નિર્માનમોહા જિતસઙ્ગદોષા
અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ .
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈ-
ર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ॥ ૫॥..
નિ:—થી મુક્ત; માન—મિથ્યાભિમાન; મોહા:—ભ્રમ; જિત—જીતેલા; સંગ—આસક્તિ; દોષા:—દોષો; અધ્યાત્મ-નિત્યા:—નિરંતર સ્વ તથા ભગવાનમાં લીન; વિનિવૃત્ત—થી મુક્ત; કામા:—ઈન્દ્રિયોને ભોગવવાની કામના; દ્વન્દ્વૈ:—દ્વન્દ્વોથી; વિમુક્તા:—વિમુક્ત; સુખ-દુઃખ—સુખ અને દુઃખ; સંગૈ:—ઓળખવામાં આવે છે; ગચ્છન્તિ—પ્રાપ્ત થાય છે; અમૂઢા:—મોહ રહિત; પદમ્—ધામ; અવ્યયમ્—શાશ્વત; તત્—તે.
Translation
BG 15.5: જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.
Commentary
શ્રીકૃષ્ણ હવે સ્પષ્ટ કરે છે કે ભગવાન કે જેઓ આ વૃક્ષના આધાર છે, તેમને શરણાગત કેવી રીતે થવું જોઈએ. તેઓ કહે છે કે, સર્વ પ્રથમ મનુષ્યએ અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થતા મિથ્યાભિમાનનો ત્યાગ કરવો જોઈએ. મોહવશ દેહધારી આત્મા અત્યારે એમ માને છે કે મારી પાસે જે કંઈ છે, તેનો હું સ્વામી છું અને ભવિષ્યમાં હું અધિક સ્વામીત્વ ધરાવીશ. આ સર્વ મારા ભોગ અને સુખ માટે છે.” જ્યાં સુધી આપણે અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલા આ મિથ્યાભિમાનમાં ઉન્મત્ત હોઈએ છીએ, ત્યાં સુધી આપણે પોતાને માયિક પ્રકૃતિનાં ભોક્તા માનીએ છીએ. આવી અવસ્થામાં, આપણે ભગવાનનો અનાદર કરીએ છીએ અને તેમની ઈચ્છાને શરણાગત થવાની કોઈ ઈચ્છા ધરાવતા નથી.
આ ભોક્તા હોવાની ભ્રામક માન્યતાને જ્ઞાનની સહાય દ્વારા નષ્ટ કરવી જ રહી. આપણને એ અનુભૂતિ હોવી આવશ્યક છે કે આ માયિક શક્તિના સ્વામી ભગવાન છે અને તેથી તે તેમની સેવાર્થે જ છે. આત્મા પણ ભગવાનનો દાસ છે અને તેથી ઈન્દ્રિયોનો ભોગવિલાસ કરવા અંગેની વર્તમાનની મનોવૃત્તિને તેમની સેવાની મનોવૃત્તિમાં પરિવર્તિત કરી દેવી જોઈએ. આ માટે, આપણે માયિક આસક્તિઓનું ઉન્મૂલન કરવું જોઈએ કે જે મનને સંસાર તરફ આકર્ષિત કરે છે અને ભગવાનથી વિમુખ કરે છે. તેના બદલે, ભગવાનના દાસ તરીકેના આત્માના મૂળ સ્વરૂપને સમજીને, સેવા ભાવના દ્વારા આપણે મનને ભગવાન પ્રત્યે અનુરક્ત કરવું જોઈએ.
પદ્મ પુરાણ કહે છે:
દાસ ભૂતમિદં તસ્ય જગત્સ્થાવર જંગમમ્
શ્રીમન્નારાયણઃ સ્વામી જગતાંપ્રભુરીશ્વરઃ
“ભગવાન નારાયણ આ જગતના નિયંતા અને સ્વામી છે. આ વિશ્વના સર્વ ચર અને અચર પ્રાણીઓ અને તત્ત્વો તેમના દાસ છે.” તેથી, જેમ જેમ ભગવાનની સેવા કામનાનો અધિક વિકાસ થતો જશે, તેમ તેમ પ્રકૃતિના ભોક્તા હોવાનો ભ્રમ વિસ્થાપિત થતો જશે અને અંત:કરણ શુદ્ધ થઈ જશે.” જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ અંત:કરણ શુદ્ધિ માટેના અત્યંત શક્તિશાળી સાધન તરીકે આ વિષય પર અન્ય સર્વની તુલનામાં અધિક ભાર મૂકે છે:
સૌ બાતન કી બાત ઇક, ધરુ મુરલીધર ધ્યાન,
બઢવહુ સેવા-વાસના, યહ સૌ જ્ઞાનન જ્ઞાન (ભક્તિ શતક દોહા સં. ૭૪)
“શુદ્ધિકરણ અંગેની સો શિખામણોમાંથી આ સૌથી મહત્ત્વની છે. મનથી દિવ્ય મુરલીધર શ્રીકૃષ્ણનું ધ્યાન ધરો અને તેમની સેવા અંગેની વાસનામાં વૃદ્ધિ કરો. આ ઉપદેશ, જ્ઞાનનાં સો રત્નોની તુલનામાં પણ અધિક મહત્વનો છે.”
એકવાર આપણે સૂક્ષ્મ અંત:કરણની શુદ્ધિમાં સફળતા મેળવી લઈએ અને ભગવાનની પ્રેમપૂર્વકની સેવામાં સ્થિત થઈ જઈએ પશ્ચાત્ શું થાય છે? શ્રીકૃષ્ણ ઉપરોક્ત શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે આવા સિદ્ધ આત્માઓ શેષ શાશ્વતતા માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગમન કરે છે. જયારે ભગવદ્દ-ચેતના પ્રાપ્ત થાય છે, પશ્ચાત્ માયિક ક્ષેત્રનો કોઈ ઉદ્દેશ્ય રહેતો નથી. પશ્ચાત્ આત્મા ભગવાનના દિવ્ય ધામમાં અન્ય ભગવદ્દ-પ્રાપ્ત આત્માઓ સાથે નિવાસ કરવા માટે પાત્ર બની જાય છે. જે પ્રમાણે કારાગાર સમગ્ર શહેરનો એક ભાગ માત્ર હોય છે, તેવું જ માયિક ક્ષેત્રનું છે. તે ભગવાનની સમગ્ર સૃષ્ટિનો કેવળ એક ચતુર્થાંશ ભાગ છે, જયારે આધ્યાત્મિક ક્ષેત્ર ત્રણ ચતુર્થાંશ ભાગ ધરાવે છે.
વેદો વર્ણન કરે છે:
પાદોઽસ્ય વિશ્વા ભૂતાનિ, ત્રિપાદસ્ય અમૃતમ્ દિવિ (પુરુષ સૂક્તમ્ મંત્ર ૩)
“આ માયિક શક્તિથી રચિત અલ્પકાલીન વિશ્વ સૃષ્ટિનો માત્ર એક ભાગ છે. અન્ય ત્રણ ભાગ ભગવાનનાં શાશ્વત ધામ છે, જે જન્મ અને મૃત્યુની ઘટનાઓથી પર છે.” આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ આ સનાતન ધામનું સ્વરૂપ સમજાવે છે.