ પૂર્ણ; ચ—અને; ભારત—અર્જુન, ભારતપુત્ર.

Translation

BG 15.20: હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.”

Commentary

આ અધ્યાયના અંતિમ શ્લોકનો આરંભ  ‘ઈતિ’ શબ્દ અર્થાત્ ‘આ’ સાથે થાય છે. શ્રીકૃષ્ણ અભિપ્રેત કરે છે: “આ વીસ શ્લોકોમાં મેં સર્વ વૈદિક ગ્રંથોનાં સારાંશને લાઘવમાં પ્રસ્તુત કર્યો છે. મેં તને સંસારનાં સ્વરૂપના વર્ણનથી આરંભીને પદાર્થ અને આત્મા વચ્ચેની પૃથકતા અને અંતે પરમ દિવ્ય સ્વરૂપે પૂર્ણ સત્યની સર્વોચ્ચ અનુભૂતિ કરાવી છે. હવે હું એ ખાતરી આપું છું કે જે આ જ્ઞાનનો અંગીકાર કરશે, તે વાસ્તવમાં પ્રબુદ્ધ થશે. આવો આત્મા તેના સર્વ કાર્યો તથા ઉત્તરદાયિત્ત્વના ધ્યેયને પરિપૂર્ણ કરી લેશે, જે ભગવદ્દ-પ્રાપ્તિ છે.”