યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ।
ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત ॥ ૩૪॥
યથા—જેવી રીતે; પ્રકાશયંતિ—પ્રકાશિત કરે છે; એક:—એક; કૃત્સ્નમ્—સંપૂર્ણ; લોકમ્—સૂર્ય મંડળ; ઈમમ્—આ; રવિ:—સૂર્ય; ક્ષેત્રમ્—શરીર; ક્ષેત્રી—આત્મા; તથા—તેવી રીતે; કૃત્સ્નમ્—સંપૂર્ણ; પ્રકાશયંતિ—પ્રકાશિત કરે છે; ભારત—અર્જુન, ભરતપુત્ર.
Translation
BG 13.34: જે પ્રમાણે, એક સૂર્ય સંપૂર્ણ સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને (ચેતનાથી) પ્રકાશિત કરે છે.
Commentary
યદ્યપિ આત્મા જે શરીરમાં ચેતના સાથે ઉપસ્થિત રહે છે, તે શરીરને ઊર્જા પ્રદાન કરે છે, તથાપિ તે સ્વયં અતિ સૂક્ષ્મ છે.એષોઽણુરાત્મા (મુંડકોપનિષદ ૩.૧.૯) “આત્માનું કદ અતિ સૂક્ષ્મ છે.” શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:
બાલાગ્રશતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ
ભાગો જીવઃ સ વિજ્ઞેયઃ સ ચાનન્ત્યાય કલ્પતે (૫.૯)
“જો આપણે વાળના અગ્ર ભાગને સો વિભાગોમાં વિભાજીત કરીએ અને પશ્ચાત્ પ્રત્યેક ભાગને અન્ય સો ભાગમાં વિભાજીત કરીએ ત્યારે આપણે આત્માના કદની કલ્પના કરી શકીએ. આ આત્માઓ સંખ્યામાં અસંખ્ય છે.” આ આત્માની સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુતાને અભિવ્યક્ત કરવાની શૈલી છે.
આટલો સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુ આત્મા સમગ્ર શરીરને કેવી રીતે ઊર્જા પ્રદાન કરી શકે છે કે જે તેની તુલનામાં અધિક વિશાળ છે? શ્રીકૃષ્ણ સૂર્યની ઉપમા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરે છે. એક જ સ્થાને સ્થિત હોવા છતાં પણ સૂર્ય સંપૂર્ણ સૂર્ય મંડળને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે, વેદાંત દર્શન વર્ણન કરે છે:
ગુણાદ્વા લોકવત્ (૨.૩.૨૫)
“આત્મા અંત:કરણમાં સ્થિત હોવા છતાં પણ તેની ચેતના સમગ્ર શરીરના ક્ષેત્રને પ્રદાન કરે છે.”