Bhagavad Gita: Chapter 16, Verse 4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ ।
અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સમ્પદમાસુરીમ્ ॥ ૪॥

દમ્ભ:—પાખંડ; દર્પ:—અહંકાર; અભિમાન:—ઘમંડ; ચ—અને; ક્રોધ:—ક્રોધ; પારુષ્યમ્—કઠોરતા; એવ—નિશ્ચિત; ચ—અને; અજ્ઞાનમ્—અજ્ઞાન; ચ—અને; અભિજાતસ્ય—જે ધારણ કરે છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; સમ્પદમ્—ગુણો, આસુરીમ્—આસુરી.

Translation

BG 16.4: હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન—આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોનાં લક્ષણો છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના છ લક્ષણો અંગે વિસ્તૃત વર્ણન કરે છે. તેઓ દંભી હોય છે, અર્થાત્ તેઓ અન્યને પ્રભાવિત કરવા માટે બાહ્ય દૃષ્ટિએ સદ્દગુણી વ્યવહારનો  ઢોંગ કરે છે જે તેમના આંતરિક લક્ષણો સાથે કોઈ મેળ ધરાવતો નથી. તેને કારણે બનાવટી જેકિલ એન્ડ હાઈડ  જેવું વ્યક્તિત્ત્વ પેદા થાય છે, જે આંતરિક રીતે અશુદ્ધ હોય છે પરંતુ તેનો બાહ્ય દેખાવ પવિત્ર હોય છે.

આસુરી પ્રકૃતિના લોકો અહંકારી હોય છે અને તેમનો અન્ય સાથેનો વ્યવહાર અપમાનજનક હોય છે. તેઓ સંપત્તિ, શિક્ષણ, સૌન્દર્ય, હોદ્દો જેવા તેમનાં શારીરિક સ્વામિત્વ તથા પદ-પ્રતિષ્ઠા માટે અભિમાન અને ઘમંડ ધરાવે છે. જયારે તેમની વાસનાઓ અને લોલુપતાઓ હતાશ થાય છે, ત્યારે મન પરના નિયંત્રણના અભાવે તેઓ ક્રોધિત થઈ જાય છે. તેઓ ક્રૂર અને કઠોર હોય છે તેમજ તેમના અન્ય સાથેના આંતર-વ્યવહારમાં અન્યના કષ્ટો પરત્વે સંવેદનશીલતાથી રહિત હોય છે. તેઓને આધ્યાત્મિક સિદ્ધાંતોનું કોઈ જ્ઞાન હોતું નથી તથા તેઓ અધર્મને ધર્મ તરીકે ખપાવે છે.