Bhagavad Gita: Chapter 14, Verse 14-15

યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ ।
તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે ॥ ૧૪॥
રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે ।
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ॥ ૧૫॥

યદા—જયારે; સત્ત્વે—સત્ત્વગુણમાં; પ્રવૃદ્ધે—જયારે પ્રધાન હોય; તુ—વાસ્તવમાં; પ્રલયમ્—મૃત્યુ; યાતિ—પહોંચે; દેહ-ભૃત્—દેહધારી; તદા—ત્યારે; ઉત્તમ-વિદામ્—વિદ્વાનોનાં; લોકાન્—ધામ; અમલાન્—શુદ્ધ; પ્રતિપદ્યતે—પ્રાપ્ત કરે છે; રજસિ—રજોગુણમાં; પ્રલયમ્—મૃત્યુ; ગત્વા—પ્રાપ્ત કરીને; કર્મ-સંગિષુ—સકામ કર્મ કરનારાના સંગમાં; જાયતે—જન્મ લે છે; તથા—તેવી રીતે; પ્રલીન:—વિલીન થયેલો; તમસિ—તમોગુણમાં;  મૂઢ-યોનિષુ—પશુયોનિમાં; જાયતે—જન્મ લે છે.

Translation

BG 14.14-15: જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.

Commentary

શ્રીકૃષ્ણ જણાવે છે કે આત્માનું પ્રારબ્ધ તેના વ્યક્તિત્ત્વના ગુણો પર આધારિત છે. આપણને એ જ પ્રાપ્ત થાય છે જે માટે આપણી પાત્રતા હોય છે. આ ભગવાનનો સિદ્ધાંત છે, આ કર્મનો સિદ્ધાંત છે. જે લોકો સદ્દગુણો, જ્ઞાન અને અન્ય પ્રત્યે સેવા ભાવનાનું સંવર્ધન કરે છે, તેઓ પવિત્ર, વિદ્વાન, સામાજિક કાર્યકર્તાઓ વગેરે પરિવારોમાં જન્મ પ્રાપ્ત કરે છે અથવા તો તેઓ ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં જાય છે. જે લોકો પોતાને લોભ, ધન-લોલુપતા, અને સાંસારિક મહત્ત્વકાંક્ષાઓને આધીન કરી દે છે, તેઓ ગહન માયિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેતા, પ્રાય: વ્યાવસાયિક પરિવારોમાં જન્મ પ્રાપ્ત કરે છે. જેઓ માદક દ્રવ્યો, હિંસા, આળસ, અને નિષ્ક્રિયતા પ્રત્યે રુચિ ધરાવે છે, તેઓ મદિરાપાન કરતા અને અભણ પરિવારોમાં જન્મ મેળવે છે અથવા તો તેઓને ઉત્ક્રાંતિ-વાદી નિમ્નતર સોપાનો તરફ ધકેલી દેવામાં આવે છે અને તેઓ પશુ યોનિઓમાં જન્મ મેળવે છે.

ઘણાં લોકોને આશ્ચર્ય થાય છે કે, શું એકવાર મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને નિમ્નતર યોનિઓમાં અધોગતિ થવી શક્ય છે? આ શ્લોક સ્પષ્ટ કરે છે કે, મનુષ્ય દેહ આત્મા માટે સદૈવ આરક્ષિત રહેતો નથી. જે લોકો તેનો સદુપયોગ કરતા નથી, તેઓ પુન: પશુયોનિમાં અધોગતિ થવાના ભયંકર જોખમને પાત્ર રહે છે. આ પ્રમાણે, સર્વ માર્ગો સદૈવ ખુલ્લા રહે છે. આત્મા, તેણે અપનાવેલા ગુણોની તીવ્રતા અને આવૃતિઓને આધારે તેની આધ્યાત્મિક ઉન્નતિમાં ઊધ્વર્ગામી બની શકે છે, એ જ સ્થાને રહી શકે છે અથવા તો ત્યાંથી પતિત પણ થઇ શકે છે.