શ્રીભગવાનુવાચ ।
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ ।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥૧॥
શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; મયિ—મારામાં; આસક્ત-મના:—આસક્ત મનવાળો; પાર્થ—પૃથાપુત્ર; યોગમ્—ભક્તિ યોગ; યુઞ્જન—અભ્યાસ કરતા; મત-આશ્રય:—મને સમર્પિત; અસંશયમ્—નિ:સંદેહ; સમગ્રમ્—સંપૂર્ણપણે; મામ્—મને; યથા—જે રીતે; જ્ઞાસ્યસિ—તું જાણી શકીશ; તત્—તે; શ્રુણુ—સાંભળ.
Translation
BG 7.1: પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા: હે અર્જુન! હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિ:સંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ.
Commentary
છઠ્ઠા અધ્યાયના ઉપસંહારમાં શ્રીકૃષ્ણે ઉદ્દઘોષણા કરી હતી કે જેઓ મનને અનન્ય રીતે કેન્દ્રિત કરીને, ભક્તિયુક્ત થઈને મારી સેવા કરે છે તેઓ બધા પ્રકારના યોગીઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ કથનથી સ્વાભાવિક રીતે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે: પરમાત્માને જાણવાનો માર્ગ કયો છે? મનુષ્યે કેવી રીતે તેમનું ધ્યાન ધરવું જોઈએ? ભક્તે ભગવાનની આરાધના કેવી રીતે કરવી જોઈએ? અર્જુને આ પ્રશ્નો કર્યા ન હતા, પરંતુ અનુકંપાવશ ભગવાને પૂર્વધારણાથી આ પ્રશ્નોનો ઉત્તર આપવાનો આરંભ કર્યો. તેમણે ‘શ્રુણુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે, અર્થાત્ ‘સાંભળ’, જેને મદ-આશ્રય: અર્થાત્ ‘મારામાં મનને કેન્દ્રિત કરીને’ શબ્દ દ્વારા સુયોગ્ય રીતે સ્પષ્ટ કરે છે.