અધ્યાય ૨: સાઙ્ખ્યયોગ

વિશ્લેષણાત્મક જ્ઞાનનો યોગ

આ અધ્યાયમાં, અર્જુન તેની સમક્ષ ઉત્ત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોળાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે. પશ્ચાત્ તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને તેના આધ્યાત્મિક ગુરુ બનવા કહે છે તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે, તેનો સામનો કરવા ઉચિત પથદર્શન માટે પ્રાર્થના કરે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ, તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના નષ્ટ થવાથી નષ્ટ થતું નથી, તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો આરંભ કરે છે. આત્મા એક જન્મથી બીજા જન્મમાં કેવળ શરીર બદલે છે, જે પ્રકારે મનુષ્ય જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે. તત્પશ્ચાત્, શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય તરફ આગળ વધે છે. તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે, એક યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે, સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન એ સદાચાર છે, જે સ્વર્ગીય લોકના દ્વાર ખોલી દે છે, જયારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે.

અર્જુનને લૌકિક સ્તરથી ઉપર પ્રેરિત કરીને, શ્રીકૃષ્ણ કર્મ વિજ્ઞાનની ગહનતાના ઊંડાણમાં ઉતરે છે. તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે. તેઓ ફળની કામના વિના કર્મ કરવાના વિજ્ઞાનને “બુદ્ધિ યોગ’ અથવા તો બુદ્ધિના યોગ તરીકે સંબોધે છે. બુદ્ધિનો ઉપયોગ કર્મફળ અંગેની માનસિક લાલસાને  નિયંત્રિત કરવા થવો જોઈએ. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી જે કર્મો બંધન-યુક્ત છે તે બંધન-મુક્ત કર્મોમાં પરિવર્તિત થઇ જશે, અને અર્જુન દુઃખાતીત અવસ્થા પ્રાપ્ત કરશે.

 

અર્જુન દિવ્ય ચેતનામાં સ્થિત વ્યક્તિના લક્ષણો અંગે પૃચ્છા કરે છે. તેના ઉત્તર સ્વરૂપે, શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે કેવી રીતે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત હોય છે, દરેક પરિસ્થિતિમાં સમતોલ અને અવિચલિત રહે છે, તેમની ઇન્દ્રિયો વશમાં રહે છે તેમજ તેમનાં મન સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે. તેઓ ક્રમાનુસાર એ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો-  વાસના, ક્રોધ, લોભ વગેરે – વિકસિત થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય.

સંજયે કહ્યું: કરુણાથી વિહ્વળ થયેલા, શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને, શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા.

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઇ ગઈ? સમ્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહિ પરંતુ અપયશ તરફ દોરી જાય છે.

હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા.

અર્જુને કહ્યું: હે મધુસૂદન! હે અરિહન્તા! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ?

આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે. જો અમે તેમનો સંહાર કરીશું, તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે.

અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે—તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું. તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહિ થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે, અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે.

હું કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે.

મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં, તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ.

સંજયે કહ્યું:  આ પ્રમાણે બોલ્યા પછી, શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે, હૃષીકેશને સંબોધીને કહ્યું: “હે ગોવિંદ! હું લડીશ નહિ” અને મૌન થઈ ગયો.

હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યોની મધ્યે, ભગવાન શ્રી કૃષ્ણે, શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યાં.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ જ્ઞાની હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.

એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધાં રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.

જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવાં પરિવર્તનથી મોહિત થતો નથી.

હે કુંતીપુત્ર! ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુ:ખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે.તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન-જાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં શીખવું જોઈએ.

હે પુરુષ શ્રેષ્ઠ, અર્જુન! જે પુરુષ સુખ તથા દુ:ખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે.

જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બન્નેની પ્રકૃતિનાં અધ્યયનથી અવલોક્યું છે.

જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.

કેવળ ભૌતિક શરીર નાશવંત છે; તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રમેય અને શાશ્વત છે. તેથી, હે ભરતવંશી! યુદ્ધ કર.

જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.

આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જયારે શરીર નષ્ટ થઈ જાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.

હે પાર્થ! જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે?

જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.

આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી.

આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.

આ આત્માને અદૃશ્ય, અચિંત્યઅને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ.

જો, આમ છતાં, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.

જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો  પુનર્જન્મ પણ અનિવાર્ય  છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.

હે ભરતવંશી! બધાં જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમ્યાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુન: અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે?

કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિષે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જયારે બીજા તેના વિષે સાંભળ્યા પછી પણ, તેને લેશમાત્ર સમજી શકતા નથી.

હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.

તદુપરાંત, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને, તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો, ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી.

હે પાર્થ! એ યોદ્ધાઓ ધન્ય છે, જેમને ધર્મની રક્ષા માટેનાં આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે.

આમ છતાં પણ, જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને, આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે.

લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે, અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે.

જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટયો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ.

તારાં શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુ:ખદાયી બીજું શું હોઈ શકે?

જો તું યુદ્ધ કરીશ, તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર! કૃતનિશ્ચયી થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા.

સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાં પ્રત્યે સમભાવ રાખીને, કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારાં કર્તવ્ય પાલન કરવાથી તને કદાપિ પાપ લાગશે નહીં.

અત્યાર સુધી, મેં સાંખ્ય યોગનું અર્થાત્ આત્માની પ્રકૃતિ અંગે પૃથકકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ! હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છે, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ, તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ.

આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી, હાનિ કે વિપરીત પરિણામ મળતાં નથી અને થોડાંક પ્રયત્નો પણ મહા ભયમાંથી બચાવી લે છે.

હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ  દૃઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે. જે મનુષ્યો દૃઢ સંકલ્પમાં સ્થિત નથી, તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે.

અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે, જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છ, અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ, તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓનાં અનુષ્ઠાનો કરે છે.

જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે, તેઓ એ દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે, જે ભગવદ્-માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે.

વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન! આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈતભાવથી મુક્ત કરી, શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ, આત્મામાં સ્થિર થા.

જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે, વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે, જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.

તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.

હે અર્જુન! સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને, તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે.

હે અર્જુન! દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિનું શરણ ગ્રહણ કરો; તેમજ આસક્તિ યુક્ત કર્મોનો ત્યાગ કરો, જે દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે. તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે.

જેઓ વિચારપૂર્વક આસક્તિરહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આ જ જીવનમાં સારાં ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે (ઉચિત ચેતનામાં) કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે.

સમબુદ્ધિ યુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી, તેઓ સર્વ દુ:ખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

જયારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, (આ સંસારના તેમજ પરલોકના સુખો) તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.

જયારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે, ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ.

અર્જુને કહ્યું: હે કેશવ! જેઓ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય છે, તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે?

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: હે પાર્થ! જયારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ-સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહી શકાય.

જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.

જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે.

જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.

મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષયભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભોગમાં રસ તો અકબંધ રહે છે. જો કે, જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઇ જાય છે.

હે કુંતીપુત્ર અર્જુન! ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે, તે વિવેક પૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મ-નિયંત્રણની સાધના કરતાં મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે.

જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે.

ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે.

ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જયારે સ્મૃતિભ્રંશ થાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે.

પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે.

દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુ:ખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઇ જાય છે.

પરંતુ બિનઅનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો  દૃઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી; અને જેને શાંતિનો અભાવ છે, તે કેવી રીતે સુખી થઇ શકે?

જેવી રીતે, પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે, એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે.

તેથી હે મહાબાહુ અર્જુન! જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે, તે દૃઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે.

જેને સર્વ જીવો દિવસ માને છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે.

જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે: તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહિ કે તે મનુષ્યને જે કામનાપૂર્તિ માટે મથ્યા કરે છે.

જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે.

હે પાર્થ! ભગવદ્-પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મનુષ્ય પુન: ભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ ધામમાં પ્રવેશ પામે છે.