Bhagavad Gita: Chapter 14, Verse 24-25

સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥ ૨૪॥
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ ।
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ॥ ૨૫॥

સમ—સમાન; દુઃખ—દુખ; સુખ:—સુખ; સ્વ-સ્થ:—સ્વમાં સ્થિત; સમ—સમાન રીતે; લોષ્ટ—માટીનું ઢેફું; અશ્મ—પથ્થર; કાંચન:—સોનું; તુલ્ય—સમભાવ; પ્રિય—પ્રિય; અપ્રિય:—અપ્રિય; ધીર:—સ્થિર; તુલ્ય—સમાન; નિન્દા—બદનામી; આત્મ-સંસ્તુતિ:—પ્રશંસા; માન—માન; અપમાનયો:—અપમાન; તુલ્ય:—સમાન; તુલ્ય:—સમાન; મિત્ર—મિત્ર; અરિ—શત્રુ; પક્ષયો:—પક્ષે; સર્વ—સર્વ; આરમ્ભ—ઉદ્યમો; પરિત્યાગી—ત્યાગી; ગુણ-અતીત:—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પર; સ:—તેઓ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 14.24-25: જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.

Commentary

ભગવાનની સમાન આત્મા પણ ત્રણ ગુણોથી પર છે. શારીરિક ચેતનાને કારણે આપણે શરીરના સુખ અને દુઃખની સાથે તાદાત્મ્ય અનુભવીએ છીએ અને પરિણામે ઉમંગ અને વિષાદની ભાવનાઓ વચ્ચે ઝૂલતા રહીએ છીએ. પરંતુ જેઓ સ્વની ગુણાતીત અવસ્થામાં સ્થાપિત છે, તેઓ શરીરના સુખ અને દુ:ખ સાથે તાદાત્મ્ય સાધતા નથી. આવા આત્મ-અનુભૂત યોગીઓ સંસારની દ્વૈતતાને સમજે છે પરંતુ તેમનાથી અસ્પર્શ્ય રહે છે. આ પ્રમાણે, તેઓ નિર્ગુણ (ગુણોના પ્રભાવથી ઉપર) બની જાય છે. આ તેમને સમદર્શિતા, પ્રદાન કરે છે, જેના દ્વારા તેઓ પથ્થરના ટુકડા, માટીનાં લોંદા, સુવર્ણ, અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ, નિંદા અને પ્રશંસા આ સર્વને સમાન ભાવે જોવે છે.