અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥ ૧૪॥
અહમ્—હું; વૈશ્વાનર:—જઠરાગ્નિ; ભૂત્વા—થઈને; પ્રાણિનામ્—સર્વ જીવોનું; દેહમ્—શરીર; આશ્રિત:—સ્થિત; પ્રાણ-અપાન—શ્વાસોચ્છવાસ; સમાયુક્ત:—સંતુલિત રાખીને; પચામિ—હું પચાવું છું; અન્નમ્—અન્ન; ચતુ:-વિધમ્—ચાર પ્રકારનાં.
Translation
BG 15.14: એ હું છું, જે સર્વ જીવોનાં ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ-પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારનાં ખોરાક બનાવું છું અને પચાવું છું.
Commentary
વૈજ્ઞાનિકો પાચન શક્તિનું શ્રેય પિત્તાશય, સ્વાદુપિંડ, યકૃત વગેરે દ્વારા સ્ત્રવિત જઠરીય રસને આપે છે. પરંતુ, આ શ્લોક સ્પષ્ટ કરે છે કે આ વિચારધારા પણ અતિ સામાન્ય છે. આ સર્વ જઠરીય રસોની પાછળ ભગવાનની શક્તિ રહેલી છે, જે પાચનની પ્રક્રિયાને શક્ય બનાવે છે. વૈશ્વાનર નો અર્થ છે, “જઠરાગ્નિ”, જે ભગવાનની શક્તિથી પ્રજ્વલિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદ્દ વર્ણન કરે છે:
અયમ્ અગ્નિર્ વૈશ્વાનરો યોઽયમ્ અન્તઃ પુરુષે યેનેદમ્ અન્નં પચ્યતે (૫.૯.૧)
“ભગવાન ઉદરની અંદરનો અગ્નિ છે, જે જીવોને ખોરાકનું પાચન કરવા માટે સમર્થ બનાવે છે.”
આ શ્લોકમાં ચાર પ્રકારના આહારનો નિર્દેશ કરવામાં આવે છે:
૧. ભોજ્ય. તેમાં દાંતો દ્વારા ચાવી શકાય તેવા આહારનો સમાવેશ થાય છે, જેવા કે, રોટલી, ફળ વગેરે.
૨. પેય. તેમાં ગળી શકાય તેવા આહારનો સમાવેશ થાય છે, જેવા કે, દૂધ, રસ વગેરે.
૩. કોશ્ય. તેમાં ચૂસી શકાય તેવા આહારનો સમાવેશ થાય છે, જેમ કે, શેરડી.
૪. લેહ્ય. તેમાં ચાટી શકાય તેવા આહારનો સમાવેશ થાય છે, જેમ કે, મધ.
શ્લોક સં. ૧૨ થી ૧૪માં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે જીવનના પ્રત્યેક આયામોને ભગવાન સંભવ બનાવે છે. તે પૃથ્વીને નિવાસ યોગ્ય બનાવવા શક્તિ પ્રદાન કરે છે. તે સર્વ વનસ્પતિઓના પોષણ માટે ચંદ્રને શક્તિ પ્રદાન કરે છે અને ચાર પ્રકારના આહારને પચાવવા માટે જઠરાગ્નિ બને છે. હવે આગામી શ્લોકમાં, એકમાત્ર તેઓ જ સર્વ જ્ઞાનનું ધ્યેય છે, તેમ કહીને તેઓ આ વિષયનો ઉપસંહાર કરે છે.