Bhagavad Gita: Chapter 5, Verse 8-9

નૈવ કિઞ્ચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ ।
પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપઞ્શ્વસન્ ॥૮॥
પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ॥૯॥

ન—કદી નહીં; એવ—નિશ્ચત; કિઞ્ચિત્—કંઈ પણ; કરોમિ—કરું છું; ઇતિ—એમ; યુક્ત:—કર્મયોગમાં સ્થિર; મન્યેત—માને છે; તત્ત્વ-વિત્—સત્યને જાણનાર; પશ્યન્—જોતા; શ્રુણ્વન્—સાંભળતાં; સ્પૃશન્—સ્પર્શ કરતા; જિઘ્રન્—સૂંઘતાં; અશ્નન્—ખાતા; ગચ્છન્—જતાં; સ્વપન્—સ્વપ્ન જોતાં; શ્વસન્—શ્વાસ લેતાં; પ્રલપન્—બોલતાં; વિસૃજન્—ત્યાગ  કરતાં; ગૃહ્નન્—ગ્રહણ કરતાં; ઉન્મિષન્—(આંખો) ખોલતાં; નિમિષન્—(આંખો) બંધ  કરતાં; અપિ—છતાં; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિયના વિષયમાં; વર્તન્તે—ક્રિયાશીલ; ઇતિ—એ રીતે; ધારયન્—માનતાં.

Translation

BG 5.8-9: જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ભ્રમણ કરતાં, સૂતાં, શ્વાસ લેતાં, બોલતાં, વિસર્જન કરતાં, ગ્રહણ કરતાં તથા નેત્રોને બંધ કરતાં અને ખોલતાં સદા માને છે કે, “હું કર્તા નથી”. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે, જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે.

Commentary

જયારે જયારે આપણે કોઈ નોંધપાત્ર કાર્ય સંપન્ન કરીએ છીએ ત્યારે એવો ગર્વ અનુભવીએ છીએ કે આપણે કંઇક મહાન કાર્ય કર્યું છે. પોતાના કાર્યો માટેનાં કર્તા તરીકેનો અહંકાર માયિક ચેતનાથી ઉપર ઊઠવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. આમ છતાં, ભગવદ્-ચેતના યુક્ત કર્મયોગી આ અવરોધને સરળતાથી પાર કરી લે છે. વિશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ સ્વયંને શરીરથી પૃથક્ માને છે, અને તેથી તેઓ તેમનાં શારીરિક કાર્યોનું શ્રેય પોતાને આપતાં નથી. શરીરનું નિર્માણ ભગવાનની માયા શક્તિથી થયું હોય છે અને આમ તેઓ તેમના પ્રત્યેક કાર્યનો શ્રેય ભગવાનની શક્તિને આપે છે. તેઓ ભગવદ્-ઈચ્છાને શરણાગત હોવાથી તેમના મન અને બુદ્ધિને પ્રેરિત કરવા ભગવાનની દિવ્ય ઈચ્છા પર આધાર રાખે છે. આમ, તેઓ એ જ્ઞાનમાં સ્થિત હોય છે કે ભગવાન સર્વ કાર્યોના કર્તા છે.

વશિષ્ઠ મુનિએ રામને ઉપદેશ આપ્યો:

કર્તા બહિર્કર્તાન્તર્લોકે વિહર રાઘવ (યોગ વાસિષ્ઠ)

“હે રામ! બાહ્ય રીતે ખંતપૂર્વક કાર્યોમાં પરોવાયેલા રહો પરંતુ આંતરિક રીતે સ્વયંને અકર્તા તરીકે અને ભગવાનને તમારી સર્વ પ્રવૃત્તિઓના પ્રધાન કર્તા તરીકે જોવાની સાધના કરો.” આવી દિવ્ય-ચેતનામાં સ્થિત કર્મયોગી સ્વયંને કેવળ ભગવાનના હસ્તક રહેલા સાધન તરીકે જોવે છે. શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં આવી દિવ્ય ચેતના સાથે કરેલ કાર્યોના પરિણામનું વર્ણન કરે છે.