ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ।
પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ॥ ૧૩॥
ગામ્—પૃથ્વી; આવિશ્ય—વ્યાપીને; ચ—અને; ભૂતાનિ—જીવો; ધારયામિ—ધારણ કરું છું; અહમ્—હું; ઓજસા—શક્તિ; પુષ્ણામિ—પોષણ કરું છું; ચ—અને; ઔષધિ:—વનસ્પતિઓ; સર્વા:—સર્વ; સોમ:—ચંદ્ર; ભૂત્વા—થઈને; રસ-આત્મક:—જીવનનો રસ પ્રદાન કરનાર.
Translation
BG 15.13: પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને, હું સર્વ વનસ્પતિઓનું જીવન-રસથી પોષણ કરું છું.
Commentary
ગામ્ શબ્દનો અર્થ છે, પૃથ્વી અને ઓજસા શબ્દનો અર્થ છે શક્તિ. પૃથ્વી એ ભૌતિક પદાર્થોનો સમુદાય છે પરંતુ ભગવાનની શક્તિથી તેને નિવાસ યોગ્ય બનાવવામાં આવી અને તે ચર તથા અચર પ્રાણીઓની વિવિધ જાતિઓનું નિર્વહન કરે છે. ઉદાહરણ તરીકે, બાળપણથી આપણને એ આશ્ચર્ય થાય છે કે સમુદ્ર ખારો શા માટે હોય છે? વાસ્તવિકતા એ છે કે જો તે ખારો ન હોત તો પ્રચૂર માત્રામાં રોગ ફેલાત અને તે જળચરો માટે નિવાસ યોગ્ય રહેત નહિ. તેથી, તેની સાથે ભલે જે કોઈ પણ ભૌતિક સિદ્ધાંત જોડાયેલો હોય, સમુદ્રનું પાણી ભગવાનની ઈચ્છાથી ખારૂં છે. નોબેલ પારિતોષિક વિજેતા જ્યોર્જ વોલ્ડ તેમનાં પુસ્તક ‘અ યુનિવર્સ ધેટ બ્રિડ્સ લાઈફ’માં લખ્યું છે: “જો આપણા બ્રહ્માંડનાં વર્તમાનમાં અસ્તિત્ત્વ ધરાવતા નોંધપાત્ર અનેક ભૌતિક ગુણધર્મોમાંથી કોઈ એક પણ અત્યારે છે તેના બદલે અન્ય સ્થાને હોત તો જીવન અત્યારે જેટલું પ્રચલિત અને પ્રસારિત દૃશ્યમાન છે, તેટલું અહીં કે અન્યત્ર સંભવ ન હોત.” શ્રીકૃષ્ણના કથનથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાનની શક્તિથી જ પૃથ્વીલોક પર વિદ્યમાન જીવન માટે ઉચિત ભૌતિક ગુણધર્મો અસ્તિત્ત્વમાં આવ્યા છે.
તદુપરાંત, ચંદ્રમાની ચાંદની કે જે દિવ્ય અમૃતનો ગુણ ધરાવે છે, તે ઔષધિઓ, ફળો, ધાન્ય વગેરે જેવી સર્વ વનસ્પતિઓના જીવનનું પોષણ કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ જ છે, જે ચંદ્રપ્રકાશને આ પોષક ગુણો પ્રદાન કરે છે.