Bhagavad Gita: Chapter 14, Verse 7

રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ ।
તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્ ॥ ૭॥

રજ:—રજોગુણ; રાગ-આત્મકમ્—રાગની પ્રકૃતિ; વિદ્ધિ—જાણ; તૃષ્ણા—કામના; સંગ—સંગ; સમુદ્ભવમ્—માંથી ઉત્પન્ન; તત્—તે; નિબધ્નાતિ—બદ્ધ કરે છે; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; કર્મ-સંગેન—સકામ કર્મો પ્રત્યેની આસક્તિ દ્વારા; દેહિનામ્—દેહધારી આત્મા.

Translation

BG 14.7: હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે.

Commentary

હવે શ્રીકૃષ્ણ રજોગુણનું કાર્ય અને તે કેવી રીતે આત્માને માયિક અસ્તિત્ત્વમાં બાંધે છે, તે સમજાવે છે. પતંજલિ યોગ દર્શન સાંસારિક પ્રવૃત્તિઓને રજોગુણની પ્રાથમિક અભિવ્યક્તિ સ્વરૂપે વર્ણવે છે. અહીં, શ્રીકૃષ્ણ તેની પ્રમુખ અભિવ્યક્તિનું આસક્તિ તથા કામના સ્વરૂપે વર્ણન કરે છે.

રજોગુણ ઇન્દ્રિય સુખોની વાસનાને ઇંધણ પૂરું પાડે છે. તે માનસિક અને શારીરિક સુખોની કામનાઓને પ્રજ્વલિત કરે છે. તે સાંસારિક પદાર્થો પ્રત્યેની આસક્તિમાં વૃદ્ધિ કરે છે. રજોગુણથી પ્રભાવિત વ્યક્તિ પદ-પ્રતિષ્ઠા, કારકિર્દી, પરિવાર અને નિવાસસ્થાન જેવી સાંસારિક પ્રવૃત્તિઓમાં તન્મય રહે છે. તેઓ આ સર્વને સુખના સ્રોત માને છે અને તેની પ્રાપ્તિના પ્રયોજનથી અથાક્ પરિશ્રમ માટે પ્રેરિત થાય છે. આ રીતે, રજોગુણ કામનાઓની વૃદ્ધિ કરે છે તથા આ કામનાઓ રાજસિક ગુણની વૃદ્ધિને ઇંધણ પૂરું પડે છે. તેઓ બંને એકબીજાને પુષ્ટ કરે છે અને આત્માને સાંસારિક જીવનની જાળમાં ફસાવે છે.

કર્મયોગ એટલે કે, વ્યક્તિના કર્મોનાં ફળોને ભગવાનને સમર્પિત કરવાનો પ્રારંભ એ આ જાળને કાપવાનો માર્ગ છે. તે સંસાર પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન કરે છે અને રજોગુણના પ્રભાવને શાંત કરે છે.