Bhagavad Gita: Chapter 14, Verse 27

બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ ।
શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ ॥ ૨૭॥

બ્રહ્મણ:—બ્રહ્મનના; હિ—કેવળ; પ્રતિષ્ઠા—આધાર; અહમ્—હું; અમૃતસ્ય—અમર્ત્યનો; અવ્યયસ્ય—અવિનાશીનો; ચ—અને; શાશ્વતસ્ય—સનાતનનો; ચ—અને; ધર્મસ્ય—ધર્મનો; સુખસ્ય—સુખનો; ઐકાંન્તિકસ્ય—અનંત; ચ—અને.

Translation

BG 14.27: હું નિરાકાર બ્રહ્મનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું.

Commentary

અગાઉનો શ્લોક શ્રીકૃષ્ણ અને બ્રહ્મ વચ્ચેના સંબંધ અંગે પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે. અગાઉ વર્ણન કરવામાં આવ્યું છે કે સર્વ શક્તિમાન ભગવાનના વ્યક્તિત્ત્વના બે પાસાં છે—નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. અહીં, શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે, જ્ઞાનીઓ જે બ્રહ્મની સાધના કરે છે તે ભગવાનના સાકાર સ્વરૂપનો પ્રકાશ છે.

પદ્મ પુરાણ વર્ણન કરે છે:

           યન્નખેન્દુરુચિર્બ્રહ્મ ધ્યેયં બ્રહ્માદિભિઃ સુરૈઃ

          ગુણત્રયમતીતં તં વન્દે વૃન્દાવનેશ્વરમ્ (પાતાળ ખંડ ૭૭.૬૦)

“વૃંદાવનના ભગવાન, શ્રીકૃષ્ણના ચરણોના અંગુષ્ઠના નખમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, તે ગુણાતીત બ્રહ્મ છે, જેનું જ્ઞાનીઓ તથા સ્વર્ગીય દેવતાઓ ધ્યાન ધરે છે.” એ જ પ્રમાણે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે;

              તાઁહાર અઙ્ગેર શુદ્ધ કિરણ-મણ્ડલ

             ઉપનિષત્ કહે તાઁરે બ્રહ્મ સુનિર્મલ (ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા ૨.૧૨)

“ભગવાનના દિવ્ય શરીરમાંથી ઉત્પન્ન થતા તેજ:પુંજનું ઉપનિષદ્દ બ્રહ્મ તરીકે વર્ણન કરે છે.” આ પ્રમાણે, આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ સ્પષ્ટ રીતે સુનિશ્ચિત કરે છે કે પરમ પ્રભુના સાકાર સ્વરૂપની અવિચળ ભક્તિમાં લીન થવું એ ત્રણ ગુણોના રોગની રામબાણ ઔષધિ છે.