અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ ।
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ ॥ ૮॥
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહઙ્કાર એવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥ ૯॥
અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ ।
નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥ ૧૦॥
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી ।
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ॥ ૧૧॥
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ ।
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૨॥
અમાનિત્વમ્—વિનમ્રતા; અદમ્બિત્વમ્—દંભથી મુક્તિ; અહિંસા—અહિંસા; ક્ષાન્તિ:—ક્ષમા; આર્જવમ્—સરળતા; આચાર્ય- ઉપાસનમ્—ગુરુની ઉપાસના; શૌચમ્—મન અને શરીરની સ્વચ્છતા; સ્થૈર્યમ્—દૃઢતા; આત્મ-વિનિગ્રહ:—આત્મસંયમ; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિયોની તરફ; વૈરાગ્યમ્—વિરક્તિ; અનહંકાર—અભિમાન રહિત; એવ ચ—તેમજ; જન્મ—જન્મનું; મૃત્યુ—મૃત્યુ; જરા—ઘડપણ; વ્યાધિ—રોગ; દુઃખ—દુઃખ; દોષ—દોષ; અનુદર્શનમ્—પ્રત્યક્ષીકરણ; અસક્તિ:—અનાસક્તિ; અનભિષ્વંગ:—તૃષ્ણાનો અભાવ; પુત્ર—સંતાનો; દાર—જીવનસાથી; ગૃહ-આદિષુ—ઘર વગેરે; નિત્યમ્—નિત્ય; ચ—અને; સમચિત્તત્વમ્—સમદર્શિતા; ઈષ્ટ—ઈચ્છિત; અનિષ્ટ—અનિચ્છિત; ઉપપત્તિષુ—પ્રાપ્ત કરીને; મયિ—મારા પ્રત્યે; ચ—પણ; અનન્ય-યોગેન—અનન્ય ઐક્ય; ભક્તિ:—ભક્તિ; અવ્યભિચારિણી—નિરંતર; વિવિક્ત—એકાંત; દેશ—સ્થાનો; સેવિત્વમ્—પ્રત્યે રુચિ; અરતિ:—દ્વેષ; જન-સંસદિ—સામાન્ય જનો પ્રતિ; અધ્યાત્મ—અધ્યાત્મ; જ્ઞાન—જ્ઞાન; નિત્યત્વમ્—સાતત્ય; તત્ત્વ-જ્ઞાન—આધ્યાત્મિક સિદ્ધાંતોનું જ્ઞાન; અર્થ—માટે; દર્શનમ્—દર્શન શાસ્ત્ર; એતત્—આ સર્વ; જ્ઞાનમ્—જ્ઞાન; ઈતિ—આ પ્રમાણે; પ્રોક્તમ્—કહેવાયું; અજ્ઞાનમ્—અજ્ઞાન; યત્—જે; અત:—આથી; અન્યથા—ને બદલે.
Translation
BG 13.8-12: વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરૂની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દૃઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા; અનાસક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર, વગેરે પ્રતિ મમતાનો અભાવ; જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા; મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્ત્વિક શોધ—આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છે અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું.
Commentary
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ કંઈ બૌદ્ધિક વ્યાયામ નથી. પુસ્તકિયા જ્ઞાનથી વિપરીત, કોઈ વ્યક્તિના ચારિત્ર્યમાં પરિવર્તન કર્યા વિના પણ તેનું સંવર્ધન કરી શકાય છે. જે આધ્યાત્મિક જ્ઞાનની ચર્ચા શ્રીકૃષ્ણ કરી રહ્યા છે, તે માટે હૃદયની (અહીં હૃદયનો અર્થ શારીરિક અંગ નથી. મન અને બુદ્ધિના આંતરિક ઉપકરણને પણ હૃદય કહેવાય છે. પ્રાય: તેના માટે અંત:કરણ શબ્દનો પણ ઉપયોગ થાય છે.) પવિત્રતા આવશ્યક છે. આ ચાર શ્લોકો એ ગુણો, આદતો, વર્તન અને મનોવૃત્તિઓનું વર્ણન કરે છે જે મનુષ્યના જીવનને શુદ્ધ કરે છે તથા તેને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરે છે.
વિનમ્રતા. જયારે આપણે આપણા વ્યક્તિગત ક્ષેત્રની વિશેષતાઓ જેમ કે સૌન્દર્ય, બુદ્ધિ, પ્રતિભા, સામર્થ્ય વગેરે અંગે ગર્વાન્વિત થઈએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ સર્વ વિશેષતાઓ આપણને ભગવાને પ્રદાન કરી છે. અહંકાર એ રીતે આપણી ચેતનાને ભગવાનથી વિમુખ કરે દે છે. તે આત્મ-સાક્ષાત્કારના માર્ગ ઉપરનો મહાન અંતરાય છે કારણ કે તે મન અને બુદ્ધિની ગુણવત્તાને પ્રભાવિત કરીને સમગ્ર ક્ષેત્રને કલુષિત કરે છે.
દંભથી મુક્તિ. દંભી મનુષ્ય બનાવટી બાહ્ય વ્યક્તિત્વ વિકસિત કરે છે. તે મનુષ્ય આંતરિક રીતે દોષયુક્ત હોય છે પરંતુ બહારથી સદાચારિતાનો ભ્રામક દેખાવ કરે છે. દુર્ભાગ્યવશ, સદાચારિતાનું આ બાહ્ય પ્રદર્શન ઉપરછલ્લું અને તકલાદી હોય છે.
અહિંસા. જ્ઞાનના સંવર્ધન માટે સર્વ જીવો માટે આદર હોવો આવશ્યક છે. આ મતે અહિંસાની સાધના આવશ્યક છે. તેથી, શાસ્ત્રો કહે છે: આત્મનઃ પ્રતિકૂલાનિ પરેશાં ન સમાચરેત્ અર્થાત્ “જો તમને અન્યનું અમુક વર્તન પસંદ ન હોય, તો તેવું વર્તન તમે તેમની સાથે ન કરશો.”
ક્ષમા. આ આપણને હાનિ કરી હોય તેવી વ્યક્તિ પરત્વે પણ દુર્ભાવનાથી મુકિત છે. વાસ્તવમાં, દુર્ભાવનાને મનમાં આશ્રય આપવો એ અન્ય કરતાં તે વ્યક્તિને પોતાને અધિક હાનિકર્તા બને છે. ક્ષમાનું પાલન કરીને વિવેકી મનુષ્ય મનને નકારાત્મકતાઓથી મુક્ત કરી દે છે અને મનને શુદ્ધ કરી દે છે.
સરળતા. આનું તાત્પર્ય વિચાર, વાણી અને વર્તનમાં સરળતા છે. વિચારોની સરળતામાં કપટ, ઈર્ષ્યા, કુટિલતાના અભાવનો સમાવેશ થાય છે. વાણીની સરળતામાં કટાક્ષ, નિંદા, કુથલી અને અતિશયોક્તિના અભાવનો સમાવેશ થાય છે. વર્તનની સરળતામાં જીવનની સાદાઈ, વ્યવહારમાં પ્રમાણિકતા વગેરેનો સમાવેશ થાય છે.
ગુરુની સેવા. આધ્યાત્મિક જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. દિવ્ય જ્ઞાનના પ્રદાન માટે શિષ્યમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનો ભાવ હોવો આવશ્યક છે. ગુરુની સેવા કરીને શિષ્યમાં વિનમ્રતા અને પ્રતિબદ્ધતાનો વિકાસ થાય છે, જેથી ગુરુ જ્ઞાન પ્રદાન કરી શકે છે. શ્રીકૃષ્ણ શ્લોક સં. ૪.૩૪માં અર્જુનને સ્પષ્ટપણે કહે છે: “આધ્યાત્મિક ગુરુની શરણમાં જઈને સત્યને જાણ. તેમની શ્રદ્ધાપૂર્વક સેવા કરીને આદરપૂર્વક પરમ સત્ય અંગે પૃચ્છા કર. આવા પ્રબુદ્ધ સંત તને જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સ્વયં સત્યના દર્શન કર્યા છે.”
શરીર અને મનની સ્વચ્છતા. શુદ્ધતા આંતરિક અને બાહ્ય બંને હોવી જરૂરી છે. શાંડિલ્ય ઉપનિષદ્દ વર્ણન કરે છે: શૌચં નામ દ્વિવિધં બાહ્યમાન્તરં ચેતિ (૧.૧) “સ્વચ્છતાના બે પ્રકારો છે—આંતરિક અને બાહ્ય.” બાહ્ય સ્વચ્છતા તંદુરસ્ત આરોગ્ય, અનુશાસનના વિકાસ અને મનને વ્યવસ્થિત કરવામાં સહાય કરે છે. પરંતુ માનસિક સ્વચ્છતા તો અધિક મહત્ત્વની છે અને તે મનને પરમ-શુદ્ધ ભગવાનમાં કેન્દ્રિત કરીને પ્રાપ્ત થાય છે. જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ વર્ણન કરે છે:
માયાધીન મલીન મન, હૈ અનાદિ કાલીન,
હરિ વિરહાનલ ધોય જલ, કરુ નિર્મલ બનિ દીન. (ભક્તિ શતક ૭૯)
“અંનત જન્મોથી આ માયિક મન ગંદું છે. અતિ દીનતાની સાધના કરતાં કરતાં ભગવાન પ્રત્યેની વિરહાગ્નિથી તેને નિર્મળ કરો.”
દૃઢતા. આત્મ-જ્ઞાન અને ભગવદ્દ-પ્રાપ્તિ આ બન્ને એક દિવસમાં પ્રાપ્ત થઇ જાય તેવા ધ્યેય નથી. દૃઢતા એ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માર્ગ પર નિરંતર અવિચળ રહેવાનો સંકલ્પ છે. શાસ્ત્રો વર્ણન કરે છે: ચરૈવૈતે ચરૈવતે, ચરન્ વૈ મધુ વિન્દતિ અર્થાત્ “આગળ વધતા રહો. આગળ વધતા રહો. જે હાર નથી માનતા, તેઓ અંતે મધુ-રસ પ્રાપ્ત કરે છે.”
આત્મ-સંયમ. આત્મ સંયમ અર્થાત્ મન તથા ઇન્દ્રિયોને અશુદ્ધ કરતા લૌકિક સુખો પાછળ દોડતા મન અને ઈન્દ્રિયોનું નિયંત્રણ. આત્મસંયમ વ્યકિતને અતિ ભોગવિલાસમાં લિપ્ત થતાં અટકાવે છે.
ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉદાસીનતા. આ ઉપરોક્ત ઉલ્લેખિત આત્મ-સંયમ કરતાં ઉચ્ચતર અવસ્થા છે, જેમાં આપણે બળપૂર્વક પોતાને સંયમિત કરીએ છીએ. ઉદાસીનતા અર્થાત્ ભગવદ્દ-પ્રાપ્તિના માર્ગ ઉપર અંતરાય સ્વરૂપ ઇન્દ્રિય સુખો પ્રત્યેના રસનો અભાવ.
અહંકારની અનુપસ્થિતિ. અહંકાર એ “હું”, “મારું”, અને “મને” નો સ્વ-ચેતન બોધ છે. તેને અવિદ્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે કારણ કે, શારીરિક અવસ્થાએ તે શરીરના ‘સ્વ’ સાથેના તાદાત્મ્યને કારણે ઉદિત થાય છે. તેને અહમ્ ચેતના (સ્વ-ના બોધમાંથી ઉત્પન્ન થતો અહંકાર) પણ કહેવામાં આવે છે. સર્વ રહસ્યવાદીઓ ભારપૂર્વક ઘોષિત કરે છે કે ભગવાનને આપણા હૃદયમાં આમંત્રિત કરવા માટે આપણે સ્વ પ્રત્યેના અહંભાવમાંથી અવશ્ય મુક્ત થવું પડશે.
જબ મૈં થા તબ હરિ નહિં, અબ હરિ હૈ, મૈં નાહીં
પ્રેમ ગલી અતિ સાંકરી, યા મેં દ્વે ન સમાહીં (સંત કબીર)
જયારે “હું”નું અસ્તિત્ત્વ હતું, ત્યારે ત્યાં ભગવાન ન હતા; હવે ભગવાનનું અસ્તિત્ત્વ છે અને “હું” નથી. દિવ્ય પ્રેમનો માર્ગ અતિ સાંકડો છે, તેમાં “હું” અને “ભગવાન” સાથે રહી શકતા નથી.”
જ્ઞાન-યોગ અને અષ્ટાંગ-યોગમાં અહમ્ ચેતનામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત સાધનાઓ છે. પરંતુ, ભક્તિ યોગના માર્ગમાં તેનાથી અતિ સરળતાથી છુટકારો પ્રાપ્ત થઇ જાય છે. આપણે અહમ્ (sense of self)ની આગળ દાસ ઉમેરી દઈએ છીએ અને તેને દાસોહમ્ (હું ભગવાનનો દાસ છું) બનાવી દઈએ છીએ. હવે “હું” હાનિકારક રહેતો નથી અને સ્વ-ચેતનાના સ્થાને ભગવદ્દ-ચેતના સ્થાપિત થઇ જાય છે.
જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવા શત્રુઓને ધ્યાનમાં રાખવા. જો બુદ્ધિ, શું અધિક મહત્ત્વપૂર્ણ છે—માયિક વિકાસ કે આધ્યાત્મિક ઉન્નતિ—એ અંગે અનિર્ણયાત્મક હશે, તો આત્મ-જ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક તીવ્ર ઈચ્છાનો વિકાસ કરવો દુષ્કર બની જાય છે. પરંતુ જયારે બુદ્ધિ સંસારની નિરસતા અંગે સંમત થઇ જાય છે, પશ્ચાત્ તે તેના સંકલ્પમાં દૃઢ થઇ જાય છે. આ દૃઢતા પ્રાપ્ત કરવા માટે આપણે એ દુઃખો કે જે માયિક સંસારમાં જીવનનો અવિભાજ્ય ભાગ છે તે અંગે નિરંતર ચિંતન કરતાં રહેવું જોઈએ. આ જ ચિંતને બુદ્ધને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રેરિત કર્યા. તેમણે રોગીષ્ટ માણસને જોયો અને વિચાર્યું, “અરે! આ સંસારમાં માંદગી છે. એક દિવસ હું પણ રોગગ્રસ્ત થઇશ.” પશ્ચાત્ તેમણે એક વૃદ્ધ માણસ જોયો અને વિચાર્યું, “વૃદ્ધાવસ્થા પણ છે. આનો અર્થ એ કે એક દિવસ હું પણ વૃદ્ધ થઈશ.” પશ્ચાત્, તેમણે મૃત માનવી જોયો અને અનુભવ્યું કે, “આ પણ અસ્તિત્વનો ભાગ છે. તેનો અર્થ કે એક દિવસ હું પણ મૃત્યુ પામીશ.” બુદ્ધની બુદ્ધિ એટલી સાપેક્ષ હતી કે જીવનની આ વાસ્તવિકતાઓના પ્રથમ રહસ્યોદ્ઘાટનથી જ તેમણે સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો. આપણી આવી નિશ્ચયાત્મક બુદ્ધિ ન હોવાથી આપણે વારંવાર આ વાસ્તવિકતાઓનું ચિંતન કરીને સંસારની નિરસતાને બુદ્ધિમાં ઉતારી દેવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
અનાસક્તિ. અનાસક્તિ અર્થાત્ સંસાર પ્રત્યે ઉદાસીનતા. આપણી પાસે કેવળ એક જ મન છે અને જો આપણે તેને આધ્યાત્મિક લક્ષ્યના અનુસરણમાં વ્યસ્ત રાખવા માંગતા હોઈએ તો તેને માયિક વિષયો અને મનુષ્યોથી વિમુખ કરવું પડશે. સાધક સાંસારિક આસક્તિના સ્થાને ભગવદ્દ-પ્રેમ અને ભગવદ્દ-અનુરક્તિનું સ્થાપન કરે છે.
પત્ની, સંતાનો, ઘર વગેરે માટેની લિપ્તતાનો અભાવ. આ એવા ક્ષેત્રો છે જ્યાં મન આસાનીથી આસક્ત થઇ જાય છે. શારીરિક દૃષ્ટિકોણથી, મનુષ્ય શીઘ્રતાથી પરિવાર અને ઘર સાથે “મારું” ગણીને તાદાત્મ્ય સાધી લે છે. પરિણામે, તેઓ મન ઉપર અધિક હાવી થઇ જાય છે અને તેમના પ્રત્યેની આસક્તિ મનને માયિક ચેતનાની બેડીઓમાં બાંધી દે છે. આસક્તિના કારણે પરિવારના સદસ્યો પ્રત્યે ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ બંધાય છે અને જયારે આ અપેક્ષાઓની પૂર્તિ થતી નથી, ત્યારે તે માનસિક ઉત્પાત તરફ લઇ જાય છે. વળી, પરિવારમાં જો કોઈ અન્ય સ્થાને જાય તો કાં તો અલ્પકાલીન સમય માટે અથવા જો તેઓ મૃત્યુ પામે તો સદા માટે અનિવાર્યપણે અલગ થવું પડે છે. આ સર્વ અનુભવો તથા આશંકાઓ મન પર અતિ ભારે બોજ નાખવાનો પ્રારંભ કરે છે અને તેને ભગવાનથી દૂર ખેંચી જાય છે. તેથી, જો આપણે શાશ્વત આનંદની શોધ કરતા હોઈએ તો મનને લિપ્તતાથી અટકાવવા માટે પત્ની, સંતાન અને ઘર પ્રત્યે ખૂબ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. જેમ હોસ્પિટલમાં પરિચારિકા તેની ફરજ નિભાવે છે કે શાળામાં શિક્ષક તેનાં વિદ્યાર્થીઓ પ્રત્યેના ઉત્તરદાયિત્ત્વનું પાલન કરે છે, તેમ આપણે અવશ્યપણે તેમના પ્રત્યેના આપણા ઉત્તરદાયિત્ત્વનું પાલન આસક્તિ વિના કરવું જોઈએ.
જીવનમાં વાંછિત અને અવાંછિત ઘટનાઓ મધ્યે સમભાવ. સુખદાયી અને દુ:ખદાયી ઘટનાઓ આમંત્રણ વિના, રાત્રિ અને દિવસની જેમ આવ્યા કરે છે. એ જ જીવન છે. આ દ્વૈતથી ઉપર ઉઠવા માટે આપણે સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવીને આપણી આધ્યાત્મિક શકિતમાં વૃદ્ધિ કરતા શીખવું જોઈએ. આપણે જીવનના પરિવર્તનોમાં અચળ રહેવાની ક્ષમતાનો વિકાસ કરવો જોઈએ અને સફળતાના ઉન્માદમાં ખેંચાઈ પણ ન જવું જોઈએ.
મારા પ્રત્યે અવિરત અને અનન્ય ભક્તિભાવ. અનાસક્તિનો અર્થ કેવળ એટલો છે કે મન નકારાત્મક દિશામાં જતું નથી. પરંતુ, જીવન એ અવાંછનીયતાને અટકાવવાથી વિશેષ છે. જીવન એટલે ‘વાંછિત’માં લીન થવાનું છે. જીવનનું વાંછિત લક્ષ્ય તેને ભગવાનનાં ચરણ-કમળમાં અર્પિત કરીને પવિત્ર કરવાનું છે. તેથી, શ્રીકૃષ્ણે અહીં તેના પર પ્રકાશ પાડયો છે.
એકાંત સ્થાનો પ્રત્યે રુચિ. સાંસારિક મનુષ્યોથી વિપરીત, ભક્તોને એકલતાની લાગણીને દૂર કરવા માટે સાથ કે સંગની આવશ્યકતાથી દોરાવું પડતું નથી. તેઓ સ્વાભાવિક રીતે એકાંત પસંદ કરે છે જે તેમને ભગવાન સાથેના સાનિધ્યમાં પરાયણ થવામાં સહાયભૂત થાય છે. તેથી, તેઓ પ્રાકૃતિક રીતે જ એકાંતયુક્ત સ્થાનોનું ચયન કરવામાં રુચિ ધરાવે છે, જ્યાં તેઓ પોતાને ભક્તિભાવમાં અધિક ગહનતાથી લીન થવા સક્ષમ કરી શકે.
જન સમુદાય પ્રત્યે વિમુખતા. માયિક મનની એ નિશાની છે કે તે સાંસારિક લોકો અને સાંસારિક વિષયોની ચર્ચામાં આનંદ અનુભવે છે. જે મનુષ્ય દિવ્ય ચેતનાનું સંવર્ધન કરે છે, તે પ્રાકૃતિક રીતે જ આ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રત્યે અરુચિ ધરાવે છે. એ રીતે લૌકિક સમાજની ઉપેક્ષા કરે છે. પરંતુ સાથેસાથે, જો ભગવદ્દ-સેવાર્થે તેમાં યોગદાન કરવું આવશ્યક હોય, તો ભક્ત તેનો સ્વીકાર કરે છે અને આ સર્વથી માનસિક રીતે બિન-પ્રભાવિત રહેવાની ક્ષમતાને વિકસિત કરે છે.
આધ્યાત્મિક જ્ઞાનમાં સ્થિરતા. સૈદ્ધાંતિક રીતે કંઇક જાણવું એ પર્યાપ્ત નથી. વ્યક્તિને જ્ઞાત હોય છે કે ક્રોધ કરવો એ અનુચિત છે છતાં પણ તે વારંવાર ક્રોધને અભિવ્યક્ત કરે છે. આપણે આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનના વ્યાવહારિક અમલીકરણની સાધના કરવાનું શીખવું આવશ્યક છે. આ એકાદ વખત ગહન સત્યોનું શ્રવણ કરવાથી થતું નથી. તેનું શ્રવણ કર્યા પશ્ચાત્ આપણે તે અંગે વારંવાર મનન-ચિંતન કરવું આવશ્યક છે. આ પ્રકારનું દિવ્ય સત્યો અંગેનું ચિંતન એ આધ્યાત્મિક જ્ઞાનની સ્થિરતા છે, જે અંગે શ્રીકૃષ્ણ સમજાવી રહ્યા છે.
પરમ સત્યની તાત્ત્વિક શોધ. પ્રાણીઓ પણ આહાર, નિદ્રા, મૈથુન અને સ્વ-રક્ષણ જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. પરંતુ, ભગવાને માનવ દેહને જ્ઞાનના સામર્થ્યના આશિષ પ્રદાન કરેલા છે. તે શારીરિક પ્રવૃત્તિઓમાં વૈભવી રીતે વ્યસ્ત રહેવા માટે નથી પરંતુ વિવિધ પ્રશ્નોનું ચિંતન કરવા માટે પ્રદાન કર્યા છે: “હું કોણ છું?” “હું અહીં શા માટે છું?” મારા જીવનનું ધ્યેય શું છે?” “આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું?” “મારો સર્જનહાર સાથે શું સંબંધ છે?” “હું મારા જીવનના ધ્યેયની પરિપૂર્તિ કેવી રીતે કરીશ?” આ પ્રકારની તાત્ત્વિક શોધ આપણી વિચારશીલતાને પાશવી અવસ્થાથી ઉપર ઉઠાવીને ઉદાત્ત બનાવે છે તથા ભગવદ્દ-પ્રાપ્તિના દિવ્ય વિજ્ઞાનના શ્રવણ અને વાંચન સુધી દોરી જાય છે.
ઉપરોક્ત વર્ણિત સર્વ ગુણો, આદતો, વર્તનો અને મનોવલણ જ્ઞાન અને ડહાપણની વુદ્ધિ તરફ અગ્રેસર કરે છે. તેનાથી વિપરીત, આડંબર, દંભ, હિંસા, પ્રતિશોધ, પ્રપંચ, ગુરુ પ્રત્યે અનાદર, શરીર અને મનની અસ્વચ્છતા, અસ્થિરતા, આત્મ-સંયમનો અભાવ, ઇન્દ્રિયોના પદાર્થો પ્રત્યે લાલસા, અહંકાર, પત્ની, સંતાનો, ઘર વગેરે પ્રત્યેની લિપ્તતા વગેરે છે. આ પ્રકારની મનોવૃત્તિ આત્મજ્ઞાનના વિકાસને પાંગળો બનાવી દે છે. તેથી, શ્રીકૃષ્ણ તેમને અજ્ઞાન અને અંધકાર કહે છે.