બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ ।
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્ ॥ ૧૬॥
બહિ:—બહાર; અન્ત:—અંદર; ચ—અને; ભૂતાનામ્—સર્વ જીવોનાં; અચરમ્—અચળ; ચરમ્—ચલ; એવ—વાસ્તવમાં; ચ—અને; સૂક્ષ્મત્વાત્—સૂક્ષ્મ હોવાથી; તત્—તે; અવિજ્ઞેયમ્—અજ્ઞેય; દૂર-સ્થમ્—અતિ દૂર; ચ—અને; અન્તિકે—અતિ સમીપ; ચ—પણ; તત્—તે.
Translation
BG 13.16: તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્ત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે.
Commentary
શ્રીકૃષ્ણ જે પ્રમાણે અહીં ભગવાનનું વર્ણન કરે છે, એ જ પ્રમાણે વૈદિક મંત્ર પણ ભગવાનનું વર્ણન કરે છે:
તદેજતિ તન્નૈજતિ તદ્ દૂરે તદ્વન્તિકે
તદન્તરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ (ઇશોપનિષદ્દ મંત્ર ૫)
“પરમ બ્રહ્મ ચાલતા નથી, પરંતુ તેઓ ચાલે છે; તેઓ દૂર છે, પરંતુ તેઓ નિકટ પણ છે. તેઓ સર્વ પદાર્થની અંદર સ્થિત છે પરંતુ તેઓ સર્વ પદાર્થની બહાર પણ સ્થિત છે.” અગાઉ શ્લોક સં. ૧૩.૩માં શ્રીકૃષ્ણે કહ્યું હતું કે ભગવાનને જાણવા એ વાસ્તવિક જ્ઞાન છે. પરંતુ અહીં તેઓ કહે છે કે, પરમ તત્ત્વ અગમ્ય છે. પુન: આ પણ વિરોધાભાસી પ્રતીત થાય છે પરંતુ તેમનું કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને ઈન્દ્રિયો, મન અને બુદ્ધિથી જાણી શકાતા નથી. બુદ્ધિ માયિક શક્તિની બનેલી છે, તેથી તે ભગવાન કે જેઓ દિવ્ય છે, તેમના સુધી પહોંચી શકતી નથી. પરંતુ, જો ભગવાન કોઈ પર કૃપા કરે તો તે સદ્ભાગ્યશાળી આત્મા તેમને જાણી શકે છે.