Bhagavad Gita: Chapter 16, Verse 5

દૈવી સમ્પદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા ।
મા શુચઃ સમ્પદં દૈવીમભિજાતોઽસિ પાણ્ડવ ॥ ૫॥

દૈવી—દિવ્ય; સમ્પત્—ગુણો; વિમોક્ષાય—મોક્ષ તરફ; નિબન્ધાય—બંધન  માટે; આસુરી—આસુરી ગુણો; મતા—મનાય છે; મા—નહીં; શુચ:—શોક; સમ્પદમ્—ગુણો; દૈવીમ્—સંતત્ત્વ; અભિજાત:—જન્મ; અસિ—તું છે; પાણ્ડવ—અર્જુન, પાંડુપુત્ર.

Translation

BG 16.5: દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનાં નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે.

Commentary

બંને પ્રકારની પ્રકૃતિઓનું વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તે બંનેનાં પરિણામો જણાવે છે. તેઓ કહે છે કે આસુરી સંપદા વ્યક્તિને જન્મ અને મૃત્યુની સાંકળમાં બાંધી રાખે છે, જયારે દિવ્ય ગુણોનું સંવર્ધન વ્યક્તિને માયાના બંધનને તોડવામાં સહાયક થાય છે.

આધ્યાત્મિક માર્ગ પર ચાલવા  માટે તેમજ તેને અંત સુધી વળગી રહેવા માટે સાધકે ઘણી બાબતોની સાવધાની રાખવાની આવશ્યકતા છે. અહંકાર, દંભ વગેરેમાંથી એક પણ આસુરી ગુણ વ્યક્તિત્ત્વમાં હોય, તો તે નિષ્ફળતાનું કારણ બની શકે છે. સાથે-સાથે, દિવ્ય ગુણોનો વિકાસ કરવો પણ આવશ્યક છે, કારણ કે દિવ્ય ગુણો વિના આપણી આધ્યાત્મિક પ્રગતિ પુન: પાંગળી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, દૃઢતાના અભાવથી જયારે યાત્રા કઠિન બનશે ત્યારે આપણે તેને અધવચ્ચે છોડી દઈશું; ક્ષમાના અભાવથી મન ઘૃણા સાથે બંધાયેલું રહેશે અને તેનામાં ભગવાનમાં તલ્લીન થવાની ક્ષમતા રહેશે નહીં. પરંતુ, જો આપણે શ્રીકૃષ્ણ દર્શાવે છે તે દિવ્ય ગુણો ધરાવતાં હોઈશું તો આપણી પ્રગતિની ઝડપ અને માર્ગમાં આવતાં વિઘ્નોનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે, સદ્દગુણોનો વિકાસ અને દુર્ગુણોને દૂર કરવા એ આધ્યાત્મિક સાધનાનો અભિન્ન ભાગ છે. એક અંગત રોજનીશીની જાળવણી આપણી ક્ષતિઓ દૂર કરવા અને ગુણોનો વિકાસ કરવા માટેની ઉપયોગી તકનિક છે. ઘણા સફળ લોકોએ સફળતા માટે તેમને આવશ્યક લાગતા ગુણોના વિકાસ માટે સહાયક તરીકે સંસ્મરણ લેખ અને રોજનીશી રાખી હતી. મહાત્મા ગાંધી અને બેન્જામીન ફ્રેન્કલિન બંનેએ તેમની આત્મકથામાં આવી તકનિકોના ઉપયોગ કરવા અંગે ઉલ્લેખ કર્યો છે.

કેટલાક લોકો એવો તર્ક પણ કરી શકે કે જો આપણામાં ભગવદ્દ-ભક્તિનો વિકાસ થશે તો સ્વાભાવિક રીતે, સમય જતાં, આપણે પણ શ્રીકૃષ્ણ દર્શાવે છે તેવા દિવ્ય ગુણો પ્રાપ્ત કરીશું. તે સત્ય છે, પરંતુ એ સંભાવના ઘણી ઓછી છે કે ભક્તિની પ્રગતિમાં નાટ્યાત્મક રીતે અવરોધ ઉત્પન્ન કરી શકે એવા સર્વ નકારાત્મક લક્ષણોથી મુક્ત થઈને આપણે પૂર્ણ ભક્તિ સાથે પ્રારંભ કરી શકીશું. અધિકાંશ લોકો માટે સાધના દ્વારા ભક્તિમાં મંદ ગતિએ વિકાસ કરવો આવશ્યક છે અને સાધનામાં સફળતા દિવ્ય ગુણોના વિકાસ અને આસુરી ગુણોને દૂર કરવાથી પ્રાપ્ત થશે. તેથી, ભક્તિ માટેના પ્રયાસોના ભાગરૂપે, શ્રીકૃષ્ણે આ અધ્યાયમાં વર્ણવેલા દિવ્ય ગુણોનો નિશ્ચિતપણે વિકાસ કરવા માટે અને આસુરી ગુણોને નષ્ટ કરવા માટે આપણે સ્વયંમાં પણ પરિવર્તન લાવવું પડશે.