Bhagavad Gita: Chapter 1, Verse 36-37

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ॥ ૩૬॥
તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ ।
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥ ૩૭॥

નિહત્ય—હણીને; ધાર્તરાષ્ટ્રાન્—ધૃતરાષ્ટ્રના પુત્રો; ન:—અમારું; કા—કઈ; પ્રીતિ:—પ્રીતિ; સ્યાત્—થશે; જનાર્દન—શ્રી કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર; પાપમ્—પાપ; એવ—નિશ્ચિત; આશ્રયેત્—લાગશે; અસ્માન્—અમને; હત્વા—હણીને; એતામ્—આ બધા; આતતાયિન:—આતતાયીયોને; તસ્માત્—તેથી; ન—કદી નહીં; અર્હાં:—યોગ્ય; વયમ્—અમે; હન્તુમ્—હણવા; ધાર્તરાષ્ટ્ર્રાન્—ધૃતરાષ્ટ્રનાં પુત્રો; સ્વ-બાંધવાન્—મિત્રો સાથે; સ્વ-જનમ્—સ્વજનો; હિ—નિશ્ચિત; કથમ્—કેવી રીતે; હત્વા—હણીને; સુખિન:—સુખી; સ્યામ્—અમે થઈશું; માધવ—શ્રી કૃષ્ણ, યોગમાયાના પતિ.

Translation

BG 1.36-37: હે જીવમાત્રના પાલનહાર! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે? યદ્યપિ તેઓ અત્યાચારી છે, છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે. તેથી, અમારા પિતરાઈ ભાઈઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી. હે માધવ (શ્રી કૃષ્ણ)! અમારા પોતાના જ સગાં સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ?

Commentary

પોતાના સંબંધીઓનો સંહાર ન કરવાની પોતાની મનોવૃત્તિને ઉચિત ઠરાવવા ઉપરોક્ત શ્લોકમાં ‘યદ્યપિ’ શબ્દનો બે વાર પ્રયોગ કરીને, અર્જુન પુન: કહે છે, યદ્યપિ હું તેમનો વધ કરું તથાપિ આવા વિજયથી મને શું પ્રસન્નતા મળશે?

અધિકતર પરિસ્થિતિઓમાં લડવું અને હત્યા કરવી એ અધાર્મિક પ્રવૃત્તિઓ ગણાય છે, જે બાદમાં પશ્ચાતાપ અને અપરાધ ભાવને ખેંચી લાવે છે. વેદો કહે છે કે, અહિંસા એ મહાન સદ્દગુણ છે, અને અપવાદરૂપ કેટલીક વિષમ પરિસ્થિતિઓ સિવાય હિંસા એ પાપ છે. “મા હિંસ્યાત્ સર્વા ભૂતાનિ ” “કોઈપણ જીવિત પ્રાણીની હત્યા ના કરો”. અહીં, અર્જુન તેનાં સગા સંબંધીઓનો વધ કરવા માંગતો નથી, કારણ કે તે તેને પાપ ગણે છે. જો કે વશિષ્ઠ સ્મૃતિ (શ્લોક ૩.૧૯) કહે છે કે છ પ્રકારના આતતાયીઓ છે, જેમની વિરુદ્ધ આપણને આપણો બચાવ કરવાનો અધિકાર છે: તેઓ જે કોઈના ઘરને આગ લગાડે, તેઓ જે કોઈના ભોજનમાં વિષ મિશ્રિત કરે, તેઓ જે કોઈની હત્યા કરવા ઈચ્છે, તેઓ જે કોઈની સંપત્તિ લૂંટવા ઈચ્છે, તેઓ જે કોઈની પત્નીનું અપહરણ કરવા આવે, અને તેઓ જે કોઈનું રાજ્ય હડપી લે. મનુ સ્મૃતિ (૮.૩૫૧) કહે છે કે, જો કોઈ સ્વ-રક્ષા માટે આ પ્રકારના અત્યાચારીનો વધ કરે તો તેને પાપ ગણવામાં આવતું નથી.