Bhagavad Gita: Chapter 1, Verse 16-18

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ ।
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ॥ ૧૬॥
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ॥ ૧૭॥
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે ।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્ પૃથક્ ॥ ૧૮॥

અનન્ત-વિજયમ્—અનંતવિજય નામનો શંખ, રાજા—રાજા, કુંતી-પુત્ર:—કુંતીપુત્ર, યુધિષ્ઠિર:—યુધિષ્ઠિર, નકુલ:—નકુલ, સહદેવ:—સહદેવ, ચ—અને, સુઘોષ-મણીપુષ્પકૌ:—સુઘોષ અને મણીપુષ્પ નામના શંખ, કાશ્ય:—કાશીના રાજા, ચ:—અને, પરમ-ઈષુ-આસ:—મહાન ધનુર્ધર, શિખંડી—શિખંડી, ચ—પણ, મહારથ:— દસ હજાર સાધારણ સૈનિકો સમાન બળ ધરાવનાર, ધૃષ્ટદ્યુમ્ન:—ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ:—વિરાટ, ચ—અને, સાત્યકિ:—સાત્યકિ, ચ—પણ, અપરાજિત:—જેનો ક્યારેય પરાજય ના થયો હોય, દ્રુપદ:—દ્રુપદ, દ્રૌપદેય:—દ્રૌપદીના પુત્રો, ચ:—અને, સર્વશ:—બધાં, પૃથ્વીપતે—પૃથ્વીનો રાજા, સૌભદ્ર:—સુભદ્રાનો પુત્ર, ચ:—પણ, મહા-બાહુ:— બળવાન ભુજાઓવાળા, શંખાન્—શંખો, દધ્મુ:—ફૂંક્યા, પૃથક્-પૃથક્—જુદા જુદા.

Translation

BG 1.16-18: હે રાજા, યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો; જયારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો, તથા અન્ય જેમકે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા.

Commentary

યુધિષ્ઠિર પાંડવ ભાઈઓમાં સૌથી મોટા હતા. અહીં તેમને ‘રાજા’ તરીકે ઉદ્દેશવામાં આવ્યા છે; તેમણે આ બિરુદનો અધિકાર રાજસૂય યજ્ઞ કરીને અન્ય રાજાઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત કરીને મેળવ્યો હતો. તેઓ એવી રાજવી ગરિમા અને ઉદારતા ધરાવતા હતા કે, મહેલમાં હોય કે દેશવટો ભોગવીને વનવાસ ભોગવતા હોય, તે સદા ઝળકતી રહેતી.

ધૃતરાષ્ટ્રને સંજય દ્વારા ‘પૃથ્વીના રાજા’ સંબોધન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની રક્ષા કરવી કે તેને વિનાશક યુદ્ધોમાં ઉલઝાવી દેવું એ બધું જ રાજાના હાથોમાં છે. આ સંબોધનનો ગર્ભિતાર્થ એ થતો હતો કે “બંને સેનાઓ યુદ્ધ માટે આગળ વધી રહી છે. હે રાજા ધૃતરાષ્ટ્ર, કેવળ તમે જ તેમને પછી બોલાવી શકો એમ છો. તમે શું નિર્ણય લેવા ઈચ્છો છો?”