ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ।
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ॥ ૩૨॥
યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ ।
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ॥ ૩૩॥
ન—નહીં; કાઙ્ક્ષે—આકાંક્ષા કરું છું; વિજયમ્—વિજય; કૃષ્ણ—શ્રી કૃષ્ણ; ન—નહીં; ચ—વળી; રાજ્યમ્—રાજ્ય; સુખાનિ—સુખ; ચ—પણ, કિમ્—શું, ન:—અમને; રાજ્યેન્—રાજ્ય દ્વારા; ગોવિંદ—કૃષ્ણ, એ જે ઇન્દ્રિયોને સુખ પ્રદાન કરે છે, એ જેને ગાયો અતિ પ્રિય છે; કિમ્—શું; ભોગૈ:—ભોગોથી; જીવિતેન્—જીવન; વા—અથવા; યેષામ્—જેના; અર્થે—માટે; કાંક્ષિતમ્—ઈચ્છવામાં આવ્યું છે; ન:—અમારા વડે, રાજ્યમ્—રાજ્ય; ભોગા:—ભોગો; સુખાનિ—સુખો; ચ—પણ; તે—તેઓ; ઈમે—આ; અવસ્થિતા:—સ્થિત; યુદ્ધે—યુદ્ધ માટે; પ્રાણા:—જીવન; ત્યક્તવા—ત્યજીને; ધનાનિ—ધન; ચ—પણ.
Translation
BG 1.32-33: હે શ્રી કૃષ્ણ! હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે.
Commentary
અર્જુનની મૂંઝવણ તે તથ્યથી ઉત્પન્ન થઇ કે હત્યા કરવી એ પોતે જ અપરાધયુક્ત કર્મ છે, તેમાં પણ સ્વજનોની હત્યા તો અધિક ઘાતકી કૃત્ય છે. અર્જુનને લાગ્યું કે કદાચ રાજ્ય મેળવવા તે આવા નિર્દય કાર્ય કરશે તો પણ તે વિજય તેને અંતે કોઈ ખુશી નહીં આપે. તે આવી ખ્યાતિ પોતાના મિત્રો અને સ્વજનો સાથે વહેંચવા અંતે અસમર્થ હશે, જેમને તેણે વિજય હાંસલ કરવા મારવા પડશે.
અહીં, અર્જુન નિમ્ન કક્ષાની સંવેદનશીલતા પ્રદર્શિત કરી રહયો છે, અને તેને આદર્શ માનીને ગૂંચવાઈ રહ્યો છે. દુન્યવી સંપત્તિ અને ભૌતિક સુખ-સમૃદ્ધિ પ્રત્યેની ઉદાસીનતા એ પ્રશંસનીય આધ્યાત્મિક સદ્દગુણ છે, પરંતુ અર્જુન આધ્યાત્મિક લાગણી અનુભવી રહ્યો નથી. ઉલટું, તેનો ભ્રમ કરુણાના શબ્દોરૂપે છળ કરી રહ્યો છે. સદાચારી મનોભાવો આંતરિક સંવાદિતા, સંતોષ, અને આત્માને સુખ પ્રદાન કરે છે. જો અર્જુનની કરુણા ગુણાતીત કક્ષાની હોત, તો તેની આવી સંવેદનાઓને કારણે ઉન્નતિ થઇ હોત, પરંતુ તેના અનુભવો બિલકુલ વિપરીત છે—તે મન અને બુદ્ધિથી ખંડિત, કર્તવ્ય પાલન અંગે અસંતુષ્ટ તથા અંત:કરણમાં પ્રગાઢ શોકની લાગણી અનુભવી રહ્યો છે. આ સંવેદનાઓનો તેના પર થયેલો પ્રભાવ દર્શાવે છે કે, તેની કરુણા ભ્રમમાંથી ઉત્પન્ન થઇ છે.