ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ ।
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ॥ ૨૪॥
ય:—જે; એવમ્—આ પ્રમાણે; વેત્તિ—જાણે છે; પુરુષમ્—પુરુષ; પ્રકૃતિમ્—ભૌતિક પ્રકૃતિ; ચ—અને; ગુણૈઃ —પ્રકૃતિના ત્રણ ગુણો; સહ—સાથે; સર્વથા—સર્વ પ્રકારે; વર્તમાન:—સ્થિત; અપિ—હોવા છતાં; ન—નહીં; સ:—તેઓ; ભૂય:—પુન:; અભિજાયતે—જન્મ પામે છે.
Translation
BG 13.24: જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુન: અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે.
Commentary
અજ્ઞાન આત્માને તેની વર્તમાન વિષમ પરિસ્થિતિ તરફ લઈ જાય છે. પોતાની ભગવાનનાં એક સૂક્ષ્મ અંશ તરીકેની આધ્યાત્મિક ઓળખાણ ભૂલીને તે માયિક ચેતનામાં પતિત થઈ જાય છે. તેથી, તેની વર્તમાનની પરિસ્થિતિમાંથી પુનરુત્થાન માટે જ્ઞાન અતિ મહત્ત્વ ધરાવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્દ આ જ વિષયનું સુંદર નિરૂપણ કરતાં કહે છે:
સંયુક્તમેતત્ ક્ષરમક્ષરં ચ
વ્યક્તાવ્યક્તં ભરતે વિશ્વમીશઃ
અનીશશ્ચાત્મા બધ્યતે ભોક્તૃભાવા-
જ્જ્ઞાત્વા દેવં મુચ્યતે સર્વપાશૈઃ (૧.૮)
“સૃષ્ટિમાં ત્રણ તત્ત્વો છે—સદૈવ પરિવર્તનશીલ માયિક પ્રકૃતિ, અપરિવર્તનીય આત્મા અને આ બંનેના સ્વામી પરમેશ્વર ભગવાન. આ તત્ત્વો વિષેનું અજ્ઞાન આત્મા માટે બંધનનું કારણ છે, જયારે તેમનાં વિષેનું જ્ઞાન માયાની બેડીઓ કાપીને તેને તેનાથી પૃથક્ થવામાં સહાય કરે છે.”
જે જ્ઞાન અંગે શ્રીકૃષ્ણ ચર્ચા કરી રહ્યા છે, તે કેવળ પુસ્તકિયું જ્ઞાન નથી, પરંતુ અનુભૂત જ્ઞાન છે. જ્ઞાનની અનુભૂતિ ત્યારે સિદ્ધ થાય છે, જયારે આપણે પ્રથમ આ ત્રણ તત્ત્વો અંગેનું સૈદ્ધાંતિક જ્ઞાન ગુરુ તથા શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરીએ અને પશ્ચાત્ તદ્દનુસાર આધ્યાત્મિક સાધનામાં લીન થઈએ. શ્રીકૃષ્ણ હવે આમાંથી કેટલીક આધ્યાત્મિક સાધનાઓ અંગે આગામી શ્લોકમાં ચર્ચા કરે છે.