ન રૂપમસ્યેહ તથોપલભ્યતે
નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા .
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં
અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥૩॥..
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં
યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ .
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે .
યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥ ૪॥..
ન—નહીં; રૂપમ્—રૂપ; અસ્ય—આનું; ઇહ—આ જગતમાં; તથા—જેવું; ઉપલભ્યતે—અનુભૂતિ કરી શકાય છે; ન—ન તો; અન્ત:—અંત; ન—ન તો; ચ—પણ; આદિ:—પ્રારંભ; ન—કદાપિ નહીં; ચ—પણ; સમ્પ્રતિષ્ઠા—પાયો; અશ્વત્થમ્—અશ્વત્થ વૃક્ષ, વડ; એનમ્—આ; સુ-વિરુઢ-મૂલમ્—ઊંડા મૂળવાળો; અસંગ-શસ્ત્રેણ—વિરક્તિના શાસ્ત્ર વડે; દૃઢેન—મજબૂત; છિત્ત્વા—કાપીને; તત:—ત્યાર પછી; પદમ્—સ્થાન; તત્—તે; પરિમાર્ગિતવ્યમ્—વ્યક્તિએ શોધવું જોઈએ; યસ્મિન્—જ્યાં; ગતા:—ગયેલા; ન—નહીં; નિવર્તન્તિ—પાછા આવે છે; ભૂય:—પુન:; તમ્—તેમને; એવ—નિશ્ચિત; ચ—અને; આદ્યમ્—આદિ; પુરુષમ્—ભગવાન; પ્રપદ્યે—શરણમાં જાઉં છું; યત:—જેનાથી; પ્રવૃત્તિ:—પ્રવૃત્તિ; પ્રસૃતા—વિસ્તીર્ણ; પુરાણી—અતિ પુરાતન.
Translation
BG 15.3-4: આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.
Commentary
સંસારમાં અથવા જન્મ-મૃત્યુના ચક્રમાં નિમજ્જિત આત્મા આ અશ્વત્થ વૃક્ષની પ્રકૃતિને સમજવા માટે અસમર્થ હોય છે. તેમને વૃક્ષની કૂંપળો અતિ આકર્ષિત લાગે છે, અર્થાત્ તે ઇન્દ્રિય-જન્ય વિષયો પ્રત્યે લલચાઈ જાય છે અને તેમના માટેની કામનાઓ વિકસિત થાય છે. આ કામનાઓની પરિપૂર્તિ માટે તેઓ એ અનુભૂતિ વિના કઠોર પરિશ્રમ કરે છે કે તેમના પ્રયાસો વૃક્ષને કેવળ અધિક વિકસિત કરવા માટે પોષણ પૂરું પાડે છે. જયારે કામનાઓની પૂર્તિ થાય છે, ત્યારે તેઓ બમણી તીવ્રતા સાથે લોભના રૂપે પુન: ઉદ્ભવે છે. જયારે તેની પૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય છે, ત્યારે તે ક્રોધને ઉત્પન્ન કરે છે, જે બુદ્ધિને ભ્રમિત કરે છે અને અજ્ઞાનને ગહન બનાવે છે.
શ્રીકૃષ્ણ સમજાવે કે અશ્વત્થ વૃક્ષનો કોયડો કેવળ થોડા લોકો જ સમજી શકે છે. જીવાત્મા તો એ જ સમજે છે કે “હું રામપ્રસાદ, હરિપ્રસાદનો પુત્ર છું, વગેરે. હું આ રાષ્ટ્રના આ નગરમાં રહું છું. મારે મારા સુખોમાં અત્યાધિક વૃદ્ધિ કરવી છે. તેથી હું મારા શારીરિક તાદાત્મ્ય પ્રમાણે કર્મ કરું છું, પરંતુ સુખો મને દગો આપે છે અને હું વ્યથિત થઇ જાઉં છું.” વૃક્ષની પ્રકૃતિ તથા તેના આદિને સમજ્યા વિના જીવાત્મા વ્યર્થ કર્મો અને પ્રયાસોમાં સંલગ્ન રહે છે. પોતાની માયિક કામનાઓની સંતુષ્ટિ માટે મનુષ્ય ક્યારેક પાપાચાર કરે છે અને પરિણામે સંસારની નિમ્નતર યોનિ કે નિમ્ન લોકોમાં જાય છે. કેટલીક વાર, સાંસારિક સુખ પ્રત્યેનો ઝોક વૃક્ષના અમુક પર્ણો પ્રત્યે આકર્ષિત કરે છે, જે વેદોના કર્મકાંડ અને અનુષ્ઠાનો છે. આ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને મનુષ્ય ઊર્ધ્વગામી સ્વર્ગીય લોકમાં જાય છે અને જયારે પુણ્ય કર્મોનો ક્ષય થઇ જાય છે, ત્યારે પૃથ્વી પર પુન: પાછા ફરે છે. તેથી, ચૈતન્ય મહાપ્રભુ કહે છે:
કૃષ્ણ ભુલિ’ સેઇ જીવ અનાદિ-બહિર્મુખ
અતએવ માયા તારે દેય સંસાર-દુઃખ
કભુ સ્વર્ગે ઉઠાય, કભુ નરકે ડુબાય
દણ્ડ્ય-જને રાજા યેન નદીતે ચુબાય (ચૈતન્ય ચરિતામૃત, મધ્ય લીલા ૨૦.૧૧૭-૧૧૮)
“અનાદિ કાળથી જીવ ભગવાનને ભૂલી ગયો હોવાથી, માયિક શક્તિ તેને સાંસારિક દુઃખો ભોગવવા માટે વિવશ કરી રહી છે. ક્યારેક તે જીવાત્માને સ્વર્ગીય લોક સુધી લઇ જાય છે, તો ક્યારેક તેને નરક લોકમાં ફેંકી દે છે. આ અનુભવો પુરાતન સમયમાં રાજા દ્વારા અપાતા દંડ સમાન હોય છે.” યાતના સ્વરૂપે પ્રાચીન રાજાઓ વ્યક્તિના મસ્તકને જ્યાં સુધી તે ગૂંગળાઈ ન જાય ત્યાં સુધી પાણીમાં ડૂબાડી રાખતા અને પશ્ચાત્ તેને થોડાં ડચકાં ખાવા મુક્ત કરીને પુન: પાણીમાં ડૂબાડી દેતા.” જીવાત્માની પરિસ્થિતિ આવી જ હોય છે. તે સ્વર્ગમાં ક્ષણિક રાહત અનુભવે છે, પશ્ચાત્ પુન: તેને પૃથ્વી લોકમાં મોકલી દેવામાં આવે છે.
આ જ પ્રમાણે, અનંત જન્મો વીતી ચૂક્યા છે. જીવાત્માના માયિક સુખો માટેના સર્વ પ્રયાસો કેવળ ભૂમિ પર અધિક મૂળો પ્રસારીને વૃક્ષના વ્યાપ્તને ફેલાવવામાં જ પરિણમે છે. શ્રીકૃષ્ણ કહે છે કે વૈરાગ્ય એ આ વૃક્ષને કાપવાની કુહાડી છે. અસંગ શબ્દનો અર્થ છે અનાસક્તિ, જે જીવાત્માના અનંત દુ:ખોનો ઈલાજ છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રજ્વલિત થયેલી વાસનાઓને વિરક્તિની કુહાડી દ્વારા નષ્ટ કરવી જ પડે. આ કુહાડીનું સર્જન આત્મજ્ઞાન દ્વારા થવું જોઈએ: “હું શાશ્વત આધ્યાત્મિક તત્ત્વ છું તથા આ માયિક શરીર નથી. જે શાશ્વત દિવ્યાનંદની મને શોધ છે, તે કદાપિ માયિક પદાર્થોથી પ્રાપ્ત થઇ શકે એમ નથી. હું શરીર છું એમ માનીને જે માયિક કામનાઓને મેં સંગ્રહી છે, તે કેવળ મારા અસ્તિત્વને જન્મ અને મૃત્યુના ચક્રીય સંસારમાં જ સ્થિત રાખશે. આ દિશામાં કોઈ સંતુષ્ટિ કે વિશ્રાંતિ નથી.” જયારે વ્યકિતમાં વિરક્તિનો વિકાસ થાય છે, ત્યારે આ વૃક્ષનો વિકાસ અટકી જાય છે અને તે કરમાવા લાગે છે.
પશ્ચાત્ આપણે તે વૃક્ષના આધારની શોધ કરવી આવશ્યક છે કે, જે મૂળો પર સ્થિત છે તથા અન્ય સર્વની તુલનામાં સર્વશ્રેષ્ઠ છે. આ આધાર સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન છે. જે પ્રમાણે શ્રી કૃષ્ણે અગાઉ કહ્યું છે: “હું માયિક તથા આધ્યાત્મિક બંને સર્જનનો સ્રોત છું. સર્વ મારામાંથી ઉત્પન્ન થાય છે. જે વિદ્વાનો આ જાણે છે, તે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે મારી આરાધના કરે છે.” (શ્લોક સં. ૧૦.૮) આમ, વૃક્ષના મૂળ સ્રોતને શોધીને આપણે તેને આ શ્લોકમાં વર્ણન કર્યા પ્રમાણે નિશ્ચિત રૂપે સમર્પિત થવું જોઈએ: “હું તેને શરણાગત થાઉં છું, જેનામાંથી આ બ્રહ્માંડ લાંબા સમય પૂર્વે અસ્તિત્ત્વમાં આવ્યું છે.”
આ પ્રમાણે, જે વૃક્ષને સમજવું પૂર્વે અકળ અને કઠિન લાગતું હતું, તેને સમજી શકાય છે. શ્રી કૃષ્ણે પૂર્વે એમ પણ કહ્યું છે: “મારી દિવ્ય શક્તિ માયા કે જે પ્રકૃતિના ત્રણ ગુણોથી નિર્મિત છે, તેને પાર કરવી અત્યંત દુષ્કર છે. પરંતુ જેઓ મને શરણાગત થાય છે, તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે.” (શ્લોક સં. ૭.૧૪) તેથી, પૂર્ણ પુરુષોત્તમનું શરણ ગ્રહણ કરીને અશ્વત્થ વૃક્ષ નષ્ટ થઇ જશે. આપણે આ સંસારમાં પુન: પાછા આવવું પડશે નહીં અને મૃત્યુ પશ્ચાત્ આપણે ભગવાનના દિવ્ય ધામમાં જઈશું.”
આગળના શ્લોકમાં શ્રીકૃષ્ણએ શરણાગતિની પ્રક્રિયામાં સમાવિષ્ટ આવશ્યકતાઓ પ્રગટ કરી છે.