Bhagavad Gita: Chapter 7, Verse 18

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥ ૧૮॥

ઉદારા:—ઉદાર; સર્વે—સર્વ; એવ—નક્કી; એતે—આ; જ્ઞાની—જ્ઞાની; તુ—પરંતુ; આત્મા એવ—મારા જેવો જ; મે—મારો; મતમ્—અભિપ્રાય; આસ્થિત:—સ્થિત; સ:—તે; હિ—નિશ્ચિત; યુક્ત-આત્મા—જે જોડાયેલો છે; મામ્—મને; એવ—નિશ્ચિત; અનુત્તમામ્—સર્વોચ્ચ; ગતિમ્—ધ્યેય.

Translation

BG 7.18: વાસ્તવમાં, એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિ:સંદેહ ઉદાર મનવાળા છે.પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છે.

Commentary

જ્ઞાની ભક્ત (જ્ઞાનમાં સ્થિત ભક્ત) સર્વશ્રેષ્ઠ છે, એમ શ્લોક નં. ૭.૧૭માં જણાવ્યા પશ્ચાત્ હવે શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે અન્ય ત્રણ પ્રકારના ભક્તો પણ ધન્ય છે. કોઈપણ મનુષ્ય કોઈપણ કારણસર ભક્તિમાં લીન થાય છે તો એ સૌભાગ્યશાળી છે. જો કે, જે ભક્તો જ્ઞાનમાં સ્થિત છે, તેઓ ભૌતિક કારણોથી ભગવાનની ભક્તિ કરતા નથી. પરિણામે, ભગવાન આવા ભક્તોના નિષ્કામ અને બિનશરતી પ્રેમથી બંધાઈ જાય છે.

પરા ભક્તિ અથવા દિવ્ય પ્રેમ એ સંસારી પ્રેમ કરતાં અત્યંત ભિન્ન હોય છે. દિવ્ય પ્રેમ દિવ્ય પ્રિયતમના સુખ માટેની ભાવનાથી પરિપ્લુત હોય છે; સંસારી પ્રેમ સ્વ-સુખની ઈચ્છાથી પ્રેરિત હોય છે. દિવ્ય પ્રેમ સમર્પણ અને પ્રિયતમની સેવા માટે પરિત્યાગની ભાવનાથી યુક્ત હોય છે; સંસારી પ્રેમમાં લેવાની ભાવના પ્રધાન હોય છે, જેમાં અંતિમ લક્ષ્ય પ્રિયતમ પાસેથી કંઈક મેળવવાનું હોય છે. ચૈતન્ય મહાપ્રભુ વર્ણવે છે:

             કામેર તાત્પર્ય—નિજ સમ્ભોગ કેવલ

            કૃષ્ણસુખતાત્પર્ય માત્ર પ્રેમ ત’ પ્રબલ

           અતએવ કામ-પ્રેમે બહુત અન્તર

           કામ—અન્ધતમ: પ્રેમ—નિર્મલ ભાસ્કર

(ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા, ૪.૧૬૬ & ૧૭૧)

“વાસના (સંસારી પ્રેમ) સ્વ-સુખ માટે અસ્તિત્વ ધરાવે છે; દિવ્ય પ્રેમ શ્રીકૃષ્ણના સુખ માટે અસ્તિત્વ ધરાવે છે. બંને વચ્ચેનો આ તીવ્ર ભેદ છે—કામ એ અંધકાર અને અજ્ઞાન સમાન છે, જયારે પ્રેમ એ નિર્મળ અને સૂર્ય સમાન પ્રકાશિત છે.” જગદગુરૂ શ્રી કૃપાલુજી મહારાજ આ અંગે સુંદર વર્ણન કરે છે:

            બ્રહ્મ લોક પર્યંત સુખ, અરુ મુક્તિહુઁ ત્યાગ

           તબૈ ધરહુ પગ પ્રેમ પથ, નહિં લગિ જૈહેં દાગ (ભક્તિ શતક ૪૫)

“જો તમે પ્રેમભક્તિના પથ પર ચાલવા ઈચ્છતા હો તો બ્રહ્મલોક પર્યંતના સંસારી સુખો અને મોક્ષની પણ કામનાનો ત્યાગ કરો. અન્યથા દિવ્ય પ્રેમનું નિર્મળ જળ સ્વાર્થથી દૂષિત થઈ જશે.”

નારદ મુનિ શુદ્ધ ભક્તિને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે:

            તત્સુખ સુખીત્વમ્ (નારદ ભક્તિ દર્શન, સૂત્ર ૨૪)

“વાસ્તવિક પ્રેમ પ્રિયતમના સુખ અર્થે હોય છે.” ભૌતિકતાથી પ્રેરિત ભક્ત આ પ્રકારની ભક્તિમાં પરાયણ થઈ શકતા નથી પરંતુ જે ભક્ત જ્ઞાનયુક્ત છે, તેનો નિ:સ્વાર્થ પ્રેમની આ અવસ્થા સુધી અભ્યુદય થાય છે. જયારે કોઈ મનુષ્ય ભગવાનને આ ભાવનાથી પ્રેમ કરતા શીખી લે છે તો ભગવાન તેના દાસ બની જાય છે. ભગવાનનો સર્વશ્રેષ્ઠ ગુણ ભક્ત-વત્સલ (તેમના ભક્ત માટેનો તેમનો પ્રેમ) છે.

પુરાણોમાં વર્ણન છે:

            ગીત્વા ચ મમ નામાનિ વિચરેન્મમ સન્નિધૌ

           ઈતિ બ્રવીમિ તે સત્યમ કૃતોહમ તસ્ય ચાર્જુન (આદિ પુરાણ ૧.૨.૨૩૧)

શ્રીકૃષ્ણ કહે છે કે, “હું મારા એ ભક્તોનો દાસ બની જાઉં છું, જેઓ મારું નામ સંકીર્તન કરે છે અને તેમના ચિંતનથી મારા સાનિધ્યમાં રહે છે. હે અર્જુન, આ સત્ય છે.” ભગવાન તેમના નિષ્કામ ભક્તો પ્રત્યે એવો ઋણભાવ અનુભવે છે કે આ શ્લોકમાં તેમણે એટલી હદ સુધી ઘોષિત કરી દીધું કે હું તેમને મારા પોતાના સમાન ગણું છે.