સત્ત્વાત્સઞ્જાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ ।
પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ ॥ ૧૭॥
સત્ત્વાત્—સત્ત્વગુણમાંથી; સંજાયતે—ઉદ્ભવે છે; જ્ઞાનમ્—જ્ઞાન; રજસ:—રજોગુણ; લોભ:—લોભ; એવ—વાસ્તવમાં; ચ—અને; પ્રમાદ—પ્રમાદ; મોહૌ—મોહ; તમસ:—તમોગુણ; ભવત:—ઉત્પન્ન થાય છે; અજ્ઞાનમ્—અજ્ઞાન; એવ—વાસ્તવમાં; ચ—અને.
Translation
BG 14.17: સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.
Commentary
ત્રણ ગુણોથી ઉપાર્જિત ફળોના વૈવિધ્ય અંગે ઉલ્લેખ કરીને હવે શ્રીકૃષ્ણ તેના માટેના કારણો સમજાવે છે. સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, જે ઉચિત અને અનુચિત વચ્ચે વિવેક કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. તે ઇન્દ્રિયોના તુષ્ટિકરણ માટેની તૃષ્ણાઓને શાંત કરે છે અને આનંદ તથા સંતુષ્ટિની સહવર્તી ભાવનાઓનું સર્જન કરે છે. જે લોકો સત્ત્વગુણથી પ્રભાવિત હોય છે, તેઓ બૌદ્ધિક કાર્યો અને સદાચારી આદર્શો પ્રત્યે રુચિ ધરાવે છે. આ પ્રમાણે, આ સત્ત્વગુણ સુજ્ઞ કાર્યોને પ્રોત્સાહિત કરે છે. રજોગુણ ઇન્દ્રિયોને પ્રજ્વલિત કરે છે અને મનને અનિયંત્રિત કરીને મહત્ત્વાકાંક્ષી કામનાઓના ચકકરમાં ધકેલી દે છે. જીવ તેની જાળમાં ફસાઈ જાય છે અને સંપત્તિ અને સુખ માટે અત્યાધિક પ્રયાસો કરે છે, જે આત્માની દૃષ્ટિએ અર્થહીન છે. તમોગુણ જીવને જડતા અને અવિદ્યાથી ગ્રસ્ત કરી લે છે. અજ્ઞાનથી ગ્રસ્ત થયેલો મનુષ્ય દુષ્ટ અને અપવિત્ર કર્મો કરે છે અને તેનાં ખરાબ ફળો ભોગવે છે.