સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે ।
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ ૧૧॥
લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા ।
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ॥ ૧૨॥
અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ ।
તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ॥ ૧૩॥
સર્વ—સર્વ; દ્વારેષુ—દ્વારોથી; દેહે—શરીર; અસ્મિન્—આમાં; પ્રકાશ:—પ્રકાશિત કરવાનો ગુણ; ઉપજાયતે—ઉત્પન્ન થાય છે; જ્ઞાનમ્—જ્ઞાન; યદા—જયારે; તદા—ત્યારે; વિદ્યાત્—જાણવું; વિવૃદ્ધમ્—પ્રધાનતા; સત્ત્વમ્—સત્ત્વગુણ; ઇતિ—આ રીતે; ઉત—નિશ્ચિત; લોભ:—લોભ; પ્રવૃત્તિ:—કાર્યો; આરંભ:—ઉદ્યમ; કર્મણામ્—સકામ કર્મો માટે; અશમ:—અનિયંત્રિત; સ્પૃહા—તૃષ્ણા; રજસિ—રજોગુણના; એતાનિ—આ; જાયન્તે—વિકાસ; વિવૃદ્ધે—જયારે પ્રધાનતા હોય છે; ભરત-ઋષભ—ભરતોમાં શ્રેષ્ઠ, અર્જુન; અપ્રકાશ:—અવિદ્યા; અપ્રવૃતિ:—નિષ્ક્રિયતા; ચ—અને; પ્રમાદ:—અસાવધાની; મોહ:—મોહ; એવ—વાસ્તવમાં; ચ—પણ; તમસિ—તમોગુણ; એતાનિ—આ; જાયન્તે—ઉત્પન્ન; વિવૃદ્ધે—પ્રધાનતા અધિક હોય; કુરુ-નંદન—કુરુઓનો આનંદ, અર્જુન.
Translation
BG 14.11-13: જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.
Commentary
ત્રણ ગુણો વ્યક્તિની વિચાર-શૈલીને કેવી રીતે પ્રભાવિત કરે છે, તે અંગે શ્રીકૃષ્ણ પુન: પુનરાવર્તન કરે છે. સત્ત્વગુણ સદ્ગુણોના વિકાસ અને જ્ઞાનના પ્રકાશ તરફ અગ્રેસર કરે છે. રજોગુણ લોભ, સાંસારિક ઉપલબ્ધિઓ માટે અત્યાધિક ઉદ્યમ તથા મનની અનિયંત્રિતતા તરફ દોરી જાય છે. તમોગુણ બુદ્ધિના મોહ, આળસ, માદક પદાર્થો અને હિંસા પ્રત્યેની રુચિમાં પરિણમે છે.
વાસ્તવમાં, આ ગુણો ભગવાન તથા આધ્યાત્મિક માર્ગ પ્રત્યેના આપણા મનોવલણોને પણ પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, જયારે મન પર સત્ત્વગુણની પ્રધાનતા હોય છે ત્યારે આપણે એવું વિચારવાનો પ્રારંભ કરીએ છીએ કે, “મને મારા ગુરુની અનેક કૃપાઓ પ્રાપ્ત થઇ છે. મારે સાધનામાં શીઘ્રતાથી પ્રગતિ થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ કારણ કે, માનવ દેહ અમૂલ્ય છે અને તેને લૌકિક કાર્યોમાં વ્યર્થ કરવો ન જોઈએ.” જયારે રજોગુણ પ્રધાન હોય છે, ત્યારે આપણે વિચારીએ છીએ, “મારે નિશ્ચિતપણે આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરવી જોઈએ, પરંતુ ઉતાવળ શું છે? વર્તમાનમાં, મારે અનેક ઉત્તરદાયિત્ત્વોનું પાલન કરવાનું છે અને તે અધિક મહત્ત્વનાં છે.” જયારે તમોગુણનું આધિપત્ય હોય છે, ત્યારે આપણે વિચારીએ છીએ, “મને તો એ જ વિશ્વાસ નથી કે વાસ્તવમાં ભગવાન છે કે નહીં કારણ કે મેં કે કોઈએ તેમને જોયા નથી. તો પછી સાધનામાં સમય વ્યર્થ શા માટે કરવો?” આ ધ્યાનમાં લેવું જોઈએ કે, કેવી રીતે એક જ વ્યક્તિના વિચારો ભક્તિની ઊંચાઈથી ઊંડાઈ સુધી આંદોલિત થાય છે.
ત્રણ ગુણોને કારણે અસ્થિર થવું એ મન માટે અતિ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિઓથી આપણે નિરાશ થવું જોઈએ નહીં. તેના બદલે, આપણે સમજવું જોઈએ કે આ શા માટે થાય છે અને તેનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાધનાનું તાત્પર્ય જ એ છે કે મનથી ત્રણ ગુણોના પ્રવાહનો સામનો કરવો અને તેને ભગવાન તથા ગુરુ પ્રત્યેની ભક્તિયુક્ત ભાવનાઓનું જતન કરવા માટે પ્રેરિત કરવું. જો આપણી ચેતના સંપૂર્ણ દિવસ દરમ્યાન ઉચ્ચ દિવ્ય ચેતનામાં સ્થિત રહે તો સાધનાની કોઈ આવશ્યકતા નથી. જો મનની પ્રાકૃતિક ભાવનાઓ સંસાર તરફ પ્રવૃત્ત રહે તો પણ આપણે બુદ્ધિની સહાયથી તેને દબાણ કરીને આધ્યાત્મિક ક્ષેત્રમાં લાવવું જોઈએ. પ્રારંભમાં, આ થોડું કઠિન લાગે, પરંતુ સાધના દ્વારા તે સરળ થઇ જશે. જે પ્રકારે ગાડી ચલાવવાનું શરૂઆતમાં અઘરું લાગે છે પરંતુ અભ્યાસ કર્યા પછી એ સરળ અને સ્વાભાવિક થઇ જાય છે.
શ્રીકૃષ્ણ હવે ત્રણ ગુણો દ્વારા પ્રદત્ત ગંતવ્યો અને ગુણાતીત થવાના આપણા લક્ષ્યની આવશ્યકતા સમજાવવાનો પ્રારંભ કરે છે.