Bhagavad Gita: Chapter 13, Verse 15

સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્ ।
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ ॥ ૧૫॥

સર્વ—બધી; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; ગુણ—ઇન્દ્રિય-વિષયો; આભાસમ્—ગોચર; સર્વ—સર્વ;  ઈન્દ્રિય—ઇન્દ્રિયો; વિવર્જિતમ્—રહિત; અસક્તમ્—અનાસક્ત; સર્વ-ભૃત્—સર્વનું પાલન કરનાર; ચ—છતાં; એવ—વાસ્તવમાં; નિર્ગુણમ્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પરે; ગુણ-ભોક્ત્રુ—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા; ચ—હોવા છતાં.

Translation

BG 13.15: યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય-વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલનકર્તા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા છે.

Commentary

ભગવાનની ઇન્દ્રિયો સર્વત્ર છે, એમ વર્ણવીને હવે શ્રીકૃષ્ણ સર્વથા વિપરીત વર્ણન કરતાં કહે છે કે તેઓ કોઈ ઇન્દ્રિયો ધરાવતા નથી. જો આપણે આ અંગે લૌકિક તર્કથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણને આ વિષય વિરોધાભાસી લાગશે. આપણે પૃચ્છા કરીશું, “ભગવાન અસંખ્ય ઇન્દ્રિયોના સ્વામી અને ઇન્દ્રિય રહિત એમ બંને કેવી રીતે હોઈ શકે?” પરંતુ, ભૌતિક તર્ક એને લાગુ પડતો નથી, જેઓ બુદ્ધિથી પરે હોય છે. ભગવાન વિરોધાભાસી અનંત ગુણોનાં સ્વામી છે. બ્રહ્મ વૈવર્તક પુરાણ વર્ણન કરે છે:

           વિરુદ્ધ ધર્મો રૂપોસા વૈશ્વર્યાત્ પુરુષોત્તમાહ્

“પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અસંખ્ય વિરોધાભાસી ગુણોના નિધિ છે.” આ શ્લોકમાં શ્રીકૃષ્ણ, ભગવાનમાં સ્થિત આ અસંખ્ય ગુણોમાંથી કેટલાક ગુણોનો ઉલ્લેખ કરે છે.

તેઓ આપણી સમાન ભૌતિક ઈન્દ્રિયોથી રહિત છે અને તેથી એમ કહેવું યથાર્થ છે કે તેઓ ઈન્દ્રિયો ધરાવતા નથી. સર્વેન્દ્રિય વિવર્જિતમ્  અર્થાત્ “તેઓ માયિક ઈન્દ્રિયોથી રહિત છે.” પરંતુ તેઓ દિવ્ય ઈન્દ્રિયો ધરાવે છે, જે સર્વત્ર છે અને પરિણામે એ કહેવું ઉચિત છે કે ભગવાનની ઈન્દ્રિયો સર્વત્ર છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ્  અર્થાત્ “તેઓ ઈન્દ્રિયોનાં કર્મોને પ્રગટ કરે છે અને ઈન્દ્રિય-વિષયોને ગ્રહણ કરે છે.” આ બંને ગુણોને સમાવિષ્ટ કરીને શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:

            અપાણિપાદો જવનો ગ્રહીતા

            પશ્યત્યચક્ષુઃ સ શૃણોત્યકર્ણઃ (૩.૧૯)

“ભગવાન માયિક હસ્ત, ચરણ, નેત્રો અને કર્ણો ધરાવતા નથી. છતાં તેઓ ગ્રહણ કરે છે, ચાલે છે, જોવે છે અને સાંભળે છે.”

આગળ વધીને શ્રીકૃષ્ણ વર્ણન કરે છે કે તેઓ સમગ્ર સૃષ્ટિના પાલનકર્તા છે અને છતાં તેમનાથી વિરક્ત છે. શ્રીવિષ્ણુ નારાયણ તરીકેના તેમના સ્વરૂપે ભગવાન સમગ્ર સૃષ્ટિનું પાલનપોષણ કરે છે. તેઓ સર્વ જીવના અંત:કરણમાં સ્થિત રહીને તેમનાં કર્મો નોંધે છે અને તેમનું ફળ પ્રદાન કરે છે. ભગવાન વિષ્ણુના પ્રભુત્ત્વ હેઠળ બ્રહ્માજી માયિક વિજ્ઞાનના સિદ્ધાંતોનું નિર્માણ કરે છે અને તે પ્રકારે  બ્રહ્માંડના સંચાલનની સુચારુતા સુનિશ્ચિત કરે છે. ભગવાન વિષ્ણુના આધિપત્યમાં સ્વર્ગીય દેવતાઓ પણ વાયુ, પૃથ્વી, જળ, વર્ષા વગેરે પ્રદાન કરવાની વ્યવસ્થા કરે છે, જે આપણા જીવનનિર્વાહ માટે આવશ્યક છે. તેથી, ભગવાન સર્વનાં પાલનકર્તા છે. છતાં, તેઓ સ્વયં પૂર્ણકામ છે અને તે રીતે સર્વથી વિરક્ત છે. વેદો તેમને આત્મારામ કહીને સંબોધન કરે છે. અર્થાત્ “જે પોતાના આત્મામાં રમણ કરે છે અને જેને બાહ્ય અન્ય કોઈની પણ આવશ્યકતા નથી.”

માયા શક્તિ ભગવાનની દાસી છે અને તે ભગવાનના સુખ માટે કાર્ય કરે છે. તે પ્રમાણે, ભગવાન ત્રણ ગુણો (માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણો)ના ભોક્તા છે. સાથે સાથે, તેઓ નિર્ગુણ (ત્રણ ગુણોથી પરે) પણ છે કારણ કે, ત્રણ ગુણો માયિક છે, જયારે ભગવાન તો દિવ્ય છે.