માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ।
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ॥ ૨૬॥
મામ્—મને; ચ—માત્ર; ય:—જે; અવ્યભિચારેણ—નિર્ભેળ; ભક્તિ-યોગેન—ભક્તિ દ્વારા; સેવતે—સેવા કરે છે; સ:—તેઓ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; સમતીત્ય—ઉપર ઉઠીને; એતાન્—આ; બ્રહ્મ-ભૂયાય—બ્રહ્મની અવસ્થે; કલ્પતે—આવે છે.
Translation
BG 14.26: જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે.
Commentary
જે લોકો ત્રણ ગુણોથી પરે સ્થિત છે, તેમના લક્ષણો અંગે ચર્ચા કરીને શ્રીકૃષ્ણ હવે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોને પાર કરવાની એકમાત્ર પધ્ધતિ પ્રગટ કરે છે. ઉપરોક્ત શ્લોક સૂચિત કરે છે કે કેવળ આત્મ-જ્ઞાન અને તેની શરીરથી ભિન્નતાનું જ્ઞાન પર્યાપ્ત નથી. ભક્તિ યોગની સહાયથી મનને પરમેશ્વર શ્રીકૃષ્ણ પર સ્થિર કરવું જોઈએ. તત્પશ્ચાત્ જ મન શ્રીકૃષ્ણ સમાન નિર્ગુણ (ત્રણ ગુણોથી અસ્પર્શ્ય) બને છે.
અધિકાંશ લોકો માને છે કે જો મનને ભગવાનના સાકાર સ્વરૂપ પર સ્થિર કરવામાં આવશે તો તે ગુણાતીત અવસ્થા સુધી ઉપર ઉઠી શકશે નહીં. જયારે કેવળ તેને નિરાકાર બ્રહ્મ પર સ્થિર કરવામાં આવશે ત્યારે તે માયિક પ્રકૃતિના ગુણોથી ગુણાતીત થઈ શકશે. પરંતુ આ શ્લોક આ દૃષ્ટિકોણનો અસ્વીકાર કરે છે. ભગવાનનું સાકાર સ્વરૂપ અનંત ગુણો ધરાવે છે, છતાં પણ આ સર્વ દિવ્ય છે અને માયિક પ્રકૃતિના ગુણોથી ઉપર છે. તેથી, ભગવાનનું સાકાર સ્વરૂપ પણ નિર્ગુણ (માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પર) છે. મહર્ષિ વેદ વ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ભગવાનનું સાકાર સ્વરૂપ કેવી રીતે નિર્ગુણ છે:
યસ્તુ નિર્ગુણ ઇત્યુક્તઃ શાસ્ત્રેષુ જગદીશ્વરઃ
પ્રાકૃતૈર્હેય સંયુક્તૈર્ગુણૈર્હીનત્વમુચ્યતે (પદ્મ પુરાણ)
“શાસ્ત્રો જ્યારે જ્યારે ભગવાનને નિર્ગુણ દર્શાવે છે, ત્યારે તેમનું તાત્પર્ય એ હોય છે કે તેઓ માયિક ગુણોથી રહિત છે. તેમ છતાં, તેમનું દિવ્ય વ્યક્તિત્ત્વ ગુણોથી રહિત નથી—તેઓ અનંત દિવ્ય ગુણોથી સંપન્ન છે.”
આ શ્લોક ધ્યાનનો ઉચિત વિષય પણ પ્રગટ કરે છે. ગુણાતીત ધ્યાનનું તાત્પર્ય શૂન્ય પર ધ્યાન કરવું એ નથી. માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પરે પરમ તત્ત્વ ભગવાન છે. તેથી, જયારે આપણા ધ્યાનનો વિષય ભગવાન હોય છે ત્યારે જ તેને વાસ્તવિક ગુણાતીત ધ્યાન કહી શકાય છે.