એક જ વંશના બે પરિવારનાં પિતરાઈ ભાઈઓ, કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉંબરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાકટ્ય થયું. આ પુસ્તકની પ્રસ્તાવનાનાં “ભગવદ્ ગીતાની પૂર્વભૂમિકા” વિભાગની અંતર્ગત એ સર્વે ઘટનાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેને કારણે આ મહાયુદ્ધ થયું.
ભગવદ્ ગીતાનું પ્રગટીકરણ રાજા ધૃતરાષ્ટ્ર અને તેના મંત્રી સંજય વચ્ચેના સંવાદના રૂપે આરંભ થાય છે. ધૃતરાષ્ટ્ર નેત્રહીન હોવાના કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી શક્યા ન હતા. અત: સંજય તેમને રણભૂમિ પર બની રહેલી ઘટનાઓનું તાજું વિવરણ આપી રહ્યા હતા. સંજય, મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિંદુ ગ્રંથોનાં પ્રખ્યાત લેખક વેદ વ્યાસ ઋષિના શિષ્ય હતા. વેદ વ્યાસજી એવી રહસ્યમય શક્તિઓથી સંપન્ન હતા કે દૂર-દૂરના સ્થળો પર બનતી ઘટનાઓ પ્રત્યક્ષ રૂપે જોઈ શકવા સમર્થ હતા. તેમના ગુરુની કૃપાથી સંજયે પણ એ દૂરદર્શનનું ગૂઢ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. આ રીતે તેઓ દૂરથી જ યુદ્ધક્ષેત્રમાં ઘટતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં, ધૃતરાષ્ટ્ર સમક્ષ આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા.
Bhagavad Gita 1.1 View commentary »
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?
Bhagavad Gita 1.2 View commentary »
સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.
Bhagavad Gita 1.3 View commentary »
દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.
Bhagavad Gita 1.4 – 1.6 View commentary »
પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા, પુરુજિત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિતરૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે.
Bhagavad Gita 1.7 View commentary »
હે દ્વિજશ્રેષ્ઠ, આપણી સેનાના નાયકો વિષે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિષે હવે હું તમને વિગતવાર કહું છું.
Bhagavad Gita 1.8 View commentary »
આ સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે, કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે.
Bhagavad Gita 1.9 View commentary »
આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધવિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે.
Bhagavad Gita 1.10 View commentary »
આપણું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જયારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે.
Bhagavad Gita 1.11 View commentary »
આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે, આપ સૌ પોતપોતાના મોરચાનાં સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો.
Bhagavad Gita 1.12 View commentary »
તત્પશ્ચાત્ કુરુવંશના મહાપ્રતાપી વયોવૃધ્ધ વડીલ ભીષ્મ પિતામહે, સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.
Bhagavad Gita 1.13 View commentary »
તત્પશ્ચાત્ શંખ, નગારાં, શ્રુંગ, તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યાં, જેનો સંયુક્ત વાદ્યઘોષ અત્યંત ઘોંઘાટભર્યો હતો.
Bhagavad Gita 1.14 View commentary »
તત્પશ્ચાત્ પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા.
Bhagavad Gita 1.15 View commentary »
ભગવાન હૃષીકેશે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુષી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પૌણ્ડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો.
Bhagavad Gita 1.16 – 1.18 View commentary »
હે રાજા, યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો; જયારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો, તથા અન્ય જેમકે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા.
Bhagavad Gita 1.19 View commentary »
હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોનાં હૃદય વિદીર્ણ થઈ ગયા.
Bhagavad Gita 1.20 View commentary »
તે સમયે, હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો. હે રાજન! આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યાં.
Bhagavad Gita 1.21 – 1.22 View commentary »
અર્જુને કહ્યું, હે અચ્યુત! કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહા શસ્ત્રસંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે, તેમને જોઈ શકું.
Bhagavad Gita 1.23 View commentary »
હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે, જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે.
Bhagavad Gita 1.24 View commentary »
સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો.
Bhagavad Gita 1.25 View commentary »
ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણે કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો.
Bhagavad Gita 1.26 View commentary »
બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિત્રાઈ ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.
Bhagavad Gita 1.27 View commentary »
પોતાના સર્વ સગાંસંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન, કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો.
Bhagavad Gita 1.28 View commentary »
અર્જુને કહ્યું: હે કૃષ્ણ! યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારાં સ્વજનોને જોઈને મારા અંગો ધ્રૂજી રહ્યાં છે અને મોઢું સુકાઈ રહ્યું છે.
Bhagavad Gita 1.29 – 1.31 View commentary »
મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઇ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોનાં વંટોળમાં અટવાઈ ગયું છે; હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી. હે કૃષ્ણ! કેશી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારાં જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતાં નથી.
Bhagavad Gita 1.32 – 1.33 View commentary »
હે શ્રી કૃષ્ણ! હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે.
Bhagavad Gita 1.34 – 1.35 View commentary »
ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, સાળાઓ, અને અન્ય સગાંસંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે. હે મધુસૂદન! મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને, પૃથ્વીનું તો શું, પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે?
Bhagavad Gita 1.36 – 1.37 View commentary »
હે જીવમાત્રના પાલનહાર! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે? યદ્યપિ તેઓ અત્યાચારી છે, છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે. તેથી, અમારા પિતરાઈ ભાઈઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી. હે માધવ (શ્રી કૃષ્ણ)! અમારા પોતાના જ સગાં સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ?
Bhagavad Gita 1.38 – 1.39 View commentary »
તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગાં સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન! જયારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ?
Bhagavad Gita 1.40 View commentary »
જયારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ-પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે.
Bhagavad Gita 1.41 View commentary »
અધર્મની પ્રબળતા સાથે, હે કૃષ્ણ! કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દુષિત થવાથી હે વૃષ્ણીવંશી! અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે.
Bhagavad Gita 1.42 View commentary »
આવાં વર્ણસંકર સંતાનોની વૃદ્ધિ, કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિ:સંદેહ નારકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવાં પતિત કુળોનાં વંચિત પૂર્વજો અધ:પતન પામે છે.
Bhagavad Gita 1.43 View commentary »
જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે.
Bhagavad Gita 1.44 View commentary »
હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં નિવાસ કરે છે.
Bhagavad Gita 1.45 – 1.46 View commentary »
અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપકર્મ કરવા તત્પર થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિ:શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે.
Bhagavad Gita 1.47 View commentary »
સંજય બોલ્યા: આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધાં અને રથના આસન પર ફસડાઈ પડયો, તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઇ ગયું.