Bhagavad Gita: Chapter 7, Verse 19

બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥ ૧૯॥

બહુનામ્—અનેક; જન્મનામ્—જન્મ; અન્તે—પછી; જ્ઞાનવાન્—પૂર્ણજ્ઞાની; મામ્—મને; પ્રપધ્યન્તે—શરણાગત થાય છે; વાસુદેવ:—શ્રીકૃષ્ણ, વાસુદેવના પુત્ર; સર્વમ્—સર્વ; ઈતિ—એમ; સ: —તે; મહા-આત્મા—મહાત્મા; સુ-દુર્લભમ્—અત્યંત દુર્લભ.

Translation

BG 7.19: અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત્ જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વેસર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે.

Commentary

આ શ્લોક એક સાધારણ ગેરસમજ અંગે સ્પષ્ટતા કરે છે. ઘણીવાર, બૌદ્ધિકતાથી પ્રેરિત લોકો,જ્ઞાનની તુલનામાં ભક્તિને નિકૃષ્ટ ગણીને તેનો ઉપહાસ કરે છે. તેઓ જ્ઞાનની વૃદ્ધિમાં વ્યસ્ત હોવાની પોતાની મિજાસી હવાને પોષે છે અને જે લોકો ભક્તિમાં વ્યસ્ત થાય છે, તેમને નિમ્ન દૃષ્ટિથી જુએ છે. પરંતુ, આ શ્લોકમાં શ્રીકૃષ્ણ તદ્દન વિપરીત વાત કરે છે. તેઓ કહે છે કે, અનેક જન્મોમાં જ્ઞાનની વૃદ્ધિ કર્યા પશ્ચાત્ જયારે જ્ઞાનીનું જ્ઞાન પરિપકવ બને છે, તત્પશ્ચાત્ તે અથવા તો તેણી ભગવાનને પૂર્ણ શરણાગત થાય છે.

સત્ય તો એ છે કે વાસ્તવિક જ્ઞાન ભક્તિ તરફ અગ્રેસર કરે છે. ધારો કે, એક વ્યક્તિ દરિયા કિનારે ચાલી રહ્યો હતો. ત્યાં તેને રેતીમાંથી એક વીંટી મળી. તેણે તે ઉપાડી તો લીધી, પરંતુ તેના મૂલ્ય અંગે તેને કોઈ માહિતી ન હતી. તેણે વિચાર્યું કે આ કોઈ બનાવટી આભૂષણ હશે, જે આજકાલ ખૂબ પ્રચલિત છે અને તેની કિંમત માંડ ૨૦૦૦ રૂપિયા હશે. બીજા દિવસે, તેણે આ વીંટી એક સોનારને બતાવી અને પૂછયું, “મહેરબાની કરીને શું તમે મને આ વીંટીનું મૂલ્ય કરી આપશો?” સોનીએ ચકાસ્યું અને ઉત્તર આપ્યો, “આ ૨૨ કેરેટનું સોનું છે. તેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા તો હશે જ.” આ સાંભળીને, તે વ્યક્તિનો વીંટી માટેના પ્રેમમાં વૃદ્ધિ થઈ ગઈ. હવે તે જયારે આ વીંટી સામે જોતો તો તેને ૨૦,૦૦૦ રૂપિયાની ભેટ પ્રાપ્ત થવા જેટલું સુખ પ્રાપ્ત થવા લાગ્યું.

અન્ય કેટલાક દિવસો પસાર થઈ ગયા અને એક દિવસ તેના એક કાકા કે જેઓ પોતે ઝવેરી હતા, તેઓ અન્ય નગરમાંથી તેના ઘરે પધાર્યા. તેણે તેના કાકાને પૂછયું, “તમે આ વીંટી અને તેમાં જડિત પત્થરનું મૂલ્ય આંકી શકો છો?” તેના કાકાએ વીંટી સામે જોયું અને અચરજ સહિત પૂછયું, “તને આ ક્યાંથી મળી? આ તો સાચો હીરો છે. તેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા હશે.” તે વ્યક્તિ વિભોર થઈ ગયો. “કાકા, મહેરબાની કરીને તમે મારી સાથે મજાક ન કરો.” કાકાએ કહ્યું, “દીકરા, હું મજાક નથી કરતો. જો તને મારી વાત માનવામાં ન આવતી હોય તો તું મને આ વીંટી ૭૫,૦૦,૦૦૦ રૂપિયામાં વેંચી દે.” હવે તે વ્યક્તિને વીંટીના સાચા મૂલ્ય અંગે સુનિશ્ચિત જ્ઞાન થયું. તુરંત જ વીંટી માટેની આસક્તિ વધી ગઈ. તેને લાગ્યું કે જાણે તેને જૅકપૉટ લાગી ગયો છે અને તેના આનંદની કોઈ સીમા ન રહી.

જુઓ, તે વ્યક્તિનો વીંટી પ્રત્યેનો અનુરાગ તેના મૂલ્ય-જ્ઞાનને આધારે કેવો વધતો ગયો. જયારે તેને જ્ઞાત થયું કે વીંટીનું મૂલ્ય ૨૦૦૦ રૂપિયા છે, તેની આસકિત તેટલી જ સીમા સુધી વધી. જયારે તેને એમ જ્ઞાત થયું કે વીંટીની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે, તો તેટલા પ્રમાણમાં તેની આસક્તિ પણ વધી. જયારે તેને એ જ્ઞાત થયું કે વીંટીની સાચી કિંમત એક કરોડ રૂપિયા છે, તો તેની આસક્તિ પણ અત્યંત વધી ગઈ.

ઉપરોક્ત દૃષ્ટાંત જ્ઞાન અને પ્રેમ વચ્ચેનો પ્રત્યક્ષ પારસ્પરિક સંબંધ સ્પષ્ટ કરે છે.

રામાયણ વર્ણવે છે:

           જાનેં બીનુ ન હોઈ પરતીતી, બીનુ પરતીતિ હોઈ નહિં પ્રીતી

“જ્ઞાન વિના શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી, શ્રદ્ધા વિના પ્રેમમાં વૃદ્ધિ થતી નથી.” આમ, વાસ્તવિક જ્ઞાનને સ્વાભાવિક રીતે પ્રેમનો સહયોગ પ્રાપ્ત થાય છે. જો આપણે એવો દાવો કરતા હોઈએ કે આપણે બ્રહ્મના જ્ઞાનથી સંપન્ન છીએ પરંતુ તેમના પ્રત્યે પ્રેમની કોઈ અનુભૂતિ થતી નથી, તો આપણું જ્ઞાન કેવળ સૈદ્ધાંતિક જ છે.

અહીં, શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે અનેક જન્મ-જન્માંતરોના જ્ઞાનની વૃદ્ધિ પશ્ચાત્, જયારે જ્ઞાનીનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન તરીકે પરિપકવ બને છે ત્યારે તે ભગવાનને સર્વસ્વ માનીને  તેમને શરણાગત થાય છે. આ શ્લોક કહે છે કે આવા મહાત્મા અતિ વિરલ અને દુર્લભ હોય છે. તેઓ આવું જ્ઞાનીઓ, કર્મીઓ, હઠ-યોગીઓ, તપસ્વીઓ વગેરે માટે કહેતા નથી. તેઓ આ ઘોષણા ભક્તો માટે જ કરે છે અને કહે છે કે આવા ઉદાત્ત આત્મા જેમણે “ભગવાન જ સર્વ છે”, એવી અનુભૂતિ કરી છે અને શરણાગત થયા છે, તેઓ દુર્લભ છે.