આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિમાણોનાં વર્ણન સાથે થાય છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ તેમનામાંથી પ્રગટ થયું છે અને દોરામાં પરોવાયેલાં મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે. તેઓ સમગ્ર સર્જનનો સ્રોત છે અને સર્વ તેમનામાં જ પુન: વિલીન થઇ જાય છે. તેમની પ્રાકૃત શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઇ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી જાય છે. આગળ શ્રીકૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય એવા ચાર પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા ચાર પ્રકારના લોકોનું વર્ણન કરે છે. તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહીને પોતાનાં મન અને બુદ્ધિનો શ્રીકૃષ્ણમાં વિલય કરી દે છે. કેટલાક લોકો કે જેમની બુદ્ધિનું લૌકિક કામનાઓ દ્વારા હરણ થઇ ગયું છે,જેમની બુદ્ધિ ભૌતિક ઇચ્છાઓથી આચ્છાદિત છે તેઓ સ્વર્ગીય દેવી-દેવતાઓને શરણાગત થાય છે. પરંતુ એ સ્વર્ગીય દેવી-દેવતાઓ કેવળ અલ્પકાલીન લૌકિક સુખો પ્રદાન કરી શકે છે અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ જ કરી શકે છે. આ પ્રમાણે, ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય સ્વયં ભગવાન જ છે. શ્રીકૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે, તેઓ જ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગંતવ્ય છે. પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધાં જાણી શકતા નથી. જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને જાણ્યા પશ્ચાત્ આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે.
Bhagavad Gita 7.1 View commentary »
પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા: હે અર્જુન! હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિ:સંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ.
Bhagavad Gita 7.2 View commentary »
હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રકટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.
Bhagavad Gita 7.3 View commentary »
સહસ્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે.
Bhagavad Gita 7.4 View commentary »
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર—આ સર્વ મારી પ્રાકૃત શક્તિના આઠ તત્ત્વો છે.
Bhagavad Gita 7.5 View commentary »
આવી ગૌણ મારી અપરા શક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી, હે મહાભુજાઓવાળા અર્જુન, મારી પરા શક્તિ છે. આ જીવશક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે.
Bhagavad Gita 7.6 View commentary »
સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે, તે જાણ. હું સમગ્ર સૃષ્ટિનો સ્રોત છું અને મારામાં જ તે પુન: વિલીન થઈ જાય છે.
Bhagavad Gita 7.7 View commentary »
હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલાં રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે.
Bhagavad Gita 7.8 View commentary »
હે કુંતીપુત્ર! હું જળમાં સ્વાદ છું અને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ) છું; હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું.
Bhagavad Gita 7.9 View commentary »
હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવનબળ છું અને તપસ્વીઓનું તપ છું.
Bhagavad Gita 7.10 View commentary »
હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું.
Bhagavad Gita 7.11 View commentary »
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી.
Bhagavad Gita 7.12 View commentary »
માયિક અસ્તિત્ત્વની ત્રણ અવસ્થાઓ—સાત્ત્વિક, રાજસી અને તામસી—મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનાથી પરે છું.
Bhagavad Gita 7.13 View commentary »
માયાના ત્રણ ગુણોથી મોહિત, આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી.
Bhagavad Gita 7.14 View commentary »
મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિનાં ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે.”
Bhagavad Gita 7.15 View commentary »
ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી—તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે.
Bhagavad Gita 7.16 View commentary »
હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે—સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પિપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે.
Bhagavad Gita 7.17 View commentary »
આમાંથી, હું તેમને શ્રેષ્ઠત્તમ માનું છે, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે.
Bhagavad Gita 7.18 View commentary »
વાસ્તવમાં, એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિ:સંદેહ ઉદાર મનવાળા છે.પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છે.
Bhagavad Gita 7.19 View commentary »
અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત્ જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વેસર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે.
Bhagavad Gita 7.20 View commentary »
જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે.
Bhagavad Gita 7.21 View commentary »
દેવતાના જે કોઈપણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દૃઢ કરું છું.
Bhagavad Gita 7.22 View commentary »
શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છે.
Bhagavad Gita 7.23 View commentary »
પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જયારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 7.24 View commentary »
અલ્પજ્ઞાનીઓ માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી.
Bhagavad Gita 7.25 View commentary »
મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી, મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું.
Bhagavad Gita 7.26 View commentary »
હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છે અને હું સર્વ જીવોને જાણું છું; પરંતુ મને કોઈ જાણતું નથી.
Bhagavad Gita 7.27 View commentary »
હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વન્દ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સંમોહિત થાય છે.
Bhagavad Gita 7.28 View commentary »
પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે.
Bhagavad Gita 7.29 View commentary »
જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે.
Bhagavad Gita 7.30 View commentary »
જેઓ મને અધિભૂત (માયાનું ક્ષેત્ર) અને અધિદૈવ (સ્વર્ગીય દેવો) તેમજ અધિયજ્ઞ (સર્વ યજ્ઞ-કાર્યના સ્વામી)નાં સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે.