Bhagavad Gita: Chapter 16, Verse 6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેઽસ્મિન્દૈવ આસુર એવ ચ ।
દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ ॥ ૬॥

દ્વૌ—બે; ભૂત-સર્ગૌ—જીવોના સર્જનો; લોકે—જગતમાં; અસ્મિન્—આ; દૈવ:—દિવ્ય; આસુર:—આસુરી; એવ—નિશ્ચિત; ચ—અને; દૈવ:—દિવ્ય; વિસ્તરશ:—વિસ્તારથી; પ્રોક્ત:—કહેવાયો; આસુરમ્—આસુરી; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; મે—મારાથી; શ્રુણુ—સાંભળ.

Translation

BG 16.6: આ જગતમાં બે પ્રકારના જીવો છે—એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર.

Commentary

સર્વ આત્માઓ તેમના પૂર્વ જન્મોથી તેમની પ્રકૃતિઓ સાથે રાખે છે. તદ્દનુસાર, જે લોકો પૂર્વ જન્મોનાં સંવર્ધિત સદ્દગુણો તથા પુણ્યશાળી કર્મો ધરાવે છે, તેઓ દૈવી પ્રકૃતિ સાથે જન્મે છે, જયારે જે લોકો પૂર્વ જન્મોમાં પાપાચારમાં લિપ્ત રહ્યા હતા અને તેમના મનને મલિન કર્યું હતું તેઓ એ જ વૃત્તિઓ આ જન્મમાં સાથે લાવે છે. આ બાબત જગતનાં જીવોમાં રહેલા પ્રકૃતિના વૈવિધ્ય અંગે સ્પષ્ટતા કરે છે. દૈવી તથા આસુરી પ્રકૃતિઓ આ ક્ષેત્રની આત્યંતિક ચરમસીમાઓ છે.

સ્વર્ગીય લોકના જીવો અધિક સદ્ગુણી હોય છે જયારે નિમ્નતર લોકોમાં આસુરી લક્ષણોનો પ્રભાવ અધિક હોય છે. મનુષ્યો દૈવી અને આસુરી બંને પ્રકારનાં લક્ષણોનું મિશ્રણ ધરાવે છે. ક્યારેક અત્યંત ક્રૂર કસાઈના અંગત જીવનમાં આપણને દયાના ગુણો જોવા મળે છે તથા ઉન્નત આધ્યાત્મિક સાધકમાં પણ સદ્ગુણની ખોટ વર્તાય છે. એવું કહેવાય છે કે, સત્યયુગમાં ભગવાન તથા અસુરો અલગ લોકમાં અસ્તિત્ત્વ ધરાવતા હતા; ત્રેતાયુગમાં તેઓ સમાન લોકમાં નિવાસ કરતા હતા; દ્વાપરયુગમાં તેઓ સમાન પરિવારમાં વસતા હતા; તથા કળિયુગમાં દૈવી અને આસુરી પ્રકૃતિ એક જ મનુષ્યના અંત:કરણમાં સહ-વાસ કરે છે. મનુષ્યના અસ્તિત્ત્વનું આ ધર્મસંકટ છે, જ્યાં ઉચ્ચતર ‘સ્વ’ તેને ઊર્ધ્વ દિશામાં ભગવાન તરફ ખેંચે છે અને નિમ્નતર ‘સ્વ’ તેને અધ: દિશામાં ખેંચે છે. દૈવી ગુણોનું વર્ણન કરીને, શ્રીકૃષ્ણ હવે નિમ્નતર પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન કરી રહ્યા છે કે જેથી આપણે તેને ઓળખી શકીએ અને તેનો પરિહાર કરી શકીએ.