પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ ।
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ॥ ૨૦॥
પ્રકૃતિમ્—માયિક પ્રકૃતિ; પુરુષમ્—જીવાત્મા; ચ—અને; એવ—નિશ્ચિત; વિદ્ધિ—જાણ; અનાદિ—આદિ રહિત; ઉભૌ—બંને; અપિ—અને; વિકારાન્—રૂપાંતરો (શારીરિક); ચ—પણ; ગુણાન્—પ્રકૃતિના ત્રણ ગુણો; ચ—અને; એવ—નિશ્ચિત; વિદ્ધિ—જાણ; પ્રકૃતિ—માયિક શક્તિ; સમ્ભવાન્—દ્વારા ઉત્પન્ન થયેલાં.
Translation
BG 13.20: પ્રકૃતિ (માયા) અને પુરુષ (જીવાત્મા) આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયાં છે.
Commentary
ભૌતિક શક્તિને માયા કહે છે. ભગવાનની શક્તિ હોવાના કારણે જ્યારથી ભગવાનનું અસ્તિત્ત્વ છે, ત્યારથી તે અસ્તિત્ત્વ ધરાવે છે. અન્ય શબ્દોમાં, તે અનાદિ છે. આત્મા પણ અનાદિ છે અને અહીં તેને પુરુષ (જીવાત્મા) તરીકે સંબોધવામાં આવે છે, જયારે સ્વયં ભગવાનને પરમ પુરુષ (પરમાત્મા) તરીકે સંબોધવામાં આવે છે.
જીવાત્મા પણ ભગવાનની શક્તિનું વિસ્તરણ છે. શક્તિત્વેનૈવાંશત્વં વ્યઞ્જયન્તિ (પરમાત્મ સંદર્ભ ૩૯) “આત્મા એ ભગવાનની જીવ શક્તિ (આત્મ શક્તિ)નો અંશ છે.” માયિક પ્રકૃતિ એ અચેતન શક્તિ છે, જયારે જીવ શક્તિ એ ચેતન શક્તિ છે. તે દિવ્ય અને અપરિવર્તનીય છે. તે વિભિન્ન જીવનમાં અને પ્રત્યેક જીવનની વિભિન્ન અવસ્થાઓમાં અપરિવર્તનીય રહે છે. એક જીવનકાળ દરમ્યાન શરીર જે છ અવસ્થાઓમાંથી પસાર થાય છે, તે છે: અસ્તિ (ગર્ભમાં અસ્તિત્વ), જાયતે (જન્મ), વર્ધતે (વૃદ્ધિ), વિપરિણમતે (પ્રજનન), અપક્ષીયતે (ક્ષીણતા) અને વિનશ્યતિ (મૃત્યુ). શરીરમાં આ પરિવર્તનો માયિક શક્તિ દ્વારા થાય છે, જેને પ્રકૃતિ અથવા તો માયા કહે છે. તે પ્રકૃતિનાં ત્રણ ગુણો—સત્ત્વ, રજસ અને તમસ—તથા તેમનાં અગણિત મિશ્રણોનું વૈવિધ્ય ઉત્પન્ન કરે છે.