અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥ ૨૮॥
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।
અર્જુન: ઉવાચ—અર્જુન બોલ્યો, દૃષ્ટવા—જોઇને, ઈમામ્—બધાં, સ્વજનમ્—સ્વજનોને, કૃષ્ણ—કૃષ્ણ, યુયુત્સુમ્—યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, સમુપસ્થિતમ્—ઉપસ્થિત, સિદન્તિ—ધ્રુજી રહ્યા છે, મમ્—મારાં, ગાત્રાણિ-શરીરના અંગો, મુખમ્—મુખ, ચ—અને, પરિશુષ્યતિ—સુકાઈ રહ્યું છે.
Translation
BG 1.28: અર્જુને કહ્યું: હે કૃષ્ણ! યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારાં સ્વજનોને જોઈને મારા અંગો ધ્રૂજી રહ્યાં છે અને મોઢું સુકાઈ રહ્યું છે.
Commentary
અનુરાગ કાં તો સાંસારિક હોઈ શકે અથવા આધ્યાત્મિક મનોભાવ હોઈ શકે. પોતાના સંબંધીઓ માટેનો મોહ એ સાંસારિક ભાવુકતા છે, જે જીવનની દૈહિક સંકલ્પનાઓને કારણે ઉત્પન્ન થાય છે. સ્વયંને શરીર માનીને આપણે શરીરના સંબંધીઓ પ્રત્યે આસક્ત થઈ જઈએ છીએ. આ આસક્તિ અજ્ઞાન પર આધારિત છે અને વ્યક્તિને માયિક ચેતના તરફ ઘસડી જાય છે. અંતતોગત્વા આવી આસક્તિ દુઃખમાં પરિણામે છે, કારણ કે, શરીરના અંત સાથે પારિવારિક સંબંધોનો પણ અંત આવી જાય છે. બીજી બાજુ, પરમ પિતા પરમેશ્વર આપણા આત્માનાં પિતા, માતા, મિત્ર, ગુરુ, અને પ્રિયતમ છે. તદનુસાર, આત્માના સ્તરે તેમના પ્રત્યે આસક્તિ હોવી એ આધ્યાત્મિક મનોભાવ છે, જે ચેતનાને ઉન્નત અને બુદ્ધિને પ્રકાશિત કરે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ મહાસાગર જેવો છે, જેની વ્યાપકતામાં બધું જ સમાઈ જાય છે, જયારે દૈહિક સંબંધો પ્રત્યનો પ્રેમ સંકીર્ણ અને ભેદભાવયુક્ત હોય છે. અહીં, અર્જુન સાંસારિક આસક્તિનો અનુભવ કરી રહ્યો હતો, જે તેના મનને હતાશાના મહાસાગરમાં ડૂબાડી રહી હતી અને તેને કારણે પોતાના કર્તવ્યપાલનના વિચારમાત્રથી તે કાંપવા લાગ્યો હતો.