Bhagavad Gita: Chapter 1, Verse 29-31

વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥

વેપથુ:—કંપન; ચ—અને; શરીરે—શરીરમાં; મે—મારાં; રોમ હર્ષ:—શરીરના રુંવાડા ઊભા થઇ જવા; ચ—પણ; જયતે—ઉત્પન્ન થાય છે; ગાંડીવમ્—અર્જુનનું ધનુષ્ય, ગાંડીવ; સ્ત્રંસતે—સરી પડે છે; હસ્તાત્—હાથમાંથી; ત્વક્—ત્વચા; ચ—અને; એવ—નિશ્ચિત; પરિદહ્યતે—બળી રહી છે; ન—નહીં; ચ—અને; શક્નોમિ—હું સમર્થ છું; અવસ્થાતુમ્—સ્થિર રહેવા માટે; ભ્રમતિ ઈવ—ઝૂલતો હોઉં એમ; ચ—વળી; મે—મારું; મન:—મન; નિમિત્તાનિ—સંકેતો; ચ—અને; પશ્યામિ—હું જોઉં છું; વિપરીતાનિ—દુર્ભાગ્ય; કેશવ—શ્રી કૃષ્ણ, કેશી નામના દૈત્યના સંહારક; ન—નહીં; ચ—પણ; શ્રેય:—કલ્યાણ; અનુપશ્યામિ—હું અગાઉથી જોઉં છું; હત્વા—હણીને; સ્વજનમ્—સંબંધીજનો; અહવે—યુદ્ધમાં.

Translation

BG 1.29-31: મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઇ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોનાં વંટોળમાં અટવાઈ ગયું છે; હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ  નથી. હે કૃષ્ણ! કેશી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારાં જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતાં નથી.

Commentary

જયારે અર્જુને યુદ્ધના પરિણામો વિષે વિચાર્યું ત્યારે તે ચિંતિત અને ઉદાસ થવા લાગ્યો. એ જ ગાંડીવ, જેના શક્તિશાળી ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જતા હતા, તેના હાથમાંથી સરકવા લાગ્યું હતું. યુદ્ધ કરવું એ પાપ છે, એ વિચારીને તેનું મન ચકરાવવા લાગ્યું હતું. મનની આ અસ્થિરતાને કારણે તે હીન ભાવનાઓથી ગ્રસિત થઈને ભ્રામક અમંગળ સંકેતોને સ્વીકારવા લાગ્યો અને વિનાશક તથા નિકટવર્તી પરિણામોનો પૂર્વાભાસ કરવા લાગ્યો.