અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ ।
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ॥ ૧૭॥
અવિભક્તમ્—અવિભાજિત; ચ—છતાં; ભૂતેષુ—જીવમાત્રમાં; વિભક્તમ્—વિભાજીત; ઈવ—પ્રત્યક્ષરૂપે; ચ—છતાં; સ્થિતમ્—સ્થિત; ભૂત-ભતૃ—સર્વ જીવોનાં પાલક; ચ—પણ; તત્—તે; જ્ઞેયમ્—જાણવા યોગ્ય; ગ્રસિષ્ણુ—ગ્રાસ કરી જનાર; પ્રભવિષ્ણુ—સર્જનહાર; ચ—અને.
Translation
BG 13.17: તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.
Commentary
ભગવાનના સ્વરૂપમાં તેમની વિવિધ શક્તિઓ સમાવિષ્ટ હોય છે. સર્વ પ્રગટ અને અપ્રગટ વિષયો બીજું કંઈ નહિ, પરંતુ ભગવાનની શક્તિનું જ વિસ્તરણ છે. તેથી, આપણે કહી શકીએ છીએ કે તેઓ જે સર્વ અસ્તિત્વમાન છે, તે સર્વ છે. તદ્દનુસાર શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:
દ્રવ્યં કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ
વાસુદેવાત્પરો બ્રહ્મન્ન ચાન્યોઽર્થોઽસ્તિ તત્ત્વતઃ (૨.૫.૧૪)
“સર્જનના વિવિધ વિષયો—સમય, કર્મ, પ્રત્યેક જીવની પ્રકૃતિઓ તથા સર્જનનાં માયિક તત્ત્વો—આ સર્વ પરમ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ સ્વયં છે. અસ્તિત્વમાં એવું કંઈ નથી, જે તેમનાથી ભિન્ન હોય.”
ભગવાન તેમના સર્જનના પદાર્થોમાં પ્રત્યક્ષ સ્વરૂપે વિભાજિત હોય એમ પ્રતીત થાય, પરંતુ અસ્તિત્વમાંનું સર્વ તેઓ જ હોવાથી તેઓ અવિભાજ્ય જ રહે છે. ઉદાહરણ તરીકે, અવકાશ તેમાં નિહિત પદાર્થોમાં વિભાજિત પ્રતીત થાય છે. છતાં પણ, એક જ અસ્તિત્ત્વમાં નિહિત સર્વ પદાર્થોને અંતરિક્ષ કહેવામાં આવે છે, જે સૃષ્ટિના પ્રારંભમાં પ્રગટ થયું. પુન: પાણીનાં ખાબોચિયામાં પડતું સૂર્યનું પ્રતિબિંબ વિભાજિત પ્રતીત થાય છે અને છતાં સૂર્ય તો અવિભાજિત જ રહે છે.
જે પ્રમાણે સમુદ્ર તેના તરંગોને ફેંકે છે અને પશ્ચાત્ તેને પોતાનામાં વિલીન કરી દે છે, તે જ પ્રમાણે, ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, તેનું પાલન-પોષણ કરે છે અને પશ્ચાત્ તેને સ્વયંમાં વિલીન કરી દે છે. તેથી, તેઓ સમાન રૂપે સર્વના સર્જનહાર, પાલનકર્તા અને સંહારકના રૂપે જોવા મળે છે.