તાનહં દ્વિષતઃ ક્રૂરાન્સંસારેષુ નરાધમાન્ ।
ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ ॥ ૧૯॥
આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ॥ ૨૦॥
તાન્—આ; અહમ્—હું; દ્વિષત:—દ્વેષપૂર્ણ; ક્રૂરાન્—ક્રૂર; સંસારેષુ—માયિક જગતમાં; નર-અધમાન્—અધમ અને દુષ્ટ માનવો; ક્ષિપામિ—હું ફેંકુ છું; અજસ્રમ્—પુન:પુન:; અશુભાન્—અમાંગલિક; આસુરીષુ—આસુરી; એવ—ખરેખર; યોનિષુ—યોનીઓમાં; આસુરીમ્—આસુરી; યોનિમ્—યોનિ; આપન્ના:—પ્રાપ્ત કરેલા; મૂઢા:—અજ્ઞાની; જન્મનિ જન્મનિ—જન્મજન્માંતર; મામ્—મને; અપ્રાપ્ય—પામ્યા વિના; એવ—પણ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; તત:—પશ્ચાત્; યાન્તિ—જાય છે; અધમાન્—અધમ; ગતિમ્—ગતિ.
Translation
BG 16.19-20: આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને, હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુન: પુન: આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો, ધીમે ધીમે અસ્તિત્ત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે.
Commentary
ફરી એકવાર શ્રીકૃષ્ણ આસુરી મનોવૃત્તિના પ્રત્યાઘાતો અંગેનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે તેમના આગામી જન્મમાં તેઓ તેમને સમાન મનોવૃત્તિ ધરાવતા પરિવારમાં જન્મ આપે છે, જ્યાં તેમને સ્વતંત્ર ઈચ્છાનો અભ્યાસ કરવા માટે અનુકૂળ આસુરી વાતાવરણ પ્રાપ્ત થાય અને તેમની પતિત પ્રકૃતિને હૃદયપૂર્વક અભિવ્યક્ત કરી શકે. આ શ્લોકથી આપણે પણ અનુમાન કરી શકીએ છીએ કે પોતાના આગામી જન્મ માટે જાતિ, લોક અને વાતાવરણની પસંદગી કરવી એ જીવાત્માના હસ્તક હોતું નથી. વ્યક્તિની પ્રકૃતિ તથા કર્મને અનુસાર ભગવાન આ અંગે નિર્ણય લે છે. આ પ્રમાણે, આસુરી લોકોને સર્પ, ગરોળી અને વીંછી જેવી નિમ્નતર અને પતિત યોનિઓમાં મોકલવામાં આવે છે, કે જેઓ દુષ્ટ-માનસના અધિષ્ઠાન છે.