અગાઉના અધ્યાયમાં આત્મા અને માયિક શરીર વચ્ચેની ભિન્નતા અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ અધ્યાય માયા શક્તિની પ્રકૃતિ અંગે વર્ણન કરે છે, કે જે શરીર તથા તેનાં તત્ત્વોનો સ્ત્રોત છે અને તે પ્રમાણે મન અને વિષય બંનેનું ઉદ્ગમ છે. શ્રીકૃષ્ણ દર્શાવે છે કે, માયિક શક્તિ ત્રણ ગુણોથી નિર્મિત છે—સત્ત્વ, રજસ, અને તમસ. માયિક શક્તિથી બનેલા શરીર, મન અને બુદ્ધિમાં પણ આ ત્રણ ગુણો વિદ્યમાન હોય છે. આપણા અસ્તિત્ત્વમાં આ ગુણોનું મિશ્રણ આપણા વ્યક્તિત્ત્વનો રંગ નિર્ધારિત કરે છે. શાંતિમયતા, ક્ષેમ-કુશળતા, સદાચારિતા, અને નિર્મળતા સત્ત્વ ગુણના લક્ષણો છે; રજોગુણ સાંસારિક વૃદ્ધિ માટે અનંત કામનાઓ અને અતૃપ્ત મહત્ત્વાકાંક્ષાઓને ઉત્પન્ન કરે છે અને તમસ ભ્રમ, આળસ, મદ, અને નિદ્રાનું કારણ છે. જ્યાં સુધી જીવ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી તેણે આ પ્રબળ શક્તિ ધરાવતા ત્રણ ગુણો સાથે વ્યવહાર કરવાનું શીખવું જોઈએ. આ ત્રણ ગુણોથી પર, ગુણાતીત થવામાં જ મુક્તિ રહેલી છે.
શ્રીકૃષ્ણ આ ગુણોનું બંધન તોડવા માટે અતિ સરળ ઉપાય પ્રગટ કરે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ ત્રણેય ગુણોથી પર, ગુણાતીત છે અને જો આપણે તેમના પ્રત્યે અનુરક્ત થઈએ તો આપણું મન પણ તે દિવ્ય અવસ્થા તરફ ઉદય પામે છે. આ મુદ્દે અર્જુન આ ત્રણ ગુણોથી પર (ગુણાતીત) મનુષ્યનાં લક્ષણો અંગે તેમને પ્રશ્ન કરે છે. પશ્ચાત્ શ્રીકૃષ્ણ સુચારુ રીતે આવા મુક્ત-આત્માઓનાં લક્ષણો પ્રસ્તુત કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે પ્રબુદ્ધ મનુષ્યો સદા સંતુલિત રહે છે; તેઓ સંસારમાં આ ગુણોની કાર્યાન્વિતતાથી અને મનુષ્યો, વિષયો તથા પરિસ્થિતિઓમાં જોવા મળતા તેમના પ્રભાવથી વિચલિત થતા નથી. તેઓ સર્વને ભગવાનની શક્તિનાં પ્રગટીકરણ સ્વરૂપે જોવે છે, જે અંતત: તેમના નિયંત્રણમાં જ છે. આ પ્રમાણે, સાંસારિક પરિસ્થિતિઓ ન તો તેમને હર્ષઘેલા કરી દે છે કે ન તો દુઃખી કરી શકે છે. વિચલિત થયા વિના તેઓ સ્વમાં સ્થિત રહે છે. શ્રીકૃષ્ણ ભક્તિનો મહિમા અને ત્રણ ગુણોથી અતીત લઇ જવાના તેના સામર્થ્યનું પુન: સ્મરણ કરાવીને આ અધ્યાયનું સમાપન કરે છે.
Bhagavad Gita 14.1 View commentary »
દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
Bhagavad Gita 14.2 View commentary »
જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન:જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.
Bhagavad Gita 14.3 – 14.4 View commentary »
સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.
Bhagavad Gita 14.5 View commentary »
હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.
Bhagavad Gita 14.6 View commentary »
આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.
Bhagavad Gita 14.7 View commentary »
હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે.
Bhagavad Gita 14.8 View commentary »
હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે.
Bhagavad Gita 14.9 View commentary »
સત્ત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે; રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે.
Bhagavad Gita 14.10 View commentary »
હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.
Bhagavad Gita 14.11 – 14.13 View commentary »
જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.
Bhagavad Gita 14.14 – 14.15 View commentary »
જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.
Bhagavad Gita 14.16 View commentary »
એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.
Bhagavad Gita 14.17 View commentary »
સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.
Bhagavad Gita 14.18 View commentary »
સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 14.19 View commentary »
જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 14.20 View commentary »
શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 14.21 View commentary »
અર્જુને પૂછયું: હે પ્રભુ! જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયેલા છે, તેમના લક્ષણો કયા છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે?
Bhagavad Gita 14.22 – 14.23 View commentary »
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.
Bhagavad Gita 14.24 – 14.25 View commentary »
જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.
Bhagavad Gita 14.26 View commentary »
જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે.
Bhagavad Gita 14.27 View commentary »
હું નિરાકાર બ્રહ્મનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું.