Bhagavad Gita: Chapter 16, Verse 13-15

ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥ ૧૩॥
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥ ૧૪॥
આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ॥ ૧૫॥

ઈદમ્—આ; અદ્ય—આજે; મયા—મારા દ્વારા; લબ્ધમ્—પ્રાપ્ય; ઈમમ્—આ; પ્રાપ્સ્યે—પ્રાપ્ત કરીશ; મન:-રથમ્—મનોરથ; ઈદમ્—આ; અસ્તિ—છે; ઈદમ્—આ; અપિ—પણ; મે—મારું; ભવિષ્યતિ—ભવિષ્યમાં; પુન:—ફરીથી; ધનમ્—ધન; અસૌ—તે; મયા—મારા દ્વારા; હત:—નાશ થયો; શત્રુ:—શત્રુ; હનિષ્યે—હું હણીશ; ચ—અને; અપરાન્—અન્યનું; અપિ—પણ; ઈશ્વર:—ભગવાન; અહમ્—હું; અહમ્—હું; ભોગી—ભોક્તા; સિદ્ધ:—સિદ્ધ; અહમ્—હું; બલ-વાન્—શક્તિશાળી; સુખી—સુખી; આઢય:—ધનાઢય; અભિજન-વાન્—ઉચ્ચ પદે બિરાજેલા સંબંધીઓ ધરાવતા; અસ્મિ—હું છું; ક:—કોણ; અન્ય:—અન્ય; અસ્તિ—છે; સદૃશ:—સમાન; મયા—મારાથી; યક્ષ્યે—હું યજ્ઞ કરીશ; દાસ્યામિ—હું દાન આપીશ; મોદિષ્યે—મોજ કરીશ; ઈતિ—આ રીતે; અજ્ઞાન—અજ્ઞાન; વિમોહિતા:—મોહગ્રસ્ત.

Translation

BG 16.13-15: આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.

Commentary

સર્વ નૈતિકતાની ઉપેક્ષા કરીને આસુરી વ્યક્તિ ધારણા કરે છે કે તેમને જે કંઈ સુખકારક લાગે તેને માણવાનો તેમને અધિકાર છે. તેમની મહત્ત્વાકાંક્ષાઓની પરિપૂર્તિ માટે તેઓ કાર્યક્રમોના આયોજન કરવા નક્કર પ્રયત્નો કરે છે. વેદોના કર્મકાંડી અનુષ્ઠાનો તેમને સાંસારિક દૃષ્ટિએ ધનાઢય બનવામાં સહાયક થશે, એ જાણીને તેઓ વિપુલ સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માટે કર્મકાંડ અને વિધિઓ પણ કરાવે છે. પરંતુ, જેમ ગીધ ગમે તેટલું ઊંચે ઉડે પરંતુ તેની દૃષ્ટિ તો નીચે જ સ્થિર થયેલી હોય છે એ પ્રમાણે ક્યારેક આસુરી વ્યક્તિની સામાજિક દરજ્જાની દૃષ્ટિએ પ્રગતિ થાય છે, પરંતુ તેમનાં કર્મો સંકુચિત અને નિકૃષ્ટ રહે છે. આવા લોકો સત્તાનો આદર કરે છે અને “બળ જ ઉચિત છે.” એમ માને છે. તેથી, તેમની કામનાઓની પૂર્તિમાં આવતા અંતરાયો દૂર કરવા માટે તેઓ અન્યને હાનિ પહોંચાડવામાં કે ઈજા કરવામાં પણ અચકાતા નથી. સૂક્તિ સુધાકરમાં વર્ણન છે કે, ચાર પ્રકારનાં લોકો હોય છે:

એકે સત્પુરુષાઃ પરાર્થઘટકાઃ સ્વાર્થાન્ પરિત્યજ્ય યે

સામાન્યાસ્તુ પરાર્થમુદ્યમભૃતઃ સ્વાર્થા વિરોધેન યે

તેઽમી માનવ રાક્ષસાઃ પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે

યે તુઘ્નન્તિ નિરર્થકં પરહિતં તે કે ન જાનીમહે

“પ્રથમ પ્રકારના લોકો સંત વિભૂતિઓ હોય છે, જેઓ અન્યના કલ્યાણ માટે તેમના સ્વ-હિતનો પરિત્યાગ કરે છે. દ્વિતીય પ્રકારના લોકો જનસાધારણ છે, જે લોકો અન્યના કલ્યાણમાં ફાળો આપવામાં વિશ્વાસ ધરાવે છે, કેવળ તેમને કોઈ નુકસાન થવું જોઈએ નહિ. તૃતીય પ્રકારમાં આસુરી લોકો છે, જેમને જો તેમના સ્વાર્થની પરિપૂર્તિ થતી હોય તો અન્યને નુકસાન કરવામાં કોઈ વાંધો હોતો નથી. ચતુર્થ પ્રકારના લોકો પણ છે, જેઓ કોઈપણ કારણ વિના (સિવાય કે પરપીડન સુખ) લોકોને નુકસાન કરે છે. તેમના માટે કોઈ ઉચિત વિશેષણ નથી.” શ્રીકૃષ્ણ તાદૃશ્ય રીતે આસુરી મનોવૃત્તિ ધરાવતા લોકોની પતિત પ્રકૃતિનું વર્ણન કરે છે. મદાંધ થઈને તેઓ એમ માને છે : “હું ધનાઢય અને ઉમરાવ પરિવારમાં જન્મ્યો છું. હું ધનવાન અને બળવાન છું અને હું એ જ કરીશ, જે મને પ્રિય છે. મારે ભગવાન સમક્ષ નમન કરવાની કોઈ આવશ્યકતા નથી કારણ કે, હું ખુદ ભગવાન સમાન છું.”

અધિકાંશ સમયે લોકો જયારે ‘હું’ કહે છે, ત્યારે તેઓ નહીં, પરંતુ તેમનો અહમ્ બોલતો હોય છે. અહંકારમાં વ્યક્તિગત તાદાત્મ્યની સાથે મત, બાહ્ય દેખાવ, આક્રોશ, વગેરે સમાવિષ્ટ હોય છે. આ અહમ્ તેના પોતાના વ્યક્તિત્ત્વનું નિર્માણ કરે છે અને તેના પ્રભાવમાં, લોકો વિચારો, ભાવનાઓ, તથા સંસ્મરણોના પોટલાં સાથે તાદાત્મ્ય સાધી લે છે, જેને તેઓ તેમના અભિન્ન ભાગરૂપે જોવે છે. અહમ્ માલિકી સાથે તાદાત્મ્ય કરે છે, પરંતુ ‘હોવાની’ સંતુષ્ટિ અલ્પજીવી હોય છે. તેની સાથે  “પર્યાપ્ત નથી”ની અતૃપ્તિના ઊંડા મૂળિયાં ગુપ્ત રીતે સંતાયેલા હોય છે. આ અપૂર્ણ કામનાઓ વિહ્વળતા, અજંપો, કંટાળો, ચિંતા અને અતૃપ્તિમાં પરિણમે છે. પરિણામ સ્વરૂપે, વાસ્તવિકતાના અતિ વિકૃત બોધનું નિર્માણ થાય છે, જે તેમના ‘હું’ના બોધ અને તેમના વાસ્તવિક ‘સ્વ’ની ઓળખ વચ્ચેના અંતરમાં વૃદ્ધિ કરે છે.

આપણા જીવનમાં અહમ્ મહાનતમ અસત્યનું સર્જન કરે છે અને આપણે જે નથી, તે જ માનવા પ્રેરિત કરે છે. આથી, સત્માર્ગ પરની પ્રગતિ માટે સર્વ ધાર્મિક પ્રણાલીઓ તથા સંતો આપણી અહંકારી વિચારધારાને નષ્ટ કરવા વિનંતી કરે છે. તાઓ તે ચીંગ  શિક્ષા આપે છે: “પર્વત બનવાના પ્રયાસો કરવાના બદલે બ્રહ્માંડની ખીણ બનો.”  (પ્રકરણ ૬) જીસસ ઓફ નાઝેરાથે  પણ કહ્યું છે: “જયારે તમે આમંત્રિત હો, ત્યારે જઈને નિમ્નતમ સ્થાને બેસો કે જેથી જયારે યજમાન આવે ત્યારે તમને કહે, મિત્ર, ઉપર બેસ. પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.” (લૂકઃ 14:10-11).

સંત કબીરે આ વિષયમાં ખૂબ અર્થપૂર્ણ વાત કહી છે:

ઊઁચે પાની ન ટિકે, નીચે હી ઠહરાયે

નીચા હોય સો ભરિ પી, ઊઁચા પ્યાસા જાય

“પાણી ઊંચાઈ પર ટકતું નથી, તે પ્રાકૃતિક રીતે નીચેની તરફ વહે છે. જેઓ દીન અને નમ્ર છે, તેઓ તેમનું મન ભરીને (ભગવદ્દ-કૃપાનું) પાન  કરે છે, જયારે જે લોકો ઉદ્ધત અને આડંબરી હોય છે, તેઓ તરસ્યા રહે છે.”