એતાં દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોઽલ્પબુદ્ધયઃ ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતોઽહિતાઃ ॥ ૯॥
એતામ્—એવા; દૃષ્ટિમ્—દૃષ્ટિને; અવષ્ટભ્ય—સ્વીકારીને; નષ્ટ—દિશાભ્રષ્ટ; આત્માન:—આત્માઓ; અલ્પ-બુદ્ધય:—અલ્પ બુદ્ધિ; પ્રભવન્તિ—ઉદય; ઉગ્ર—ક્રૂર; કર્માણ:—ક્રિયાઓ; ક્ષયાય—વિનાશ; જગત:—જગતના; અહિતા:—શત્રુઓ.
Translation
BG 16.9: આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા, આ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે.
Commentary
આત્મજ્ઞાનથી વંચિત, આસુરી મનોવૃત્તિ ધરાવતા લોકો તેમની અશુદ્ધ બુદ્ધિ દ્વારા સત્યના વિકૃત દૃષ્ટિકોણનું નિર્માણ કરે છે. ભારતીય તત્ત્વદર્શનના ભૌતિકવાદના સુપ્રસિદ્ધ તત્ત્વજ્ઞાની ચારવાકનો સિદ્ધાંત આનું દૃષ્ટાંત છે. તેમણે કહ્યું:
યાવજ્જીવેત સુખં જીવેત્, ઋણં કૃત્વા ઘૃતં પિવેત્
ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ
“જ્યાં સુધી જીવો, આનંદ કરો. જો ઘી પીવામાં સુખ મળતું હોય તો દેવું કરીને પણ ઘી પીવો. જયારે શરીર ભસ્મ થઈ જશે, પશ્ચાત્ તમારું અસ્તિત્ત્વ સમાપ્ત થઈ જશે અને તમારું આ જગતમાં પુનરાગમન થશે નહીં (તેથી તમારા કાર્યોના કોઈ કાર્મિક પરિણામોની ચિંતા કરશો નહીં.)”
આ વિચારશૈલીને કારણે, આસુરી મનોવૃત્તિ ધરાવતા લોકો આત્માની શાશ્વતતા તેમજ કાર્મિક પ્રતિક્રિયાઓની સંભાવનાનો અસ્વીકાર કરે છે કે જેથી તેઓ કોઈપણ સંશય વિના સ્વ-સેવન અને ક્રૂર કાર્યોમાં લિપ્ત રહી શકે. જો તેમને અન્ય મનુષ્યો પર સત્તા પ્રાપ્ત થાય તો તેઓ તેમના ગેરમાર્ગીય દૃષ્ટિકોણને તેમના પર પણ લાદશે. તેમને તેમના સ્વ-કેન્દ્રિત ધ્યેયોને આક્રમક રીતે વળગી રહેવામાં કોઈ સંકોચ થતો નથી, પછી ભલે તે અન્ય માટે શોકમાં કે વિશ્વના વિનાશમાં પરિણમે. માનવજાતિ ઈતિહાસમાં, હિટલર, મુસોલીની, સ્ટાલિન વગેરે જેવા અહંકારોન્માદી સરમુખત્યારોની અનેક વાર સાક્ષી રહી ચૂકી છે, જેઓ તેમનાં સત્ય અંગેના વિકારગ્રસ્ત દૃષ્ટિબિંદુથી પ્રેરિત હતા અને જગતમાં અકથનીય દુઃખો અને વિનાશને નોતર્યા હતા.