Bhagavad Gita: Chapter 7, Verse 8

રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮॥

રસ:—સ્વાદ; અહમ્—હું; અપ્સુ—જળમાં; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રભા—પ્રકાશ; અસ્મિ—હું છું; શશી-સૂર્યયો:—ચંદ્ર અને સૂર્યના; પ્રણવ:—પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ); સર્વ—સર્વમાં; વેદેષુ—વેદો; શબ્દ:-—ધ્વનિ; ખે—આકાશમાં; પૌરુષમ્—સામર્થ્ય; નૃષુ—મનુષ્યોમાં.

Translation

BG 7.8: હે કુંતીપુત્ર! હું જળમાં સ્વાદ છું અને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ) છું; હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું.

Commentary

તેઓ સર્વ અસ્તિત્ત્વનો સ્રોત અને આધાર છે એમ જણાવીને હવે શ્રીકૃષ્ણ તેમના કથનનું સત્ય આગામી ચાર શ્લોકમાં વ્યક્ત કરે છે. જયારે આપણે ફળ આરોગીએ છીએ ત્યારે તેના સ્વાદમાં રહેલી મધુરતા ફળમાં રહેલી ખાંડની હાજરીનું સૂચન કરે છે. એ જ પ્રમાણે, શ્રીકૃષ્ણ તેમની શક્તિના સર્વ પરિવર્તિત રૂપોમાં રહેલી તેમની ઉપસ્થિતિ પ્રગટ કરે છે. તેઓ કહે છે કે જળમાં તેઓ સ્વાદ છે, જે તેનો વિલક્ષણ ગુણ છે. આખરે, જળમાંથી જળનો સ્વાદ કોણ પૃથક્ કરી શકે? માયિક શક્તિના અન્ય દરેક સ્વરૂપ—વાયુ, અગ્નિ, ઘન—ને તેમના સ્વાદના વહન માટે પ્રવાહીની આવશ્યકતા રહે છે. તમારી શુષ્ક જીહ્વા પર કોઈ ઘન પદાર્થ મૂકવાનો પ્રયાસ કરો, તમને કોઈ સ્વાદ મળશે નહીં. પરંતુ જયારે તે ઘન મુખમાં રહેલી લાળ દ્વારા ઓગળે છે, ત્યારે જીહ્વાની સ્વાદ ગ્રંથિ દ્વારા તેના સ્વાદનો બોધ થાય છે.

એ જ પ્રમાણે, આકાશ ધ્વનિના વાહન તરીકે કાર્ય કરે છે. ધ્વનિ આપમેળે વિવિધ ભાષાઓમાં પરિવર્તિત થાય છે અને શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ આ સર્વનો આધાર છે, કારણ કે આકાશમાં રહેલો ધ્વનિ એ તેમની શક્તિ છે. આગળ તેઓ કહે છે કે, તેઓ પ્રણવનું ઉચ્ચારણ “ઓમ” છે કે જે વૈદિક મંત્રોનું મહત્ત્વનું તત્ત્વ છે. તેઓ મનુષ્યોમાં પ્રગટ થતા સર્વ સામર્થ્યનો મૂળ શક્તિસ્ત્રોત પણ છે.