અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ ।
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ॥ ૧૦॥
અપર્યાપ્તમ્—અમર્યાદિત, તત્—તે, અસ્માકમ્—આપણું, બલમ્—બળ, ભીષ્મ—ભીષ્મ પિતામહ દ્વારા, અભિરક્ષિતમ્—પૂર્ણપણે સુરક્ષિત,પર્યાપ્તમ્—માર્યાદિત, તુ—પરંતુ, ઈદમ્—આ, એતેષામ્—તેમનું, બલમ્—બળ, ભીમ—ભીમ, અભિરક્ષિતમ્—સારી રીતે સુરક્ષિત.
Translation
BG 1.10: આપણું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જયારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે.
Commentary
દુર્યોધનના આ આત્મશ્લાઘાથી યુક્ત શબ્દો લાક્ષણિક રીતે મિથ્યાભિમાનીઓના ઉચ્ચારણો જેવા હતા. જયારે તેમનો અંત સમીપ દેખાય છે, ત્યારે પરિસ્થિતિનું નમ્રભાવે મૂલ્યાંકન કરવાના બદલે આત્મશ્લાઘી માણસો અહંકારયુક્ત થઈને નિરર્થક આત્માપ્રશંસામાં રત રહે છે. પોતાના ભવિષ્ય પ્રત્યેની કરુણાજનક વક્રોક્તિ દુર્યોધનના કથનમાં ત્યારે પ્રતિબિંબિત થઈ, જયારે તેણે કહ્યું કે ભીષ્મ દ્વારા સંરક્ષિત તેમની શક્તિ અસીમિત હતી.
ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના પ્રધાન સેનાપતિ હતાં. તેમને પોતાના મૃત્યુનો સમય નિશ્ચિત કરવાનું વરદાન પ્રાપ્ત હતું, જેણે વાસ્તવમાં તેમને અજેય કરી દીધા હતા. પાંડવોના પક્ષે, તેમની સેના ભીમ દ્વારા સંરક્ષિત હતી, જે દુર્યોધનનો જન્મજાત શત્રુ હતો. આમ, દુર્યોધન ભીષ્મની તાકાત સાથે ભીમના બળની તુલના કરતો હતો. જો કે, ભીષ્મ કૌરવો અને પાંડવો બંનેનાં પિતામહ હતા અને તેઓ વાસ્તવમાં બંને પક્ષનું કલ્યાણ ઈચ્છતા હતા. તેમનો પાંડવો પ્રત્યેનો કરુણાભાવ તેમને તન્મયતાથી યુદ્ધ કરવાથી રોકી શકે એમ હતું. તેઓ એ પણ જાણતા હતા કે આ પવિત્ર યુદ્ધમાં, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે, ત્યાં પૃથ્વી પરની કોઈપણ શક્તિ અધર્મના પક્ષને વિજય નહિ અપાવી શકે. અને તેથી, પોતાના હસ્તિનાપુર અને કૌરવો પ્રત્યેના નૈતિક ઉત્તરદાયિત્વનું પાલન કરવા તેમણે પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરવાનું પસંદ કર્યું. આ નિર્ણય ભીષ્મ પિતામહના વ્યક્તિત્વના ગૂઢ લક્ષણને રેખાંકિત કરે છે.